- ઑક્ટોબરની સરખામણીએ રાજ્યમાં 1.26 લાખ નવા રોકાણકારો સાથે લગભગ 38 ટકા ઘટાડો નોંધાયો
નવેમ્બર મહીનામાં ઇકવીટી રોકાણકારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. નવા માર્કેટ કરેક્શનને કારણે ગુજરાતના નવા ઇક્વિટી રોકાણકારોની નોંધણી છ મહિનાની નીચી સપાટીએ પહોંચી છે. નવેમ્બર 2024માં, ગુજરાતમાં 1.26 લાખ નવા રોકાણકારો નોંધાયા હતા, જે ઑક્ટોબરની સરખામણીએ લગભગ 38 ટકા ઘટાડો દર્શાવે છે અને છ મહિનાની નીચી સપાટી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (ગજઊ)ના ડેટા અનુસાર, રાષ્ટ્રીય સ્તરે, 15.2 લાખ નવી નોંધણી સાથે નવેમ્બરમાં નવા રોકાણકારોની નોંધણી સાત મહિનાની નીચી સપાટીએ નોંધાઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં બીએસઇ સેન્સેક્સ 8.58 ટકા ઘટીને 78,472 પોઈન્ટ પર અને એનએસઇ નિફ્ટી 9.41 ટકા ઘટીને 23,750 પોઈન્ટ પર હતો.
એનએસઇએ એક અહેવાલમાં જણાવ્યુ હતું કે આર્થિક વૃદ્ધિમાં મંદીની ચિંતા, જેમ કે અપેક્ષા કરતાં નબળી જીડીપી વૃદ્ધિ જેવા પરિબળોના પરિણામે છેલ્લા કેટલાક મહિનામાં નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો છે. નવા રોકાણકારોની નોંધણી મહિને-દર-મહિને 15.2 ટકા ઘટીને નવેમ્બરમાં 15.2 લાખની સાત મહિનાની નીચી સપાટીએ છે. નવા રોકાણકારોની નોંધણીનો માસિક રન-રેટ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં 19 લાખ પર રહ્યો હતો, જે નાણાકીય વર્ષ 24 માં 13.4 લાખ હતો.
અહેવાલ મુજબ, નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, ઉત્તર પ્રદેશ નવા રોકાણકારોની નોંધણીમાં અગ્રેસર છે, જેમાં 2.1 લાખ નવા રજિસ્ટ્રેશન નોંધાયા છે. અને સમગ્ર નવી નોંધણીઓમાં 13.7 ટકા હિસ્સો ધરાવે છે. તેમજ મહારાષ્ટ્ર 1.9 લાખ નવા રોકાણકારો સાથે બીજા ક્રમે છે, જેમાં નવા રોકાણકારોનો હિસ્સો ઘટીને 12.7 ટકા થયો છે, જ્યારે ગુજરાત 1.3 લાખ નવા રોકાણકારો સાથે ત્રીજા ક્રમે છે જે નવા રોકાણકારોનો 8.4 ટકા હિસ્સો ધરાવે છે.સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેક્ટર ગુંજન ચોક્સીએ જણાવ્યું હતું કે, “ભારતીય શેરબજારોમાં મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, અને તેનાથી નવા રોકાણકારોની નોંધણી તેમજ રિટેલ રોકાણકારોની સક્રિય બજાર ભાગીદારીને અસર થઈ છે. કુલ રોકાણકારોનો આધાર હવે લગભગ 11 કરોડ સુધી પહોંચી ગયો છે. દેશમાં કોવિડ પછી નવા ઇક્વિટી રોકાણકારોનો ધસારો રહ્યો છે, ખાસ કરીને યુવાનોમાં. ત્યારે એકવાર બજાર સ્થિર થશે પછી ફરીથી નવા રોકાણકારોની નોંધણીમાં વૃદ્ધિ જોવા મળશે.