- રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર બબાલ
- ટ્રેનમાં બેઠેલા યાત્રીઓએ દરવાજો ન ખોલતા બબાલ
- દરવાજો નહીં ખોલતા બહાર ઉભેલા લોકોએ ટ્રેનના બારીઓના કાચ તોડવાનો પ્રયાસ કર્યો
- રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ખાતે અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેથી રેલવે પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે, આ વાત અફવા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ટ્રેનનો દરવાજો બંધ કરી અન્ય મુસાફરોને એન્ટ્રી નહિ આપતાં હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે યુવકની રેલવે પોલીસે અટક પણ કરી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, અજમેરથી મુંબઈ તરફ જઈ રહેલી અજમેર-દાદર ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર ઊભી રહી હતી. ત્યાં જ મુસાફરો જનરલ કોચમાં બેસવા માટે દોડયા હતા, પરંતુ કોચમાં બેસેલા મુસાફરોએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પ્લેટફોર્મ પર ઊભેલા મુસાફરોએ દરવાજો ખોલવાનું કહેતા બે યુવકોએ દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અન્ય મુસાફરોએ તેમનો વિરોધ કરીને દરવાજો ખોલવા ઈનકાર કરી દીધો હતો. આ દરમિયાન મામલો ગરમાયો હતો. દરમિયાન ટ્રેનની અંદરથી એક યુવકે પેન્ટ ખોલી અશ્લીલ હરકત કરી હતી. ત્યારબાદ પ્લેટફોર્મ પર હાજર મુસાફરો વીફર્યા હતા અને ટ્રેનમાં તોડફોડ કરી હતી.
હાલ ટ્રેનોના સ્ટોપેજમાં બદલાવ આવ્યો હોવાથી આરપીએફ અને રેલવે પોલીસનો સ્ટાફ પ્લેટફોર્મ પર તહેનાત જ હતો. તેથી તાત્કાલિક તેઓએ જનરલ કોચ પાસે પહોંચી મામલો થાળે પાડયો હતો. જોકે, ટ્રેન ઊપડી જતાં મુસાફરોએ ચેઈન પુલિંગ કર્યુ હતું. આ મામલે રેલવે પ્રોટેક્શન ફોર્સે પાંચ મુસાફરોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યાં હતાં. કોર્ટે તમામને દંડ ફટકાર્યો હતો, જ્યારે રેલવે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી.
અશ્લીલ હરકત કરનારની પોલીસે અટક કરી વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, યુવકે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા અંદરથી લોક કરી દીધા હતા. જેથી અન્ય મુસાફરો ટ્રેનની અંદર પ્રવેશ ન કરી શકે. આ યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું, જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી (ઉં.વ 28, રહે. જીવનબાગ મુંબઈ) નામના યુવકની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.