- નકલીની બોલબાલા
- શીતલ પાર્ક નજીકથી 800 કિલો શંકાસ્પદ પનીર જયારે બજરંગવાડીમાંથી 200 બંડલ બીડી સહિતનો મુદ્દામાલ કબ્જે
નકલી આઈએએસ, આઈપીએસ, સચિવ, ટોલનાકુ, પોલીસકર્મીઓ ઝડપાયા બાદ હવે નકલી પનીર અને નકલી બીડીની મીની ફેક્ટરી ઝડપાઈ છે. રાજકોટ શહેર એસઓજી ટીમે એક જ દિવસમાં અલગ અલગ બે દરોડા પાડીને નકલી પનીરની ફેક્ટરી ઝડપી લઇ 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કબ્જે કર્યો છે જયારે બજરંગવાડીના મકાનમાંથી નકલી બીડીની મીની ફેક્ટરી ઝડપી લીધી હતી.
રાજકોટ શહેર એસઓજી ટીમે અલગ-અલગ બે જગ્યાએ દરોડા પાડી બનાવટી પનીર અને બનાવટી બીડી બનાવતું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના શીતલ પાર્ક ચોક પાસેથી બનાવટી પનીર બનાવતું કારખાનું પકડી પાડવામાં આવ્યું છે, જયારે બજરંગવાડી વિસ્તારમાંથી બનાવટી બીડી બનાવતું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ફૂડસ નામના કારખાનામાં દૂધની જગ્યાએ પાવડર વાપરી પનીર બનવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જ્યાંથી રૂ.1.20 લાખનું શંકાસ્પદ પનીર કબ્જે કરી એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.વી. હરિયાણી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે શીતલ પાર્ક પાસે આવેલ ગુજરાત ફૂડસ નામના કારખાનામાં મિલાવટી પનીર બનાવવામાં આવે છે એવી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી બંધ કારખાનમાંથી શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 800 કિલો પનીર 1.20 લાખનો મુદામાલ કબ્જે કરી પનીરને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. જે અંગે અભિપ્રાય આવ્યાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પનીર બનાવતી ગુજરાત ફૂડસ નામનું કારખાનું સાધુ વાસવાણી રોડ પર રહેતાં હાર્દિક ઘનશ્યામ કારીયાનું છે અને તે દિવસના ચાર કલાક કારખાનામાં પનીર બનાવી કારખાનું બંધ રાખતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત પનીર બનાવવામાં દૂધની જગ્યાએ દુધના પાવડર નબળી ગુણવત્તાવાળું એસિડ, પામ ઓઇલ ઉપયોગ કરવામાં આવતું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.બીજો દરોડામાં રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં એસઓજી પોલીસે બનાવટી બીડી બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં પોલીસે બજરંગવાડી શેરી નંબર 13માં બાગે રહેમત મકાનમાં દરોડો કરતા નકલી બીડી બનાવતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી અલગ અલગ રંગના પેકીંગ વાળી બીડીના 200 બંડલ, અલગ અલગ બીડીના સિમ્બોલ વાળા સ્ટીકર, લાકડાના બોક્સ સ્ને ગુંદર સહિત કુલ 1,05,700નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે અસલી-નકલી પનીર વચ્ચેનો ફર્ક?
સામાન્ય રીતે અસલી પનીર તો દૂધથી જ બનતું હોય છે દૂધને ઊંચા તાપમાન ઉપર ગરમ કરવામાં આવે છે. જેટલી માત્રામાં દૂધ હોય તેમાંથી થોડો બળી જાય અને ઘટ થઇ જાય ત્યારે તેમાં લીંબુ ઉમેરી દૂધ ફાડી ગાળી લેવાથી પનીર બનતું હોય છે.
જયારે પોલીસની પ્રાથમિક તપાસમાં એક વર્ષથી જે પનીર બનાવવામાં આવતું હતું તે પામીલોન તેલ, સ્ફટિક જેવા ફલેક્સ, એસીટીક એસીડ જેવા તત્વો દુધમાં ઉમેરી તેની મદદથી આ પનીર બનાવવામાં આવતું હતું કેમિકલથી ઝડપથી પનીર બની જતું હતું.