- ઉત્તરાયણ પ્રકાશ, પ્રકૃતિ, સંસ્કૃતિ, આકાશ અને સૂર્ય ઉપાસનાનું પર્વ
- રાજસ્થાનમાં અખાત્રીજે તો મુંબઇમાં દિવાળીએ અને દિલ્હીમાં સ્વાતંત્ર્ય પર્વે ઉડે છે, પતંગ : અમદાવાદમાં પતંગોત્સવ બે દિવસ ચાલે છે: જાણકારોના મત મુજબ પતંગનું મહત્વ કે અસ્તિત્વ રામાયણ-મહાભારતમાં પણ જોવા મળે છે
- વિશ્ર્વનાં સૌથી પ્રાચિન ગ્રંથ ઋગવેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો હતો : હડપ્પા અને મોહે-જો-દરોની સિંધુ સંસ્કૃતિના મળી આવેલા અવશેષોમાં અમુક ચિત્રલિપીમાં પતંગની આકૃતિ જોવા મળે છે: ભારતમાં પતંગ નામનો સર્વ પ્રથમ ઉલ્લેખ મંઝન નામના કવિએ તેની મધુમાલતી કવિતામાં કર્યો હતો
આપણે મકર સંક્રાંતિએ પતંગ ઉડાડીએ છીએ પણ આજે કે કાલે કે આવતા મહિને પણ વિશ્વના અલગ અલગ દેશોના પ્રદેશોમાં પતંગ ઉડતી જ રહે છે. આપણાં દેશમાં પતંગને તિલંગી, પાળોલ, મકડા, ગાલપિટ્ટ અને પડાઇ જેવા નામોથી બોલાવાય છે. વિશ્વમાં અલગ અલગ દેશોમાં તેના આકાર- કદ – દેખાવ મુજબ તેના નામો જાણીતા છે. પતંગ શબ્દ હકિકતમાં સંસ્કૃત શબ્દ છે. આપણા દેશમાં કે વિશ્વમાં તેના આકાર – કદ મુજબ વિવિધ નામો છે. તેમ આપણાં ગુજરાતમાં પણ તેને ફૂમતાવાળા, પૂછડીવાળા, કાગડી, આંખદાર, પીળી, બગલું, ભૂરીભાત જેવા વિવિધ નામો જોવા મળે છે. તેના ઝુંડ ને પંજો અને 20 પતંગોને કે જથ્થાને કૂડી કહેવાય છે.
પતંગો વિશેની અનેક કથા અને વાતો જાણીતી છે. તુલસીદાસ કૃત રામાયણના બાલ કાંડની ચોપાઇ તેનો ઉલ્લેખ અને રામે પતંગ ઉડાડી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. ત્રણ હજાર વર્ષ પહેલા વનસ્પતિના પાંદડામાંથી પણ પતંગો બનતી હોવાનું માનવામાં આવે છે. સૌ પ્રથમ વિશ્વમાં ઇ.સ. પૂર્વે 206માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હુઆન સંગ હતા. વિશ્વનો સૌથી મોટો પતંગ 630 ચોરસમીટર નું કદ ધરાવતો હતો, જયારે લાંબો પતંગ 1034 મીટરની લંબાઇ ધરાવતો હતો. જાપાનના એક પતંગ બાજે એક જ દોરી ઉપર 11284 પતંગ ઉડાડવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. સૌથી દુર ઉડાવવાનો વર્લ્ડ રેકોર્ડ કલાકની 193 કી.મી. ઝડપે પતંગ ઉડાવવાનો છે. થાઇલેન્ડમાં પતંગ ઉડાડવાના 78 નિયમો નકકી કરાયા છે.
આકાશમાં રંગરબેરંગી પતંગ ચગાવવાના અનેરા અવસરનું ઉત્સવ પર્વ મકર સંક્રાંતિ કાલે છે, ત્યારે પતંગ રસિયાનો ઉમંગ – ઉત્સાહ પતંગની જેમ જ આભને આંબી રહ્યો છે. ભારતમાં સંક્રાતના અનેક નામ અને રૂપ જોવા મળે છે, મહારાષ્ટ્રમાં ક્રિક્રાંતિ, બંગાળમાં સંક્રાતિ, તામિલનાડુ અને દક્ષિણ ભારત અને બંગાળમાં પોંગલ, યુપી અને બિહારમાં તેને ખીચડી પણ કહેવાય છે. સૂર્યનું એક નામ પતંગ પણ છે, આ પર્વ ઘણુ પ્રાચીન અને વ્યાપક છે. ઉતરાયણ પ્રકાશ, પ્રકૃતિ, સંસ્કૃતિ, આકાશ અને સૂર્ય ઉપાસનાનું પૂર્વ ગણાય છે. આપણા દેશમાં સૌપ્રથમ 1750 માં પતંગ ઉડી હતી. પતંગબાજીનો શોખ નવાબી શોખ ગણાતો હતો. છઠ્ઠી સદીમાં ચીનના રાજાએ પતંગને લઈને ઘણા પ્રયોગો કર્યા હતા.
ગુજરાતના અમદાવાદમાં તો બે દિવસ ઉત્સવ જેવો માહોલ હોય છે. અહિં વાસી ઉતરાયણનું વિશેષ મહત્વ છે. સુરત, બરોડા, રાજકોટ જેવા અનેક શહેરોમાં પતંગ રસીઓએ દોરો પાવાથી લઇને પતંગના આયોજન અગાઉથી જ કરેલ હોય છે. ધાબા ઉપર પરિવાર સાથે મિત્રો સાથે સવારથી સાંજ જલ્વામાં ડીજે, ચીકી, બોર, જીંજરા, ખજુર, ઉંધીયુ જેવા વ્યંજનો પણ સામેલ થાય છે. અત્યારે તો બજારમાં પતંગ દોરા, ફિરકી વિગેરેની ઘુમ લેવાલી નીકળી પડી છે. નીત નવા પતંગો પણ આ વર્ષે જોવા મળી રહ્યા છે, જેમાં આ વર્ષે પુષ્પા, ઇન્ડિયન ફ્લેગ, 2025 વર્ષની તથા બાળકોને ગમતા વિવિધ કાર્ટુનોની પતંગોનો બજારોમાં ક્રેઝ જોવા મળે છે.
આપણાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં વર્ષમાં એક જ વખત મકર સંક્રાંતિ એ જ પતંગ ચગાવાય છે. પરંતુ દેશના અલગ અલગ પ્રદેશોમાં કોઇને કોઇ પર્વને નિમિત બનાવીને લોકો પતંગ ઉડાડે છે. તેથી દેશમાં આખુ વર્ષ કોઇને કોઇ તહેવારે પતંગ ઉડતી જ રહે છે. આ અંગેની વિગતોમાં પતંગ-દોરા અને ખાસ માંજો પાવા વાળા ધંધા સાથે સંકળાયેલા અને ધંધાને કારણે દેશભરમાં ફરતા રહેતા ધંધાર્થીઓ માટે આજીવિકા નું એક સાધન છે. પશ્ર્ચિમ બંગાળમાં મુળ બંગાળીઓ નવરાત્રી દરમ્યાન, વિશ્વકર્મા જયંતિ ઉજવણીએ પતંગ ઉડાવીને પતંગ પર્વ ઉજવે છે.
રાજસ્થાનમાં ખાસ કરીને બિકાનેર શહેરમાં અખાત્રીજે પતંગ રસીયા પતંગ ચગાવે છે. આ પાછળના કારણોમાં રાજસ્થાનના રાજવી રાવ બિકાજીએ અક્ષય તૃતીયા ના દિવસે બિકાનેર શહેર વસાવેલ તેથી સ્થાપના દિવસે ઉજવણીના ભાગરુપે પતંગ ઉડાડાય છે. આ દિવસે ખીચડો ખાવાનું વિશેષ મહત્વ છે. અખાત્રીજ પહેલા બીજના દિવસથી જ પતંગ ઉડાડાય છે. રાજસ્થાનના બીજા એક શહેર જોધપુરમાં અખાત્રીજે પતંગ ચગાવવાનો રિવાજ છે, પરંતુ અખાત્રીજ કરતાં રક્ષાબંધનના દિવસે પતંગો વધુ ચગાવાય છે. રાજયના જયપુરમાં મકર સંક્રાંતિએ જ પતંગ ઉડાડાય છે.પાટનગર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વાતંત્ર્ય પર્વે પતંગ ચગાવાય છે. જયારે બોલીવુડ નગરી મુંબઇમાં દિવાળી દરમ્યાન પતંગ રસીયા પતંગ ચગાવે છે. જો કે હવે મુંબઇમાં ગુજરાતી સ્થાય થયેલા ગુજજુ પરિવારો મકર સંક્રાતિએ જ પતંગ ઉડાડે છે. દક્ષિણના પ્રમુખ રાજય તામિલનાડુમાં પોંગલ ઉત્સવમાં પતંગ પ્રજા ચગાવે છે.
આખા દેશમાં પતંગ ઉડાવવાનું વિશેષ મહત્વ ઉત્તર પ્રદેશમાં છે, અહીં પતંગ રસીયાઓ બારે માસ પતંગ ઉડાડતા જોવા મળે છે. લખનૌમાં દિવાળી પર્વે તો કાનપુરમાં રક્ષાબંધને, મુરાદાબાદમાં વસંત પંચમીએ પતંગ ઉડાડવાનો રીવાજ છે. આપણા ગુજરાતમાં અપવાદ રુપ પ્રભાષ પાટણમાં મકર સંક્રાતિ એ પતંગ નથી ઉડતી પણ, ભર ચોમાસે પિતૃશ્રાઘ્ધના દિવસોથી પતંગ ઉડાડવાનું શરુ કરાય છે. જે છેક દેવદિવાળી સુધી ચાલે છે. પંજાર હરિયાળામાં મકર સંક્રાંતિ ‘માઘી’ નામથી ઓળખાય છે. સંક્રાંતનો એક દિવસ પહેલા ‘લોહિડી’ નો ઉત્સવ મનાવે છે.આપણા દેશમાં અલગ અલગ નામથી દેશભરમાં સંક્રાતનું પર્વ મનાવાય છે અને આખુ વર્ષ પતંગના પડછાયા દેશમાં કયાંયને કયાંક ઝીલાતા રહે છે.
ત્રણ હજાર વર્ષ પહેલા પાંદડામાંથી પ્રથમ પતંગ બનાવ્યો હતો !
વિશ્વનો સૌથી નાનો પતંગ પાંચ મિલીમીટર જેટલું ઉંચુ ઉડયો હતો. દુનિયાના સૌથી મોટા પતંગને ‘મેગા ફલેગ’ તરીકે ઓળખાય છે. સૌથી પહેલો પતંગ વૃક્ષના પાંદડામાંથી ત્રણ હજાર વર્ષ પહેલા બનાવ્યો હતો. અત્યાર સુધી સૌથી ઝડપી ઉડાડવામા: આવેલો પતંગ કલાકની 193 કી.મીની ઝડપ ધરાવતો હતો. ન્યુઝીલેન્ડમાં પક્ષીના આકારોની પતંગોનો ક્રેઝ છે. જાપાની લોકો પતંગ ઉડાવવામાં જ પ્રવૃત રહેતા હોવાથી 1760 માં તેની ઉપર પ્રતિબંધ મુકાયો હતો. અમેરિકન સૈનિકો પતંગોનો સંદેશા વ્યવહાર તરીકે ઉપયોગ કરતાં હતા. ચીનમાં ડ્રેગન આકારના પતંગો ખુબ જાણીતા છે. 1901 માં માર્કોની એ પતંગની મદદથી પ્રથમવાર રેડીયો તરંગોના માઘ્યમથી સંદેશાઓને એટલાન્ટિક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મળી હતી.
પતંગોની શોધનો દાવો કરનાર ચીન અને ગ્રીક
પતંગની સૌ પ્રથમ શોધ હકિમલ કમાને બનાવી હોવાનો ચીનનો દાવો છે, તેમણે ડ્રેગન નામનો પતંગ બનાવ્યો હતો. ચીન-કોરિયા અને જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેર ખબર માટે થતો હતો. અમદાવાદના પાલડી ખાતે કાઇટ મ્યુઝિયમ આવેલું છે. આજે તો આપણા દેશના વિવિધ શહેરોમાં ભવ્ય પતંગ મહોત્સવ યોજવામાં આવે છે, જેમાં વિદેશના પતંગબજો પણ પોતાની અવનવી ચિત્ર વિચિત્ર પતંગ અને ફીરકી લઈને પતંગો ચગાવતા નજરે પડે છે.