- રાજકીય સન્માન સાથે કાલે કરાશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર
- PM મોદી, ઉપરાષ્ટ્રપતિ ધનખર , સોનિયા ગાંધી, રાજનાથ સિંહ, અમિત શાહ, જે પી નડ્ડા સહિતના રાજકારણીઓએ અંતિમ દર્શન કર્યા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહના નિવાસ સ્થાને જઈને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાંસદ પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય કોંગ્રેસના નેતાઓ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમની અંતિમ યાત્રા 28 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 9:30 વાગ્યે દિલ્હીમાં AICC (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી)ના મુખ્યાલયથી શરૂ થશે. આ માહિતી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આપી હતી. ડૉ. સિંહના પાર્થિવ દેહને શનિવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાનથી AICC મુખ્યાલયમાં લાવવામાં આવશે, જ્યાં લોકો અને કોંગ્રેસના કાર્યકરો સવારે 8:30 થી 9:30 સુધી તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થઈ ગયું. ગુરુવારે સાંજે તેમની તબિયત લથડી હતી. ત્યારપછી તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર સરકારે સાત દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આજે તિરંગો પણ અડધી કાઠીએ નમેલું રહેશેે.
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. અહીં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
#WATCH | Delhi | Union Home Minister Amit Shah arrives at the residence of former PM Dr Manmohan Singh pic.twitter.com/Gvk7LbNY8e
— ANI (@ANI) December 27, 2024
મનમોહન લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલની પ્રેસ રિલિફ અનુસાર, તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા.
મનમોહન સિંહના નિધનના કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમજ શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મોડી રાત્રે બેલગાવીથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા મનમોહન સિંહના નિવાસસ્થાને ગયા હતા. રાહુલે X પર લખ્યું- મેં મારા માર્ગદર્શક અને ગુરુ ગુમાવ્યા છે.
દરમિયાન, કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક રદ કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્થાપના દિવસને લગતા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. પાર્ટીના કાર્યક્રમો 3 જાન્યુઆરી પછી શરૂ થશે.
મનમોહનના પાર્થિવ દેહને આવતીકાલે કોંગ્રેસના મુખ્યાલયમાં રાખવામાં આવશે, જ્યાં સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. મળતી માહિતી મુજબ આવતીકાલે મનમોહનના અંતિમ સંસ્કાર થશે. તેમની દીકરીઓ આજે સાંજ સુધીમાં અમેરિકાથી ભારત આવશે. જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે તે સ્થળ વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા નક્કી કરવામાં આવશે.
કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા
પૂર્વ પીએમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમના મૃત્યુ બાદ મનમોહન સિંહના પાર્થિવ દેહને મોડી રાત્રે એઈમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ડૉ.મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભારતમાં પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર દરમિયાન વિશેષ રાજકીય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. તેનો હેતુ દેશ પ્રત્યેના તેમના યોગદાન અને તેમના પદની ગરિમાનું સન્માન કરવાનો હોય છે.અંતિમ સંસ્કાર પહેલા પૂર્વ વડાપ્રધાનના પાર્થિવ દેહને ભારતના રાષ્ટ્રીય ધ્વજ એટલે કે ત્રિરંગામાં લપેટવામાં આવે છે.
21 તોપોની સલામી પણ આપવામાં આવે છે
આ સિવાય અંતિમ સંસ્કાર દરમિયાન તેમને 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે. આ સલામને રાજ્યના સર્વોચ્ચ સ્તરના સન્માનનું પ્રતીક માનવામાં આવે છે.પૂર્વ વડાપ્રધાનની છેલ્લી મુલાકાત દરમિયાન સુરક્ષા અને પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. તેમની અંતિમ યાત્રામાં સામાન્ય લોકોથી લઈને મહાનુભાવો અને રાજનેતાઓ ભાગ લે છે. આ ઉપરાંત સૈન્ય બેન્ડ અને સશસ્ત્ર દળોના જવાનો પણ અંતિમ યાત્રામાં ભાગ લે છે અને પરંપરાગત કૂચ કરે છે.
મનમોહન સિંહની ટિપ્પણી સાચી સાબિત થઈ: થરૂર
મનમોહન સિંહના નિધન પર શશિ થરૂરે કહ્યું કે ડૉ.સિંહની ટિપ્પણી સાચી સાબિત થઈ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મનમોહન સિંહે 2014માં કહ્યું હતું કે, “હું ઈમાનદારીથી કહું તો ઈતિહાસ મારા પ્રત્યે સમકાલીન મીડિયા કે સંસદમાં વિપક્ષની તુલનાએ વધુ દયાળુ હશે અને ફક્ત દસ વર્ષ બાદ તેમની કહેલી આ વાત સાચી સાબિત થઇ રહી છે.
મનમોહન સિંહના પાર્થિવ દેહને એઈમ્સથી તેમના નિવાસસ્થાને લવાયો
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહને એઈમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમને એમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉ.મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશનું અસલી પ્રતીક હતાઃ કેસી વેણુગોપાલ
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, ‘આ દુઃખદ સ્થિતિ છે. ડૉ.મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશનું અસલી પ્રતીક હતા. આઝાદી પછી તેઓ હીરો હતા. દરેક વ્યક્તિએ તેમની દૂરંદેશી અને દેશ પર શાસન કરવાની ક્ષમતા જોઈ… 28મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસ સહિત 7 દિવસ માટે કોંગ્રેસના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે…’