- પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઇ જતી પોલીસને રોકવાનો મામલો
- રાત્રીના સમયે મેડિકલ ચેકઅપ કરાવવાની ના પાડતી પાયલ ગોટી
અમરેલી ચકચારી બનેલા પાયલ ગોટી કેસમાં નવો વળાંક આવ્યો છે. મેડિકલ ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી હતી. રાત્રીના સમયે મેડિકલ ચેકઅપ કરાવવાની પાયલ ગોટીએ ના પાડી હતી. આજે સીવીલ હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવવા માટે પાયલ ગોટી તૈયાર છે. ત્યારે મેડિકલ ચેકઅપ માટે તૈયાર ના થતી પાયલ ગોટીને પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આ દરમિયાન SIT ટીમના PSI બરવાળીયાએ મોડીરાતે પ્રતિક્રિયા આપી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, અમરેલીના બનાવટી લેટરકાંડમા પાટીદાર સમાજની દીકરીનુ જાહેરમા સરઘસ કાઢવાના મુદાની લડત હવે ચરમસીમા પર પહોંચી છે. અને વિપક્ષના પુર્વ નેતા પરેશ ધાનાણીએ જો જવાબદાર પોલીસ અધિકારીઓના પટ્ટા નહી ઉતારવામા આવે તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. બીજી તરફ પોલીસે એકની એક ભુલ ફરીવાર કરી યુવતીને રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઇ જતા પરેશ ધાનાણીએ રસ્તામા પોલીસની ગાડી અટકાવી હતી.
પરેશ ધાનાણીએ આજે આ મુદે પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતુ કે દીકરીની ચપટી વગાડતા ધરપકડ કરાઇ, ચપટી વગાડતા કેસ નોંધાયો હતો, ચપટી વગાડતા સરઘસ કઢાયુ હતુ, ચપટી વગાડતા પટ્ટા મારવામા આવ્યા હતા તો ચપટી વગાડતા જ જવાબદાર પોલીસકર્મીઓના પટ્ટા ઉતરી જવા જોઇએ. તંત્રએ પાપનુ પશ્ચાતાપ કરી ગુનેગારોને સજા આપવી જોઇએ. પરેશ ધાનાણીએ તંત્રને 24 કલાકનુ અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતુ કે આવતીકાલ સવાર સુધીમા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા નહી લેવામા આવે તો પરમદિવસે સવારે 10 વાગ્યે તેઓ અમરેલી શહેરના રાજકમલ ચોકમા ચોવીસ કલાક માટે ઉપવાસ પર બેસી જશે. અને તેમા સમાજના દરેક જ્ઞાતિ જાતિ અને સંગઠનના લોકો જોડાશે.
પરેશ ધાનાણીએ આ મુદે કૌશિકભાઇ વેકરીયાને પણ ચેલેન્જ ફેંકી હતી અને આવતીકાલે સાંજે 6 વાગ્યે રાજકમલ ચોકમા જાહેરમા ચર્ચા માટે પડકાર ફેંકયો છે. તેમણે જણાવ્યું હતુ કે 6 વાગ્યે હું ચોકમા હાજર હોઇશ. અમે દરેક મુદા પર લોકોની વચ્ચે ચર્ચા કરીશુ. અને મારી કોઇ વાત ખોટી સાબિત થશે તો હું વેકરીયાની માફી માંગી લઇશ. અને જો વેકરીયા ચર્ચા માટે નહી આવે તો આ તમામ કાર્યવાહી ખોટી રીતે થયાનુ માની લઇશુ. મુખ્યમંત્રી દાદાના રાજમા કુંવારી દીકરીની આબરૂ લીલામ થાય ત્યારે જવાબદારો સામે પગલા લેવાવા જોઇએ જ.
બીજી તરફ સીટની ટીમ તપાસ માટે આજે યુવતીના ઘરે પહોંચી હતી અને હદ તો એ વાતની છે કે આ ટીમે યુવતીને મેડિકલ ચેકઅપ માટે રાત્રે તેના ઘરેથી ઉપાડી હતી. ઘટનાની જાણ થતા પરેશ ધાનાણીએ પોલીસની ગાડીઓને રસ્તામા આંતરી હતી અને રાતના બદલે સવારે યુવતીને લઇ જવાનુ કહેતા પોલીસ યુવતીને પરત મુકવા ગઇ હતી. લેટરકાંડ મુદે પુર્વ સાંસદ નારણભાઇ કાછડીયા પણ મેદાનમા આવ્યા હતા અને તંત્રને ઘાણીનો બળદ ગણાવી તેને જેવા ચશ્મા પહેરાવ્યા તેવુ જ દેખાતુ હોવાનો આક્ષેપ કર્યો હતો.
અહેવાલ: પ્રદીપ ઠાકર