ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીના સભ્યો ભરૂચ જિલ્લાની અભ્યાસ મુલાકાતે પધાર્યા હતા. આ સમિતિના સભ્યો બુધવારે નર્મદા જિલ્લાના મોટી ભમરી ખાતે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાએ સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી ભરૂચ જિલ્લામાં આવકાર્યા હતા. 15મી ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં 11 જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીની સાથે કુલ 6 સભ્યો પૈકી ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા મોટીભમરી ખાતેના લિફ્ટ ઈરિગેશન પ્રોજેક્ટની મુલાકાત વેળાં સમિતિ સાથે જોડાયા હતા.
સમગ્ર ટીમના સભ્યોએ કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ ઉદવહન સિંચાઈ પાઈપલાઈન પ્રોજેક્ટની મુલાકાત કરી હતી. આ વેળાએ, ધારાસભ્ય રિતેશ વસાવાએ પણ ખેડૂત આગેવાનો તેમજ ખેડૂતો સાથે બેઠક કરી હતી. આગેવાનો દ્નારા રજૂ થયેલા પ્રશ્રોનું નિરાકરણ લાવવા સાથે સ્થાનિકોને પણ આ યોજનાનો લાભ મળી રહે તેવા પ્રયાસ કરવા અંગે આશ્વાસન આપ્યું હતું. વધુમાં, પ્રોજેક્ટ સંબંધિત અધિકારીઓ સાથે કરી વધુમાં વધુ ખેડૂતોને ડેમના પાણીનો લાભ મળી રહે તે દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી માર્ગદર્શન સાથે કેટલાંક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. સમિતિના સભ્યોની આ મુલાકાત દરમિયાન નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધા વસાવા, ઝઘડીયા તેમજ વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, નર્મદા ડેમના અધિકારીઓ, કરજણ જળાશય યોજનાના અધિકારીઓ અને ખેડૂત આગેવાનો તેમજ ખેડૂતો જોડાયા હતા.