- જિલ્લા પોલીસવડા સહિત 1 હજારથી વધુ પોલીસમેનનો ચાંપતો બંદોબસ્ત
- યાત્રિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા પંથકમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા યાત્રાધામ બેટ દ્વારકાના બાલાપર, દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર સહિતના વિસ્તારોમાંમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મેગા ડિમોલીશનમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સહીત એક હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ મેગા ડિમોલિશનની કામગીરી રાજ્ય સરકારના આદેશાનુસાર વહીવટી તંત્રના જિલ્લા કલેક્ટર કચેરી, નગરપાલિકા, પીજીવીસીએલ તથા પોલીસ વિભાગ વચ્ચે સંકલન સાધી સંયુક્ત રીતે હાથ ધરાઇ છે, જે અંગે તા.10.01.25 બપોરે ઉચ્ચ અધિકારીઓની મીટીંગ પણ યોજાઈ હતી. દબાણકર્તાઓને કાનૂની જોગવાઈ અનુસાર નિયત સમય મર્યાદામાં દબાણો હટાવી લેવા નોટિસો અપાયાની મુદત પૂર્ણ થઈ ગઈ હોય આજ સવારથી આ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. દરિયાઈ સીમાથી ઘુસણખોરી અને દેશની સુરક્ષાના મુદ્દાને ધ્યાને લઈ આ વિસ્તારમાંથી તમામ ગેરકાયદે દબાણો હટાવવા તંત્રએ કમરકસી છે.
બેટ દ્વારકાના બાલાપર, તેમજ રૂપેણ બંદરના વિસ્તારો તેમજ દ્વારકાના આવળપરા વિસ્તારમાં દબાણો દૂર કરવા માટેની કામગીરી ચુસ્ત સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. મેગા ડિમોલિશન માટે બેટ દ્વારકા સહિત તમામ સ્થળોમાં કામગીરી હેતુ જેસીબી, બુલડોઝર, ટ્રેક્ટર વગેરે યાંત્રીક સામગ્રીઓને સજ્જ કરી દેવાઈ છે. આ ઉપરાંત સમગ્ર કામગીરી કરવા માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત એક હજાર જેટલા પોલીસસ્ટાફનો કાફલો પણ તૈનાત કરી દેવાયો છે. આ મેગા ડિમોલિશનની કામગીરી તમામ સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવશે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની સંપૂર્ણ તકેદારી સાથેનો કુલપ્રુફ પ્લાન સહિત ઓપરેશન પૂર્ણ કરવાની તૈયારી કરી લેવાઇ હોવાનું જાણવા મળ્યું છે.
એક વર્ષ પૂર્વે પણ દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું’તું
દ્વારકામાં આશરે એકાદ વર્ષ પૂર્વે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કરાયા બાદ ત્યાં પુન: દબાણો થઈ ગયા હોય, જે તંત્રને ધ્યાને આવેલા હોય આવા પુન: થયેલા દબાણોને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદે બનેલા કાચા-પાકા મકાનો તથા કોમર્શીયલ બાંધકામોને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવનાર છે. હાલ આગલી સૂચના ના મળે ત્યાં સુધી બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નોટીસ પિરિયડ પૂર્ણ થતાં વહેલી સવારથી જ દબાણો દૂર કરવાની કાર્યવાહી
દબાણકર્તાઓને કાનૂની જોગવાઈ અનુસાર નિયત સમય મર્યાદામાં દબાણો હટાવી લેવા નોટિસો અપાયાની મુદત પૂર્ણ થઈ ગઈ હોય આજ સવારથી આ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. આ ડિમોલીશનમાં જિલ્લા વહીવટી તંત્ર, પીજીવીએસએલ અને પોલીસ સહિતનો વિભાગ હાજર રહ્યો છે.
અહેવાલ: મહેન્દ્ર કક્કડ