- નકલી પોલીસ પિતા-પુત્ર પોલીસ સ્ટેશનમાં GRDમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું
- પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી
- 6 અલગ અલગ યુવકો પાસેથી કુલ રૂ.13.50 લાખ લઈને કરી છેતરપિંડી
અરવલ્લીમાં બાયડના આંબલીયારા ગામના યુવકે પોલીસમાં ASI તરીકેની ઓળખ આપી યુવકો સાથે છેતરપિંડી કેસનો મામલો સામે આવ્યો છે. નકલી પોલીસ પિતા-પુત્ર આંબલિયારા પોલીસ સ્ટેશનમાં GRDમાં ફરજ બજાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, નિમેશ ચૌહાણ બે વર્ષ પૂર્વે GRDમાં ફરજ બજાવી ચુક્યો હોવાનો અને નિમેશના પિતા અશોક ચૌહાણ GRD જવાન તરીકે ફરજ પર ચાલુ હોવાનો ખુલાસો થયો હતો. આ દરમિયાન બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ એ સમયે જ ગણતરીના કલાકોમાં બંનેની ધરપકડ કરી હતી. 6 અલગ અલગ યુવકો પાસેથી કુલ રૂ.13,50 લાખ લઈને છેતરપિંડી કરી હતી.
બાયડના આંબલીયારા ગામે રહેતો ચૌહાણ નિમેષ અશોક નામના શખસે નકલી ASIની ઓળખ આપી બાયડ પંથકના 6 યુવાનને પોલીસમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ આચરી છે. રૂપિયા 13 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જસપાલસિંહ નામના યુવાને બાયડ પોલીસ મથકે નકલી એ.એસ.આઈની ઓળખ આપનાર અને તેના પિતા પી.એસ.આઈની ઓળખ આપનાર અશોક ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટક કરી હતી. જો કે, આરોપીઓને જામીન મળી જતાં ફરિયાદીએ સવાલો ઉઠાવ્યાં છે.
પોલીસે નકલી ASI અને નકલી પી.એસ.આઈની ઓળખ આપનાર પિતા-પુત્રની અટકાયત કરી મીડિયાથી દૂર રાખવામાં આવતાં બાયડ પોલીસની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે. હજુ આવા કેટલા યુવાનો છે, તેમની સાથે નકલી પોલીસ બનીને ઠગાઈ આચરી છે કે કેમ તે તપાસનો વિષય છે.