- ડ્રગ્સ પકડાવનારને ઇનામ આપવાની પોલીસી રંગ લાવી
- ડ્રગ્સના દુષણને ડામવા માટે ગુજરાત સ્પેશ્યલ નાર્કો રિવોર્ડ સ્કીમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજય: બાતમી આપનાર ર0 ટકા સુધી રોકડ ઇનામ’
દેશ માટે વિકાસ મોડેલ બની ગયેલું ગુજરાત જાણે ડ્રગ્સની પણ રાજધાની બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજયમાં 16155 કરોડનું 87607 કિલો ડ્રગ્સ પડકયાું છે.
ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું દૂષણ આજે મહાનગરો ઉપરાંત ગામડાંઓ સુધી પહોંચી ગયું છે ત્યારે ગુજરાત સરકાર આ દૂષણને ડામવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે 2021માં કેફી દ્રવ્યો પકડાવનારાને ઈનામ આપતી પ્રથમ નાર્કો રિવોર્ડ પોલિસી અમલમાં મૂકી હતી જેના પરિણામે ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઑક્ટોબર 2021માં રિવોર્ડ પોલિસી લોન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં રૂ 16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.
નાર્કો રિવોર્ડ પોલિસી લોન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ.”
ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થોના દુરુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે. ડ્રગ્સને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસોમાં પોલીસ, કર્મચારીઓ/અધિકારીઓ અને બાતમીદારો પણ મહત્વનો ભાગ ભજવે છે. બાતમીદારોના જોખમને ધ્યાનમાં લેતાં અને રાજ્યમાં કેફી પદાર્થોનો વ્યાપાર અટકાવવા માટે ગુજરાત સરકારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાતમીદારોને પ્રોત્સાહન આપવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી શરૂ કરી હતી. આ રિવોર્ડ પોલિસીનું અમલીકરણ સરકારના ગૃહ વિભાગ હેઠળ થાય છે.
એનડીપીએસ ઍક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની ગેરકાયદેસર કિંમતના 20% સુધીની રકમ રિવોર્ડને પાત્ર હોય છે. સરકારી કર્મચારીઓ માટે તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન આ રિવોર્ડની મહત્તમ મર્યાદા રૂ. 20 લાખ છે, જયારે એક જ કેસમાં કોઈ વ્યક્તિગત કર્મચારી કે અધિકારીને આપવામાં આવતી મહત્તમ રકમ રૂ. 2 લાખ સુધીની છે. કોઈ ખાનગી વ્યક્તિએ ઑફિસ વર્કમાં મદદ કરી હોય તેને દરેક કેસ દીઠ રૂ.2500નો પુરસ્કાર આપવામાં આવે છે. કોઈ બાતમીદાર કે સરકારી કર્મચારીનું મૃત્યુ થઈ જાય તો તેમનો રિવોર્ડ તેમના કાનૂની વારસદાર કે નોમિનીને આપવામાં આવી શકે છે. આ રિવોર્ડ સંપૂર્ણપણે ઇનામ તરીકે ચૂકવવામાં આવે છે અને સક્ષમ સત્તાતંત્ર આ રિવોર્ડને મંજૂર કરે છે.
નાર્કો રિવોર્ડ પોલિસી અંગે જાગૃતિનું પરિણામ એ આવ્યું છે કે એનડીપીએસ ઍક્ટ, 1985 હેઠળ નોંધાયેલા કેસમાં અને ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2021માં રિવોર્ડ પોલિસી લોન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં રૂ. 16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 2500 થી વધુ આરોપીઓ સામે આવ્યા છે. આ પોલિસી હેઠળ અત્યાર સુધીમાં ડીજીપી કમિટીએ 64 લોકો માટે રિવોર્ડ તરીકે રૂ.51,202 મંજૂર કર્યા છે. તો એસીએસ ગૃહ સ્તરની કમિટીએ 169 લોકો માટે રૂ.6,36,86,664 રિવોર્ડની રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત, 737 લોકોને કુલ રૂ. 5,13,40,680 રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ એનસીબી કમિટીને મોકલવામાં આવ્યો છે.
- નાર્કો રિવોર્ડ પોલિસી અંતર્ગત આ કેસમાં રિવોર્ડ આપવામાં આવે છે?
- બાતમીદારો, જેમણે આપેલી માહિતી નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો તેમજ એનડીપીએસ ઍક્ટ 1985 હેઠળ ગેરકાયદે હસ્તગત કરેલી મિલકતની જપ્તી તરફ દોરી જાય છે.
- એનડીપીએસ ઍક્ટ 1985 હેઠળ અધિકૃત અધિકારીઓ, જેઓ ગેરકાયદે પદાર્થોની જપ્તી કરે છે, સફળ ઇન્વેસ્ટિગેશન/પ્રોસિક્યુશન હાથ ધરે છે અને પોસ્ટ ઇન્વેસ્ટિગેશન કાર્ય દ્વારા ગુનો સાબિત કરે છે.
- અન્ય વિભાગના અધિકારીઓ, જેઓ એન.ડી.પી.એસ. ઍક્ટ 1985ની જોગવાઈઓનું ઉલ્લંઘન સામે લાવવામાં મદદ કરે છે.
રિવોર્ડની રકમ શેના આધારે નક્કી થાય છે?
બાતમીદારે જપ્તીના સંદર્ભમાં આપેલ માહિતીની વિશિષ્ટતા અને ચોકસાઈ, લેવામાં આવેલ જોખમ અને તેનું પ્રમાણ વગેરે બાબતો રિવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. તો સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા સફળ જપ્તી થઈ હોય તેવા કિસ્સાઓમાં તેમણે કરેલા વિશેષ પ્રયત્નો, કાર્યવાહીમાં લીધેલું જોખમ, સતર્કતા, પ્રતિબંધિત પદાર્થ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ થઈ છે કે કેમ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જે અધિકારી કે કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગરૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રિવોર્ડ આપવામાં આવતો નથી.