- 8,000 એકર જમીનમાં મરીન, ફિશિંગ પોર્ટ, ટાઉનશિપ અને મરીન ઈન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર જેવી સુવિધા વિકસાવાશે
- કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 135 મિલિયન ટન જેટલી વધશે
- દર વર્ષે 32 નવા જહાજો બનાવવા અથવા 50 જૂના જહાજોને રિફિટ કરવાની ક્ષમતા હાંસલ કરાશે
કેન્દ્ર સરકારે મેગા શિપબિલ્ડીંગ સુવિધાઓ વિકસાવવા અને ગુજરાતના કંડલા પોર્ટને વાર્ષિક 135 મિલિયન ટન સુધી વિસ્તરણ કરવા માટે આશરે રૂ. 57,000 કરોડની યોજના તૈયાર કરી છે. બંદર પર વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે એક કાર્યક્રમમાં બોલતા, કેન્દ્રીય શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ શિપબિલ્ડિંગ પ્રોજેક્ટમાં દર વર્ષે 32 નવા જહાજો બનાવવા અથવા 50 જૂના જહાજોને રિફિટ કરવાની ક્ષમતા હશે.
તેમણે કહ્યું કે, આ મેક-ઈન-ઈન્ડિયા, મેક-ફોર-ધ-વર્લ્ડ પહેલને મોટું પ્રોત્સાહન આપશે. શિપબિલ્ડિંગ અને રિપેર પ્રોજેક્ટ પર અંદાજે 30,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. દેશમાં 3,20,000 ટન ડેડવેઇટ ટનેજ ક્ષમતા સુધીના મોટા વેરી લાર્જ ક્રૂડ કેરિયર્સ અને સમાન શ્રેણીના જહાજોના નિર્માણ માટે ટેકનિકલ ક્ષમતા વિકસાવવામાં આવશે.
સોનોવાલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ લગભગ 8,000 એકર જમીનમાં ફેલાયેલો હશે અને તેમાં મરીના, ફિશિંગ પોર્ટ, ટાઉનશિપ અને મરીન ઈન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર જેવા ઘટકો હશે. ક્ષમતા વિસ્તરણ યોજના પર ટિપ્પણી કરતાં, તેમણે કહ્યું કે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (જે કંડલા પોર્ટનું સંચાલન કરે છે) કંડલા ક્રીકની બહાર ટુના બાજુએ એક નવું આધુનિક બંદર વિકસાવશે. કંડલા પોર્ટની હાલની ક્ષમતા લગભગ 263 એમટીપીએ છે. “કંડલા પોર્ટની વૈવિધ્યસભર કાર્ગો પ્રોફાઇલ (55% લિક્વિડ, 20% ડ્રાય બલ્ક, 12% બ્રેક બલ્ક અને લગભગ 5% ક્ધટેનર) જોતાં, બંદર પર લિક્વિડ અને ડ્રાય બલ્ક કાર્ગો ક્ષમતા વધારવાની જરૂર છે,” તેમણે કહ્યું. આ બંદર સુવિધા નેવિગેશન ચેનલની નજીક હોવાથી, ડ્રેજિંગની જરૂરિયાતો નોંધપાત્ર રીતે ઓછી થશે અને ન્યૂનતમ કેપિટલ ડ્રેજિંગ સાથે ઉચ્ચ ડ્રાફ્ટની ખાતરી કરી શકાય છે, જે આ નવી સુવિધા પર મોટા જહાજોને કોલ કરવાની મંજૂરી આપે છે.
વોટરફ્રન્ટના છ કિમિ વિસ્તારનો ઉપયોગ કરીને બંદરમાં અનેક સુવિધા વિકસાવાશે
ઉપલબ્ધ વોટરફ્રન્ટના છ કિલોમીટરનો ઉપયોગ કરીને આ બંદર સુવિધા વિકસાવવામાં આવશે. વિસ્તરણ યોજના મુજબ, ખાડીની અંદર સ્થિત હાલની કાર્ગો જેટી પર હેન્ડલ કરવામાં આવતા ડ્રાય બલ્ક કાર્ગોને આ આધુનિક સુવિધામાં ખસેડવામાં આવશે જેમાં આધુનિક કાર્ગો હેન્ડલિંગ સાધનો અને વધુ ઉત્પાદકતા સાથે વધુ કાર્યક્ષમ ક્લિયરન્સ સિસ્ટમ હશે.
લિક્વિડ ટેન્કર જહાજોનો વેઇટિંગ પિરિયડ 5થી 10 દિવસ જેટલો, તેને ઘટાડાશે
ટ્રાન્સફર પછી, કંડલા ખાતેની હાલની ડ્રાય કાર્ગો જેટીને લિક્વિડ જેટીમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેનાથી લિક્વિડ કાર્ગો માટે વધારાની ક્ષમતા ઊભી થશે. “લિક્વિડ ટેન્કર જહાજોનો રાહ જોવાનો સમય (જે હાલમાં 5 થી 10 દિવસનો છે) નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે,” તેમણે ઉમેર્યું હતું કે, પ્રવાહી જહાજોના ટર્ન-અરાઉન્ડ-ટાઇમમાં નોંધપાત્ર સુધારો થશે.
અહેવાલ: ભારતી માખીજાણી