- વિદેશી કલ્ચરની ઘણી સારી ટેવો અપનાવા જેવી
- જુના જમાનામાં આપણી જીવનશૈલી સાથે ઘણી સારી બાબતો આપણે પાળતા હતા, આજે નવા યુગની નવી જીવનશૈલીએ ઘણી ખરાબ આદતો પાડી દીધી છે
વિદેશી કલ્ચરની હવાએ આપણે ઘણો બદલાવ કર્યો, પણ સાથે ઘણી નુકશાનકારક વાત પણ અપનાવતા મુશ્કેલી ઉભી થઇ છે: બાળકને સુધરવાની સલાહ આપતા પહેલા આપણે સુધરવું પડે
વર્ષો પહેલાની રહન-સહન, કુટુંબ વ્યવસ્થા સાથે સામાજીક વ્યવસ્થા શ્રેષ્ઠ હોવાથી માનવી સુખેથી, આનંદથી રહેતો હતો. આજના યુગ જેવો ટ્રેસ ક્યારેય હતો જ નહી. બધા ભાઇઓ, પરિવાર એક છત નીચે આરામથી શ્રેષ્ઠ જીવનશૈલી જીવતા હતા. આંગણાના પશુ પંખી સાથે પર્યાવરણનું જતન પણ કરતાં જ હતા, તો ભાવી પેઢી માટે એક સારી વ્યવસ્થાનું આયોજન પણ કરતાં હતા. એક વડીલ આખા પરિવારની બાગડોર સંભાળતા હતા. ત્યારે ભણતર ભલે ઓછું હતું પણ ગણતર વધારે હતું. આજે પાણી, હવાનું પ્રદૂષણ સાથે ખાવાની વસ્તુઓમાં ભેળસેળ આપણે જ કરીને અન્યોને નુકશાન કરીએ છીએ.
બદલાતા યુગ સાથે ઘણી બધી સારી ટેવોને છોડીને ખરાબ આદતો અપનાવીને સામેથી દુ:ખને આમંત્રણ આપ્યું છે. આપણને વિદેશી કલ્ચર ગમે છે, પણ ત્યાંના નાગરીકના શ્રેષ્ઠ ગુણો કે નિયમો અપનાવા નથી. તેના જેવો બાળકોનો ઉછેર કરવો નથી, આજે તો બાળકને સુધારવાના હજારો સુચનો તમે કરો છો, પણ તમારે સુધરવું જ નથી. પહેલા લોકો ઘરના કચરાને વ્યવસ્થિત એક જગ્યાએ જ નાંખતા હતા, જેથી તેને કલેક્ટ કરવામાં સુગમતા રહેતી હતી. આજના યુગના ટીવી-મોબાઇલ ન હોવાથી લોકો પાસે પુરતો સમય રહેતો તેથી શેરી રમતો, પરિવારમાં બેસવા જવું જેવી ઘણી બાબતોની સારી ટેવો હતી. બાળકોને પણ સામેલ કરતાં હોવાથી તે પ્રારંભથી જ સારી ટેવો શીખતો હતો.
આજે આપણે નાગરીક ધર્મ પાળતા જ નથી, તેથી હવે આપણે ઘણું સુધરવાની જરૂર છે. કચરો, પ્લાસ્ટિક, જાહેરમાં માવા થુંકવા, અપશબ્દો બોલવા, ઝગડો કરવો, મારામારી, ટ્રાફિક નિયમ ન પાળવું, ઓવર સ્પીડમાં વાહન ચલાવવા જેવી ઘણી ખરાબ આદતો ક્યારે બદલાશે તેમ હવે નાના બાળકો પૂંછી રહ્યા છે.
વિદેશ જવું ગમે છે, ત્યાં જઇને નિયમો પણ ફરજીયાત પાળવા પડે છે, પણ જેવા વતન પરત ફરતાં જ હતાં ત્યાંને ત્યાં પાછા આવી જતા હોવાથી દેશની પ્રગતિ રૂંધાય છે. વિદેશોમાં સ્વચ્છતા, શિક્ષણ અને દેશ પ્રત્યેનો નાગરીક ધર્મ સંપૂર્ણ પળાતો હોવાથી, તે ખૂબ જ સુખી દેશ બન્યો છે. આપણે ત્યાં બધુ જ ઉલ્ટું છે, આપણે ભણીગણીને હોંશિયાર થયા પણ નાગરીક ફરજ અને ધર્મ નિભાવવામાં તો અભણ છીએ.
આજના યુગનું બધાનું જીવન સ્ટેટ્સ વાળું થઇ ગયું છે, તેના વગર કોઇ જીવી શકતો નથી. નિયમની ભૂલ થાય તો ઝગડો કે ઓળખાણનો ઉપયોગ કરીને છટકબારી શોધવામાં આપણે કુશળ થઇ ગયા છીએ. સરકાર કે તંત્ર પ્લાસ્ટિકના રીયુઝની કેટલી જાહેરાત કરે છે, નિયમો પણ છે, પણ આપણે તેને પાળીએ છીએ ખરા. દર નવા વર્ષે સંકલ્પો કરનાર નાગરીક પોતાની દેશ પ્રત્યેની ફરજ ક્યારે સમજશે. જાહેરમાં કચરો નાંખવાની આપણી સમસ્યામાં આપણો જ વાંક છે. જાહેરમાં ધુમ્રપાનથી આપણે જ પ્રદુષણ કરીએ છીએ.
આજની ઘણી સમસ્યા જે આપણે ભોગવી રહ્યા છે, તેમાં વાંક આપણો જ છે. શિક્ષિત હોવા છતાં આપણે ના-સમજને કારણે અન્યોને પણ યાતના આપીએ છીએ. પર્યાવરણ પણ આપણે જ બગાડ્યું છે, ને હવે વૃક્ષો વાવવાનો પ્રચાર પણ આપણે જ કરીએ છીએ. વાહનોનો આડેધડ ઉપયોગ, અકસ્માતો જેવી ઘણી સમસ્યા બાબતે હવે ચિંતા-ચિંતન નહીં સીધુ આપણી જ ભૂલ સ્વીકારને કાર્ય કરવાની જરૂર છે. હદ તો ત્યાં થાય છે કે આજેપણ જાહેરમાં શૌચાલય કરતા લોકો જોવા મળે છે.
રોડ પર ટ્રાફિકના નિયમો મોટાભાગના પાળતા ન હોવાથી ઘણા નિર્દોષ રાહદારી તેનો વગર વાંકે ભોગ બને છે. આપણે કોઇને નડીએ નહીએ પણ મોટી દેશ સેવા છે. આપણું ઘરમાં કે જાહેરમાં એવું એકપણ કાર્ય ન હોવું જોઇએ, જેનાથી અન્યોને મુશ્કેલી પડે. વિદેશોમાં ઘણા નાના દેશો પણ ચોખ્ખાઇમાં આપણાથી ઘણા આગળ છે.
સૌથી ગંભીર સ્થિતિ આજના યુવાધનની છે, તેમની ઘણી બાબતોથી મા-બાપોની મુશ્કેલી વધી ગઇ છે. દરેક નાગરિકે એક વાત સમજવી જોઇએ કે દુનિયામાં સૌથી વધુ પ્રેમ મા-બાપ જ કરતાં હોય છે. આજના ઘણા દુષણોએ આપણી જ ભૂલથી ઘર કરી ગયા છે. દરેકના મનમાં પ્રશ્ર્ન થાય જ છે કે લોકો ક્યારે સુધરશે, પણ શરૂઆત તો મારાથી જ કરવી પડશે.
સંકલ્પ નહીં, આટલી બાબતોમાં આપણે સુધરવું જ પડશે
શેરી-વિસ્તાર-ગામ-શહેર-રાજ્ય કે દેશના તમામ નાગરીકોએ પોતાની ફરજ અને રાષ્ટ્ર પ્રત્યેનો ધર્મ શ્રેષ્ઠ રીતે નિભાવવો જ પડશે. જાહેરમાં કચરો ન નાંખવો, બાળકોને ફરજીયાત શિક્ષણ અપાવવું, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો, આડોશ-પાડોશમાં કોઇને નડવું નહી ને સતત વૃક્ષો વાવવા જરૂરી છે. દરેકે ટ્રાફિક નિયમન, પાર્કિંગ વિગેરેના નિયમોનું 100 પાલન કરવું અને વાહન ધીમું ચલાવવું, મુશ્કેલીના સમયે દરેક નાગરીકને મદદ કરવી, આજ સુધી આપણે સંકલ્પો બહુ જ કર્યા છે, પણ હવે આટલી સારી બાબતો ફરજીયાત અપનાવીને શ્રેષ્ઠ શહેર કે ગામ નિર્માણ કરવાનું છે. સૌરાષ્ટ્રના માનવીના ગલોફામાં સતત ચવાતા માવા-ફાકીનો જાહેરમાં છંટકાવ તો સંપૂર્ણ નિષેધની હવે સૌ બાધા-આખડી રાખી લો. એક નાનકડી પહેલ બધા માટે ગુણવત્તા સભર જીવનશૈલી પ્રદાન કરશે, અને છેલ્લે જાહેરમાં ધુમ્રપાન કરીને હવાનું પ્રદૂષણ વધારશો નહીં.