નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ- એકતાનગર ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની.લી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો-2024નો પ્રાભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો આગામી તારીખ પાંચમી જાન્યુઆરી-2025 સુધી ચાલશે. ગુજરાતભરના અલગ-અલગ જિલ્લાઓમાંથી ૫૫ સ્વસહાયજૂથોની 100 જેટલી બહેનો દ્વારા સ્ટોલ અને હાથે બનાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવશે. મંત્રી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે સરસ મેળાને રિબીન કાપીને ખુલ્લો મૂકાયો હતો.
પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમારે જણાવ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની. લી દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથોને, સખી મંડળોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સ્વ-સહાય જૂથોને વેચાણ અર્થે સીધું બજાર મળી રહે અને તેઓને આત્મનિર્ભર બનાવવા મદદરૂપ થઇ શકાય તે હેતુથી આ પ્રાદેશિક સરસ મેળો યોજાયો છે. એકતાનગરના આંગણે આજે એકતા અને કલાનો અજોડ સંગમ થવા જઈ રહ્યો છે. અહીં કુદરતી સૌંદર્યનો જ ઉત્સવ નથી, પરંતુ ગુજરાતના સાહસ અને સર્જનશીલતાનો ઉત્સવ છે.
આ “પ્રાદેશિક સરસ મેળો” ગામડાની બહેનોની કાર્યકુશળતા અને આર્થિક સશક્તિકરણ માટે એક ઉત્તમ મંચ પૂરું પાડે છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝન હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના વિચારોને સાર્થક કરી રહ્યું છે. સાથે જ પ્રધાનમંત્રી ના “વોકલ ફોર લોકલ”ના અભિગમને પણ વેગ આપે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગામડાની મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. સખી મંડળો દ્વારા મહિલાઓના જીવનમાં ભૌતિક અને આર્થિક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, વર્ષો પહેલાં ગામડાની બહેનો આર્થિક તંગીનો સામનો કરતી હતી. ઘરના ખર્ચ પુરા કરવા માટે પણ મુશ્કેલી થતી હતી. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ, ગ્રામ વિકાસ વિભાગના GLPC દ્વારા બહેનો સખી મંડળો સાથે જોડી તેમને તાલીમ આપવામાં આવે છે. જે બહેનોને હસ્તકલા, કારીગરીમાં નિપુણ બનાવે છે. ત્યારબાદ બહેનોની બનાવેલી ચીજવસ્તુઓ વેચવા માટે સરકારે “સરસ મેળા” જેવા પ્લેટફોર્મનું આયોજન કર્યું. જ્યાં આ મહિલા દ્વારા થયેલા ઉત્પાદનોને વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે છે. આ પ્રાદેશિક સરસ મેળો એ લાંબા વિઝનનો વિસ્તૃત અને પ્રેરક ભાગ બની રહ્યો છે. આ વેળાંએ જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પણ રાજ્યભરમાંથી આવેલી મહિલાઓની કાર્યકુશળતા અને કૌશલ્યને બિરદાવી પ્રાસંગિ ઉદબોધન કરી મેળામાં સામેલ થયેલા સખીમંડળના બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
સરસ મેળાને ખૂલ્લો મૂક્યા બાદ મંત્રી ભિખૂસિંહ પરમાર સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત કરી સ્ટોલ પર પ્રદર્શિત કરેલી કલાત્મક અને લોકલ વાનગી, શૃંગાર, વાંસકલા, માટીકામ અને ભરત ગુંથણની કલાનું નિરિક્ષણ કર્યું હતું. સાથો સાથ મંત્રી એ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી હાથ બનાવટની ચીજ વસ્તુઓની ખરીદી પણ કરી હતી. ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લી. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આ મેળાઓ ઉપયોગી બની રહેશે, વોકલ ફોર લોકલ પ્રોડક્ટ અને પ્રવૃત્તિને પણ વેગ મળશે. વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓને પણ આ મેળો જોવાનો તેમજ અવનવી વસ્તુ ખરીદવાનો લાભ મળી રહેશે. આ મેળામાં સામેલ સખી મંડળની બહેનોને આર્થિક ફાયદો થશે. આ સરસ મેળો સૌને રોજગારીના દ્વાર ખોલશે અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બની રહેશે.
આ પ્રાદેશિક સરસ મેળામાં ગુજરાતના 33 જિલ્લાના જુદા-જુદા ગામના કુલ ૫૫ સ્વ-સહાય જુથના બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણથી આજીવિકાની ઉત્તમ તક પુરી પાડવા અને ગ્રાહકોને અવનવી વસ્તુ ખરીદવાની ઉત્તમ તક મળી રહેશે. જેમાં હેન્ડલુમ, હેન્ડીકાફ્ટ, વાંસની બનાવટ, ગૃહસુશોભન માટેની વસ્તુઓ, જૂટની બનાવટ, જ્વેલરીની બનાવટ, વણાટકામની વસ્તુઓ, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટા, દોરી વર્કની બનાવટ, ઓર્ગેનિક સાબુ સેમ્પુ, સીઝનેબલ મસાલા અને અથાણા, ફુડ પ્રોડક્ટ, મધની બનાવટ, ખાસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થતા મીલેટ્સ પ્રોડક્ટ ઓર્ગેનિક લાલ ચોખા, મોર્યુ, હરદળ, નાગલી જેવી ચીજ વસ્તુઓનું બહેનો દ્વારા સીધું જ વેચાણ આ મેળામાં કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુંબે, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતા તડવી, જિલ્લા પંચાયતના સભ્ય દિનેશ તડવી, ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ માકતા વસાવા, નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી વિવેક દરજી, નાયબ કલોક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, પ્રાંત અધિકારી ડો. કે.જે. ગઢવી, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, સરસ મેળામાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી પધારેલા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.