- ‘વન્યજીવન – ગુજરાતના વન્ય પ્રાણીઓ’, ‘પ્રવાસનની વિકાસ ગાથા’ તથા ‘ગુજરાત ટુરીઝમ કેલેન્ડર- 2025’નું લોકાર્પણ
- ગુજરાત અમર્યાદિત સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિની ભૂમિ છે. ગુજરાતમાં જાજરમાન પર્વતોથી લઈને શાંત દરિયા કિનારા સુધી સ્થાપત્ય, અજાયબીઓથી લઈને આધ્યાત્મિક સ્થળો અને અભયારણ્યો સુધી દરેક સ્થળોનો ઐતિહાસિક વારસો અને ઇતિહાસ છે. ગાંધીનગર ખાતે હોલિસ્ટિક ડેવલોપમેન્ટ ઓફ ટુરિઝ્મ ઇન ગુજરાત વિષયક ચિંતન શિબિર ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા યોજાઇ હતી.
આ અવસરે મહાનુભાવોના હસ્તે ’વન્યજીવન -ગુજરાતનાં વન્ય પ્રાણીઓ’, ‘પ્રવાસનની વિકાસ ગાથા’ તથા ‘ગુજરાત ટુરિઝમ કેલેન્ડર- 2025’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતને દેશનાં અગ્રણી પર્યટન સ્થળ તરીકે સ્થાન અપાવવા અને સચોટ દિશામાં વિચારોની આપ- લે માટે , પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં આ ચિંતન શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું કે, ક્યારેક એક વિચારથી ક્યારેક કોઈ નવતર પ્રયોગનું સર્જન થઈ જાય.. એક વિચારથી લાખો લોકોના જીવન બદલાઈ જાય.. એક વિચારથી સરકારી તંત્રમાં આમૂલ પરીવર્તન પણ આવી જાય. ચિંતન શિબિરના આયોજનથી એ સાબિત થયું છે કે એક ઉત્તમ વિચાર અને તેના સુચારું અમલથી પરીવર્તનને પાંખો મળે છે અને આપણા સાથી અધિકારીઓને નવી આંખો મળે છે.. એટ્લે કે નવું વિઝ્ન મળે છે.. નવો દ્રષ્ટિકોણ મળે છે..
‘ખુશ્બુ ગુજરાત કી’, ‘કચ્છ નહી દેખા, તો કુછ નહી દેખા’ જેવા સ્લોગન હેઠળ આપણે પહેલા પણ ટુરિઝમની દિશામાં સારી સફળતા મેળવી છે.. રણોત્સવથી રણમાં ખીલ્યું ગુલાબ અને ધોરડો ધબકી ઉઠ્યું.. વિશ્વના સોથી વધુ દેશના લોકો આ રણોત્સવ માણવા આવી રહ્યા છે. આજે રણોત્સવ એ જીવનોત્સવ બન્યો છે. યુનાઇટેડ નેશન્સના વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા કચ્છના આ ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં આવતા લાખો પ્રવાસીઓને કારણે હવે કચ્છના સ્થાનિક કલાકારો અને કારીગરો આત્મનિર્ભર બન્યા છે. કચ્છનું સફેદ રણ હવે હિન્દુસ્તાનનું તોરણ બની ગયું છે. રણની આ સફેદ રેતમાં વિકાસની રંગોળી પુરવાનું કાર્ય કરી રહ્યા છે, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો ની સફળતા પર વધુ ધ્યાન આપવા માટે પ્રવાસન વિસ્તારોમાં દબાણ, વિરાસત ક્ષેત્રોની જાળવણી, સ્વચ્છતા વગેરેનું વિશેષ ધ્યાન રાખતા શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે તે અંગે ચર્ચા કરી યોગ્ય પરિણામો મેળવી શકાશે.ખૂબ મોટા સમુદ્ર કિનારા સાથે જંગલો, મંદિરો અને પ્રવાસન સ્થળો છે, ત્યારે મીઠા આવકાર અને આદર્શ સાથે સંકલન વ્યવસ્થા થકી તુટતી કડીઓને જોડી ટુરીઝમ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય આપણે સૌએ મળીને કરવા અને રાષ્ટ્રના કલ્યાણ કાર્યમાં તથા વિકસિત ભારત 2047ના વિઝનમાં આપણે સહભાગી બનવા શ્રી મુળુભાઇ બેરાએ ઉચ્ચ અધિકારીઓને આહ્વાન કર્યું હતું.
આ અવસરે પ્રથમ પેનલ ડિસ્કશન ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ, ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર સહિત વિવિધ વિભાગોના વડાઓ હાજર રહીને વિવિધ સૂચનો કર્યા હતા.
ચિંતન શિબિરની આ ચર્ચામાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ટુરીઝમ ડેવલોપમેન્ટ વિશે જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં ખૂબ મોટા પાયે રોજગારી ઊભી કરવા સાથે દરેક વર્ગના લોકોમાં ફાયદો મળી શકે તેવા છે નિશ્ચય સાથે ટુરિઝમનો વિકાસ કરવો જરૂરી છે.
કોઈપણ પ્રોજેક્ટ ઉપર માત્ર કરોડો રૂપિયા ખર્ચવાથી સફળતા નથી મળતી.બદલાવ માટે ઈચ્છા શક્તિ ખૂબ જરૂરી છે. યોગ્ય વ્યવસ્થા થકી સ્વચ્છ સુયોગ્ય સ્થળ બને તેની ખાસ જરૂર છે. સફાઈની બાબતમાં ઢિલ ક્યારેય ન રાખવી, તે ટુરીઝમને ડેવલોપ કરવા માટે પ્રથમ મુદ્દો છે, ત્યાર પછી લો એન્ડ ઓર્ડર આવે છે. શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ટુરિસ્ટની સંખ્યાને ધ્યાને રાખી વ્યવસ્થિત રીતે ઊભી કરવા અને સ્વચ્છતાની સુયોગ્ય વ્યવસ્થા કરવા પણ મંત્રીશ્રી એ સૂચન કર્યું હતું. કોઈપણ દુર્ઘટનાને રોકવા સાથે લોકોને સુરક્ષાનો અનુભવ કરાવવા માટેનું પણ એક આયોજન જરૂરી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્ય સચિવ રાજકુમારે એક્સપીરિઅન્સલ ટુરિઝમને વધુ સમૃદ્ધ બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે,દરેક ગામ, દરેક તાલુકા, જિલ્લા અને રાજ્ય, પ્રવાસન તરીકે વિકસે એ લક્ષ્ય રાખવાનું છે.આપણે પ્રવાસીના દરેક અનુભવને સમૃદ્ધ બનાવવાનો છે.