આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે : રીવ્યુ બેઠક
એમ્બ્યુલન્સ સર્વિસ, વિવિધ વોર્ડની પરિસ્થિતિ અને દર્દીઓના મંતવ્ય મેળવ્યા
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. ત્રણ દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી રીવ્યુ બેઠકમાં ભાગ લીધો હતો.
આરોગ્યપ્રધાન ગત તા. 27 ડિસેમ્બર થી તા. 29 ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા છે.
આ ત્રિદિવસીય પ્રવાસમાં ભાવનગર, જુનાગઢ , રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત લેવાના છે. તેમના પ્રવાસ પર એકવાર નજર કરવામાં આવે તો ગઈકાલે ભાવનગર ખાતે વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ભાવનગર હોસ્પિટલમાં ચાલી રહેલ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. જે બાદ આજે જુનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ , સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરી હતી.
આ દરમિયાન આરોગ્ય પ્રધાન સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વર્તમાન પરિસ્થિતિ, આરોગ્ય ક્ષેત્રની મુખ્ય જરૂરિયાતો, આગામી ડેવલપમેન્ટ પ્લાન સહીતની માહિતી મેળવી હતી.
આરોગ્ય પ્રધાને સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બયુલન્સ સેવા, આઈસીયુ ઓન વ્હીલ, આધુનિક મશીનરી, ચિકિત્સા પદ્ધતિ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત તેઓ અલગ અલગ વોર્ડ ખાતે પણ પહોંચ્યા હતા જ્યાં તેમણે દર્દીઓ સાથે વાત કરીને સારવાર અંગેનો તાગ મેળવ્યો હતો. જે બાદ તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે એક રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં હોસ્પિટલની અલગ અલગ જરૂરિયાત, આગામી ડેવલોપમેન્ટ, દર્દીઓની સાર સંભાળ સહીતની બાબતે સમીક્ષા કરી હતી. આ સમયે રાજકોટ જિલ્લા કલેકટ પ્રભવ જોષી, સિવિલ અધિક્ષક મોનાલી માકડીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મેયર તેમજ ભાજપના હોદેદારો હાજર રહ્યા હતા.
ઋષિકેશ પટેલ આવતીકાલે એટલે કે તા. 29 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજીત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્સવ 2024માં પણ ઉપસ્થિત રહેશે.