- લાંબા સમયથી કાયમી ન્યુરોસર્જન નહિ હોવાથી દર્દીઓને પડતી હતી હાલાકી : ડો. તેજસ ચોટાઈ આપશે સેવા
- આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની મુલાકાત ફળી : ગરીબ દર્દી નારાયણો ખુશખુશાલ
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં અંતે ન્યુરોસર્જનની નિમણુંક થતાં ગરીબ દર્દી નારાયણોમાં ખુશીનો માહોલ છવાયો છે. છેલ્લા લાંબા સમયથી સિવિલ હોસ્પિટલમાં કાયમી ન્યુરોસર્જનની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને ભારે હાલાકીણો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે હવે આ પોસ્ટ પર ડો. તેજસ ચોટાઈ ફરજ બજાવનાર છે. ઉલ્લેખનીય છે કે, હજુ 10 દિવસ પૂર્વે જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા જે બાદ હવે કાયમી ન્યુરોસર્જનની નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આખા સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવતા હોય છે. પરંતુ દર્દીઓ અનેક વાર આક્ષેપ સાથે ફરિયાદ કરતાં હોય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ન હોવાથી મગજની બીમારી સંબંધિત પૂરતી સારવાર મળતી નથી અને દર્દીઓને ખાનગી હોસ્પિટલ કે અમદાવાદ જવું પડતું હોય છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની નિમણૂક થતા હવે દર્દીઓને મગજની બિમારી સબબ પડતી મુશ્કેલીઓ માટે ખાનગી હોસ્પિટલ કે અમદાવાદ નહી જવું પડે.
ન્યુરોસર્જનની ખાલી જગ્યા ભરવા બાબતે લાંબા સમયથી માંગણી થતી હતી. આ પ્રશ્ને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું અંગત ધ્યાન દોરી ખાલી જગ્યા વહેલી તકે ભરવા ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટ હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રીએ પણ ખાલી જગ્યા વહેલી તકે ભરવા ખાત્રી આપી હતી. બાદ આજે આરોગ્ય વિભાગે ડો.તેજસ ચોટાઈની પી.ડી.યુ.મેડીકલ કોલેજ ખાતે નિમણુંક કરી હતી.અકસ્માત સમયે મગજને થતી ઈજાઓને લગતા કિસ્સાઓમાં આર્થિક નબળી સ્થિતીના ગરીબ લોકોએ ફરજીયાત ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા ઉપરાંત ઉચી ફી ચુકવવાની ફરજ પડતી હતી. અથવા અમદાવાદ ખાતે રીફર કરવાની ફરજ પડતી હતી. જે ગરીબ દર્દીઓ માટે આર્થિક રીતે મુશ્કેલરૂપ હતું કેટલાક કિસ્સાઓમાં સમયસર સારવાર ન મળવાના કારણે મૃત્યુના કિસ્સાઓ બનતા હતા.
દર્દીઓને પડતી મુશ્કેલી દુર કરવા માટે સરકારે ડો.તેજસ ચોટાઈની પી.ડી.યુ.મેડીકલ કોલેજ રાજકોટ ખાતે નિમણુંક કરતા ગરીબ દર્દીઓને મગજની બિમારી સબબ વિનામુલ્યે સારવાર મળતી થશે.