વાપી નગરપાલિકાને તા. 01-01-2025થી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નવનિયુક્ત થયેલા કમિશ્નરશ્રી યોગેશ ચૌધરી (આઈએએસ)ના અધ્યક્ષસ્થાને પ્રથમવાર પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા 11 ગામોમાં માળખાકીય સુવિધા વહેલી તકે ઉપલબ્ધ કરવાની અને ગ્રામ પંચાયતોમાં જે સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી તે તમામ સુવિધાઓ મહાનગરપાલિકામાં પણ વધુ સારી અને સરળતાથી પૂરી પાડવામાં આવશે એવી ખાતરી કમિશ્નરશ્રીએ આપી હતી. બેઠકમાં પત્રકારોને સંબોધીને કમિશ્નરએ વધુમાં જણાવ્યું કે, વાપી મહાનગરપાલિકામાં જે 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવા તમામ ગામોમાં સર્વાંગી વિકાસનું આયોજન કરવામાં આવનાર છે.
જેમાં ટૂંકા સમયગાળામાં જે રીતે ગામોમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી તેવી સેવાઓ સરળતાથી ગ્રામજનોને મળી રહે અને કોઈ તકલીફના પડે તે રીતનું આયોજન કરવામાં આવશે. જેમાં જે સર્ટિફિકેટ પૂરા પાડવામાં આવે છે તે તમામ કામગીરી પૂરી પાડવાનું આયોજન કરવામાં આવશે. 11 ગામોનો જે હયાત સ્ટાફ/કર્મચારીઓ છે તેવા તમામ કર્મચારીની ખરાઈ કરી તેઓને મહાનગરપાલિકામાં સમાવેશ કરી કોઈને પણ તકલીફ ના પડે અને કામગીરી ચાલુ રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. સમાવેશ થયેલા તમામ ગામોમાં આગામી દિવસોમાં લાંબાગાળાના આયોજન તરીકે તમામ ગામોમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, વોટર સપ્લાય અને સ્ટ્રીટ લાઇટ જેવા કામોનો સર્વે કરી તેનું આયોજન કરી વિવિધ સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવામાં આવશે.
હાલમાં તમામ ગામની કામગીરી સુચારું રીતે થઈ શકે તે માટે દરેક ગામ માટે મનપા વાપીના એક કર્મચારીને સંબંધિત ગ્રામ પંચાયત ખાતે ફરજ સોંપવામાં આવી છે જેઓ ગામની મુશ્કેલીઓ- રજૂઆતો સંબંધી અરજીઓ સ્વીકારી તેના હલ માટે કાર્યરત રહેશે. જે અંતર્ગત તેઓ ગામોમાં અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે, જન્મના દાખલા, મરણના દાખલા, લગ્નના દાખલા, મિલકત વેરાની ચુકવણી, આકારણી પત્રક, રહેવાસીના દાખલા, ગુમાસ્તા ધારાની અરજીઓ અને વ્યવસાય વેરાની વસૂલાત જેવી કામગીરી કરશે. હયાત તમામ ગામોની કચેરી ટૂંક સમયમાં વોર્ડ ઓફિસ તરીકે કાર્યરત થાય તેનું આયોજન કરવામાં આવશે. વધુમાં કમિશ્નરશ્રીએ મનપામાં સમાવાયેલા 11 ગામોમાં વિકાસના કામોમાં કોઈ રૂકાવટ આવશે નહી એવો વિશ્વાસ વ્યક્ત કરી મનપાની વસ્તીને ધ્યાનમાં લઈ મહેકમ પણ વધારાશે એવુ જણાવ્યું હતું. હાલમાં ટેક્સના સ્લેબમાં પણ કોઈ વધારો થશે નહી. ગ્રામ પંચાયતના હાલના સ્ટાફને તાલીમબધ્ધ કરાશે.
આ સિવાય મનપામાં અંદાજે 11 થી 12 વોર્ડ બનાવાશે જેમાં બે ઝોન કચેરી પણ બનાવાશે. પ્રેસ કોન્ફરન્સમાં મનપાના ડેપ્યુટી કમિશ્નર આસ્થા સોલંકી, ચીફ ઓફિસર કોમલ ધાનૈયા, જિલ્લા માહિતી કચેરી વલસાડના કર્મચારીઓ અને જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોકનિક મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બોક્ષ મેટર કોઈ પણ ફરિયાદ હોય તો જાણ કરવા માટે મોબાઈલ નંબર જારી કરાયો હાલમાં તમામ ગામો માટે વિવિધ સેવાકીય કામગીરી માટે કોઈ ફરિયાદ હોય તો તે માટે એક મોબાઈલ નંબર- 9727774580 જાહેર કરવામાં આવ્યો છે. જે નંબર ઉપર કોલ કરી ઓફિસ સમય દરમયાન પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આ મોબાઈલ નંબરનો વધુમાં વધુ પ્રચાર થાય તેવું આયોજન કરવા માટે કમિશ્નરએ પ્રેસ/મીડિયાને વિનંતી કરી હતી.