- આરટીઓએ અર્પિત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ નાટકો થકી આપ્યો સંદેશ
ઉત્તરાયણ પર્વની આખા રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે પણ આ પર્વે ગળા કાપતી દોરીઓના લીધે અનેક પરિવારોના માળા વિખાઈ જતાં હોય છે. ઉપરાંત પશુ પક્ષીઓને પણ જીવલેણ ઈજાઓ પહોંચતી હોય છે ત્યારે આ પ્રકારની ગળા કાપતી દોરીઓનો ઉપયોગ અટકે તેવા ઉદેશ્ય સાથે આરટીઓ તંત્ર દ્વારા અર્પિત એજ્યુકેશનલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ નાટકો થકી પ્રજાને આવી દોરીનો ઉપયોગ નહિ કરવા સંદેશ આપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ આરટીઓ કે એમ ખપેડના નેતૃત્વમાં આરટીઓ તંત્ર અને અર્પિત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે શહેરના રેસકોર્સ રીંગ રોડ પર એક જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં ગળા કાપતી દોરીઓ અંગે અલગ અલગ બેનરો તેમજ નાટકો થકી સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં દોરી વડે ગળું કપાઈ જતાં પરિજનને ગંભીર ઇજા, પતંગ લૂંટવા જતાં સર્જાતો અકસ્માત અને પક્ષીઓને ઇજા સહિતના નાટક ભજવવામાં આવ્યા હતા. જેમાં એક પતંગની દોરી કોઈકના પરિજનનો જીવ લઇ શકે છે જેથી તેનો ઉપયોગ સદંતર બંધ કરી દેવો જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ રેલીમાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ પણ હાજર રહ્યા હતા.રેલી બાદ આરટીઓ તંત્ર દ્વારા પતંગની દોરીથી ટુ વ્હીલર ચાલકોને બચાવવા વિનામુલ્યે વાહનોમાં સેફટી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા.
પતંગ કોઈનો જીવ ન હણે તે આપણા સૌની જવાબદારી : કે.એમ.ખપેડ
આરટીઓ કે એમ ખપેડે જણાવ્યું હતું કે, ઉતરાયણનો તહેવાર લોકો ખૂબ સારી રીતે ઉજવતા હોય છે. ત્યારે ઉતરાયણના તહેવારમાં ઘણી વખત એવા બનાવ બનતા હોય છે જેના કારણે ઘણા લોકો બેઘર બનતા હોય છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થતાં હોય છે. ઉપરાંત આપણો પરિવાર છે તેમ પક્ષીઓનો પણ પરિવાર છે જેથી તેમની જિંદગી બચાવવાની જવાબદારી આપણી હોય છે.દોરાથી બચવા વાહન ચાલકોએ મફલર, હેલ્મેટ અને નેકબેન્ડ પ્રોટેક્શનનો ઉપયોગ કરવો જોઈએ.
પતંગ ચગાવતી વેળાએ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવું : ડીસીપી પૂજા યાદવ
ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે, ઉતરાયણના તહેવારમાં કોઈના ગળા ન કપાય, કોઈ પક્ષી કે પશુઓને ઇજા ન પહોંચે તેના માટે ચાઈનીઝ દોરીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લોકોએ પતંગ ચગાવવા ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ છે. પતંગ ચગાવતી વખતે પશુ-પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ. મહિલાઓની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ.