- આશારામની મુશ્કેલી વધી
- 23 મેં 2014ના રોજ રાજકોટના સંત કબીર રોડ પર અમૃત પ્રજાપતિની ગોળી મારી કરાઈ’તી હત્યા: વૈદ્ય પાસે દર્દી બનીને આવેલા શખ્સે ફાયરિંગ કરતા ઘવાયેલા અમૃત પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું’તું
યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા ભોગવતાં આસારામની મુશ્કેલીઓમાં વધારો થયો છે. યૌન શોષણ કેસના મુખ્ય સાક્ષી વૈદ્ય અમૃત પ્રજાપતિને 23 મેં 2014ના રોજ રાજકોટના સંત કબીર રોડ પર ગોળી મારી દેવામાં આવી હતી. જે બાદ ઈજાગ્રસ્ત હાલતમાં અમૃત પ્રજાપતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન 20માં દિવસે અમૃત પ્રજાપતિનું મોત થઇ જતાં બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. જે મામલે અમૃત પ્રજાપતિએ હત્યારા તરીકે આશારામના છ શિષ્યોના નામ અગાઉ પોલીસને આપી દીધા હતા. જે મામલે હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા હત્યા કેસના આરોપી કેશવ નામના શખ્સને કર્ણાટકથી ઉઠાવી લીધો છે.
પ્રાપ્ત વિગત અનુસાર આસારામના ભૂતપૂર્વ અનુયાયી અને આસારામની કાળી કરતુતોનો પર્દાફાશ કરનાર અમૃત પ્રજાપતિની વર્ષ 2014ની 23મેંના રોજ ગોળી ધરબી હત્યા નીપજાવી દેવામાં આવી હતી. અમૃત પ્રજાપતિ અગાઉ આશારામના જ અનુયાયી હતા. તેઓ આશારામના અમદાવાદ આશ્રમના પ્રમુખ વૈદ્ય હતા. દરમિયાન આશારામની કાળી કરતુતો અંગે જાણ થતાં અમૃત પ્રજાપતિએ આશ્રમ છોડી દીધો હતો અને આશારામની લંપટ લીલાઓનો પર્દાફાશ કર્યો હતો. જે બાદ તેઓ રાજકોટ ખાતે સંત કબીર રોડ સ્થિત શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં દર બીજા અને ચોથા શુક્રવારે દર્દીઓને જોવા આવતા હતા. 23 મેં, 2014ના રોજ બપોરે એક વાગ્યાંના અરસામાં એક રાજુ નામનો શખ્સ દર્દી તરીકે આવ્યો હતો અને અમૃત પ્રજાપતિ પાસેથી તેમની બીમારીની દવા લીધી હતી. જે બાદ અમૃત પ્રજાપતિ જમવા માટે બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન આ શખ્સે પેન્ટમાં છુપાવેલ રિવોલ્વર કાઢી ગોળીબાર શરૂ કરી દીધો હતો અને ફાયરિંગ કર્યા બાદ નાસી ગયો હતો.
ફાયરિંગના કારણે અમૃત પ્રજાપતિને ગળા અને મોઢાના ભાગે ગોળીઓ વાગતા તેઓ લોહીથી લથપથ ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઓપરેશન બાદ તેઓ ભાનમાં આવતા આશારામના અનુયાયીઓના નામો આપ્યા હતા. જે બાદ સારવારના 20માં દિવસે અમૃત પ્રજાપતિનું મોત નીપજ્યું હતું. જે મામલે પોલીસે ઘટનાસ્થળેથી બે હથિયાર અને 10 કાર્ટિસ કબ્જે કર્યા હતા.
રાજકોટમાં દસ વર્ષ પૂર્વે બનેલી હત્યાની બહુચર્ચિત હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં પીઆઈ એમ આર ગોંડલીયા અને પીઆઈ એમ એલ ડામોરની ટીમો ચકચારી હત્યા કેસના ફરાર આરોપીઓને શોધી કાઢવા ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દરમિયાન ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી એક આરોપી કર્ણાટક તરફ હોવાનું જાણવા મળતા જ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ કર્ણાટક તરફ દોડી ગઈ હતી. જ્યાં સતત વોચ રાખીને આરોપીની ઓળખ મેળવી ભારે જહેમત ઉઠાવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેશવ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીને લઈને પરત આવવા ટીમ કર્ણાટકથી રવાના થઇ ગયાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.
આશારામ 31 માર્ચ સુધી ‘બહાર’ અને પૂર્વ શિષ્ય ‘અંદર’
બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામના ત્રણ દિવસ પૂર્વે જ કોર્ટે પેરોલ મંજુર કર્યા હતા. આસારામને 2013માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધીના પેરોલ મંજુર કર્યા છે. સુપ્રીમ કોર્ટએ આસારામને પેરોલ આપતાં કેટલીક શરતો પણ મૂકી છે. ત્યારે હવે પૂર્વ શિષ્યની ધરપકડ થતાં આશારામની મુશ્કેલીઓ વધશે તેવી પ્રબળ શક્યતા છે.
વર્ષ 2016માં કાર્તિક નામના શાર્પ શૂટરની એટીએસએ કરી’તી ધરપકડ
જોધપુર જેલમાં બંધ યૌન શોષણ ઉત્પીડનના આરોપી આસારામ વિરૂધ્ધના કેસમાં સાક્ષીઓના મોતનું કોકડું ઉકેલાયું છે. અગાઉ ગુજરાત પોલીસે શાર્પ શૂટર કાર્તિકને ઝડપી લીધો હતો. ગુજરાત એટીએસે જુબાની આપનારા ત્રણ લોકોની હત્યાનો પર્દાફાશ કરતાં કાર્તિક નામના શાર્પ શૂટરને વર્ષ 2016માં ઉઠાવી લીધો હતો. આશારામને ભગવાન માનનાર કાર્તિક પર ત્રણ સાક્ષીઓની હત્યા ઉપરાંત અન્ય લોકો ઉપર જીવલેણ હુમલા કરવાનો પણ આરોપ હતો. પશ્વિમ બંગાલના રહેવાસી કાર્તિકે આસારામ જેલમાં ગયા બાદ પોતાનું ઠેકાણું ઘણીવાર બદલ્યું હતું. સાક્ષીઓની હત્યા માટે તે ગુજરાત, બિહાર અને હરિયાણામાં ચક્કર કાપતો હતો.