- સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ: 16 દેશોના પતંગબાજો જોડાયા
- પતંગ માનવીને પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાઈને ઉડવાની શીખ આપે છે.
-સાંસદ પરશોત્તમ રૂપાલા - રાજકોટ તા. 12 જાન્યુઆરી – સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે રાજકોટ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’નો શુભારંભ થયો હતો.
આ તકે સાંસદ રૂપાલાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તળપદા તહેવાર ઉત્તરાયણને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ સુધીની ગરિમા સુધી પહોંચાડ્યો છે. પ્રધાનમંત્રીએ યોગ, ધ્યાન, ઉત્તરાયણ જેવા આપણા સાંસ્કૃતિક પર્વોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે. તેમણે પતંગોત્સવ થકી ઉદ્યોગ, રોજગારી અને પ્રવાસનને વેગ આપ્યો છે.
આ સાથે પતંગ થકી જીવનની શીખને સમજાવતા સાંસદએ કહ્યું હતું કે, પતંગ માનવીને પોતાના મૂળ સ્ત્રોત, પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાની શીખ આપે છે, તે ઉપદેશ આપે છે કે, જયાં સુધી આપણે મૂળ સાથે જોડાયેલા છીએ ત્યાં સુધી જ ઉડાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. સંસ્કૃતિનું જોડાણ તૂટતા આપણી પતંગ કપાઈને જમીન દોસ્ત થઈ જાય છે.
આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયના પેઢડીયાએ આગામી મકરસંક્રાંતિ પર્વની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, રંગીલા શહેર રાજકોટમાં રંગીલો પતંગોત્સવએ અભૂતપૂર્વ નજારો બની રહેશે ત્યારે જીવનમાં પણ પતંગ અવનવું શીખવી જાય છે જેમ કે, સહકાર,સંપ, કરુણા જેવા પતંગોને ચગાવી જીવનને ઉન્નત લઈ જવું અને મોહ,કામ,ક્રોધ જેવા પતંગોને કાપીને તેનાથી દૂર થવું એ ઉતરાયણ પર્વ માનવને શીખવી જાય છે.
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025 ’માં નેધરલેન્ડ, વિયેતનામ, ઈટલી, સ્પેન, ગ્રીસ, પોલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, પોર્ટુગલ, સાઉથ આફ્રિકા, યુ. એસ., રશિયા, લિથુઆનિયા જેવા 16થી વધુ દેશોના અને પંજાબ, રાજસ્થાન રાજ્યના પતંગબાજોએ ભાગ લઈ અવનવા કરતબો કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્વાગત પ્રવચન દ્રારા સર્વનું સ્વાગત અભિવાદન કર્યુ હતું. આર.એમ.સી. કમિશનર તુષાર સુમેરાએ વિદેશથી પધારેલા પતંગબાજોને ભારતીય સંસ્કૃતિમાં પતંગોત્સવના મહત્વ વિશેની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સાંસદ રામ મોકરીયા, ધારાસભ્યો સર્વ રમેશ ટીલાળા, દર્શિતા શાહ, દંડક મનીષ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, અગ્રણી મુકેશ દોશી, કોર્પોરેટરઓ અને રાજકોટના નાગરિકો બહોળી સંખ્યામાં સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
” પતંગ ઉત્સવ પ્રસંગે રાજકોટ પધારેલા નેધરલેન્ડના પતંગબાજ પીટરે ગુજરાતમાં પતંગ ઉત્સવમાં પધારીને થતી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી, તેમણે રાજકોટ શહેરને સુંદર જણાવી પતંગોત્સવમાં આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉત્સવમાં વિદેશથી પધારેલા પતંગબાજો પણ ગુજરાતી ગીતો પર ઝૂમ્યા હતા. “