- બે માસમાં રૂ. 6.11 લાખની કિંમતનાં 1390 કિલોગ્રામ અડદીયાનું વેચાણ: બજારથી સસ્તા ભાવે મળતા જેલના શુદ્ધ ઘીનાં અડદીયાની સૌરાષ્ટ્રભરમાં માંગ
શિયાળાની ખાસ વાનગીઓની યાદી તૈયાર કરવામાં આવે તો અડદીયાને ભૂલી શકાય નહિ. શિયાળામાં અડદીયા તદ્દન સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે અડદીયા બનાવીને વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રભરમાં જેલના શુદ્ધ ઘીનાં તૈયાર કરવામાં આવેલા અડદીયાની ખુબ માંગ રહેતી હોય ચાલુ વર્ષે ફક્ત બે માસમાં જ 1390 કિલો અડદીયાનું વેચાણ થઇ ગયું છે.
રાજકોટ જેલમાં તૈયાર થતાં શુદ્ધ દેશી ઘી, ડ્રાયફ્રુટનાં મિશ્રણ દ્વારા બનેલા અડદિયા બજાર કરતા સસ્તા હોવા છતાં તેનો સ્વાદ માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રમાં પણ પ્રખ્યાત છે. એટલે જ છેલ્લા 10 કરતા વધુ વર્ષથી કેદીઓએ બનાવેલા અડદિયાનું ધૂમ વેચાણ થતા લાખો રૂપિયાની આવક થાય છે. જેલ તંત્ર દ્વારા આ આવકનો ઉપયોગ અડદિયા બનાવતા કેદીઓને વેતન આપવાની સાથે અન્ય કેદીઓનાં વિકાસ માટે કરવામાં આવે છે.
સેન્ટ્રલ જેલમાં બનતા અડદિયામાં અમૂલ ઘી, કાજુ, બદામ, જાયફળ, સૂંઠ પાવડર, અડદનો લોટ, તજ અને દૂધ સહિતની તમામ શુદ્ધ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. જેલનાં કેદીઓએ બનાવેલા અડદિયા રૂ. 440નાં કિલોનાં ભાવે વેચવામાં આવે છે. જેમાં માત્ર 10% નફો લેવામાં આવતો હોવાથી બજાર ભાવ કરતા કેદીઓએ બનાવેલા અડદિયા 200- 250 રૂપિયા સસ્તા હોય છે. અડદિયાનું વેચાણ રાજકોટ સેન્ટ્રલ જેલ તેમજ કાલાવડ રોડ પ્રેમમંદિર નજીક આવેલા ભજીયા હાઉસ ખાતે કરવામાં આવે છે.
જેલમાં શિયાળાની શરૂઆતથી લઈ ફેબ્રુઆરીના અંત સુધી કેદીઓ અડદિયાં બનાવે છે. તેઓ 7 વાગ્યે ઊઠી પોતાની દિનચર્યા પૂર્ણ કર્યા બાદ 9 વાગ્યે કામ પર લાગી જાય છે. 9થી 12 સુધી અને બપોરે 3થી 5-30 સુધી અડદિયાં બનાવવાનું કામકાજ કરે છે. આ કામ બદલ તેમને પ્રતિકીલો રૂ. 15 વળતર પણ ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સીઝનના 1390 કિલો અડદિયાં બની ચૂકયા છે અને અંદાજે રૂ. 6 લાખથી વધુનું વેચાણ થયું છે. કેદીઓનાં અડદિયાનો સ્વાદ રાજકોટિયનની દાઢે વળગ્યો હોવાથી તેનું ખૂબ સારું વેચાણ થાય છે.
15 બંદીવાનો બનાવે છે 22 પ્રકારનાં ફરસાણ
રાજકોટ જેલમાં 10 વર્ષથી કેદીઓ ફરસાણ બનાવવાની કામગીરી કરે છે. જેમાં કુલ 22 જાતનાં ફરસાણ બનાવવામાં આવે છે. જેમાં અડદિયા ઉપરાંત ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, તીખા ગાંઠિયા, પાપડી ગાંઠિયા, સકકરપારા, ફરસીપુરી, જીણી સેવ, ફૂલવડી, સેવમમરા, ચવાણું, તીખી બુંદી, સમોસાં, લાડુ, જલેબી, ફાફડા, ગાંઠિયા, મીઠી બુંદી, મોહનથાળ, પફ, ખારી જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે. બેકરી વિભાગમાં કુલ 15 બંદીવાનો કામ કરે છે.
નફાનો ઉપયોગ કેદી કલ્યાણ અર્થે: જેલર બી.બી.પરમાર
રાજકોટ સેન્ટ્રલ જેલના જેલર બી. બી. પરમારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટની જેલના કેદીઓ છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ફરસાણ સહિતની વિવિધ વાનગીઓ બનાવી રહ્યા છે. શિયાળા દરમિયાન કેદીઓ દ્વારા બનાવવામાં આવતા અડદિયા પ્રખ્યાત છે. ચાલુ વર્ષે માત્ર 2 મહિનામાં કેદીઓએ 1400 કિલો અડદિયા બનાવ્યા છે. જેમાંથી રૂ. 6,11,600ની આવક થઈ છે. આગામી ફેબ્રુઆરી માસ સુધી અડદિયા બનાવવાની કામગીરી ચાલુ રહેશે.