31 જાન્યુઆરી 2018ને મહા માસની પૂર્ણિમાના રોજ થનાર સંપૂર્ણ ચન્દ્ર ગ્રહણ ભારત સહિતના સ્થળોએ દેખાશે. 2018નાં વર્ષનું પ્રથમ ગ્રહણ છે. આ ચન્દ્ર ગ્રહણ 31મીની સાંજે 05.18 કલાકે શરૂ થઈ રાત્રે આઠ વાગીને 41 મીનીટે પુર્ણ થશે. આ વખતે સુપર મૂન, રેડ મૂન, અને બ્લુ મૂનનો અનોખો ત્રિવેણી સંગમ હોઈ સામાન્ય જન તેમજ ખગોળ શોખીનો ગ્રહણ નિહાળવા ખુબજ ઉત્સાહિત છે.
કચ્છ તેમજ ગુજરાતના ખગોળ શોખીનો તેમજ ગ્રહણને સાચી રીતે સમજનાર લોકો ગ્રહણને ખગોળીય ઘટના તરીકે જોતા હોવાથી તા. 31 જાન્યુઆરીના સંપૂર્ણ ચંદ્ર ગ્રહણના વૈજ્ઞાનિક અભ્યાસ તેમજ ફોટોગ્રાફી માટે ખુબ ઉત્સાહિત છે. સુપર મૂન વખતે ચન્દ્ર પૃથ્વીની વધારે નજીક હોવાથી તે કદમાં મોટો દેખાય છે. ચન્દ્ર જ્યારે ક્ષિતિજ પાસે હોય ત્યારે મકાન, ઝાડ કે ડુંગરોની પૃષ્ઠભૂમિમાં ઈલ્યુઝનને કારણે મોટો દેખાતો હોય છે તેમાં સુપરમૂન હોવાથી તે વધારે મોટો દેખાશે જે જોવા જેવો નઝારો હશે.
ગુજરાતના ખગોળ શોખીનો, એસ્ટ્રોનોમી ક્લબો, તથા વિજ્ઞાન કેન્દ્રો દ્વારા લોકોને ગ્રહણ વિષે સાચી સમજણ આપવી, ઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો/વધારો માપવો, ગ્રહણ ના વિવિધ તબ્બકાઓનું ટેલિસ્કોપની મદદથી નિરિક્ષણ કરી તેની સમય સહીત નોંધ કરવી, તેમજ ગ્રહણના વિવિધ તબ્બકાઓની ફોટોગ્રાફી કરવા સહીતના પ્રયોગો કરવાનું આયોજન કરી ખગોળીય ઘટનાની જાણકારી વધુ માં વધુ લોકો સુધી પહોંચાડી વિજ્ઞાન પ્રચાર પ્રસાર અને અન્ધશ્રદ્ધા નિર્મૂલનની કામગીરીનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.
ચંદ્રગ્રહણને નરી આંખે નિહાળી શકાય છે
સૂર્ય ગ્રહણને નિહાળવા માટે ખાસ સાવધાનીઓ રાખવી પડતી હોય છે તેમજ નરી આંખે ન જોવાની સલાહ આપવામાં આવતી હોય છે પરંતુ ચંદ્ર ગ્રહણને નરી આંખે જોઈ શકાય છે તેમજ ચંદ્ર ગ્રહણ ને સારી રીતે જોવા માટે દૂરબીન કે ટેલીસ્કોપ નો ઉપયોગ પણ કરી શકાય છે. તેમજ કેમેરા કે મોબાઈલની મદદથી ફોટોગ્રાફી પણ કરી શકાય છે તેમ શ્રી ગોરે જણાવ્યું હતું.