- શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માતાજીના વધામણા કર્યા.
જામનગર શહેરમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત “કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર” અંતર્ગત માઁ ખોડલની શોભાયાત્રાનો આજે ભવ્ય શુભારંભ થયો છે. આ શોભાયાત્રામાં બે ખાસ રથ જામનગર આવી પહોંચ્યા છે. એક રથ માઁ ખોડલને સમર્પિત છે, જ્યારે બીજો રથ કેન્સર હોસ્પિટલની થીમ પર આધારિત છે. આ બન્ને રથ અત્યંત આકર્ષક રીતે સજ્જ કરવામાં આવ્યા છે અને તેમાં ખોડલ માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જે માતાજી ના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ ખોડિયાર માતાજીની આરાધના કરવાનો અને સમાજમાં એકતા અને સદભાવનાનું વાતાવરણ ઊભું કરવાનો છે.
આજે સવારે 9 કલાકે રણજીત સાગર રોડ પર આવેલ સોમનાથ મહાદેવ મંદિરથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. આ શોભાયાત્રા વોર્ડ નંબર 15ના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ રહ્યો છે. સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગ્રીન સિટી, રાધે પાન – રઘુવીર પાર્ક સોસાયટી, અટલ ભવન – આવાસ, ગરબી ચોક – નીલકંઠ સોસાયટી, સરદાર ચોક – મયુર ટાઉનશીપ કોમન પ્લોટ – ખોડીયાર પાર્ક કોમન પ્લોટ – મયુર બાગ રાધે ચોક – પંચવટી સોસાયટી, આશીર્વાદ એવન્યુ – મેઈન ગેટ, આશીર્વાદ -૨ મેઈન રોડ, ગોરડીયા હનુમાન મંદિર – શ્રીજી પાર્ક, શ્રીનાથજી પાર્ક, મારુતિનંદન, મારુતિ રેસીડેન્સી, સેટેલાઈટ પાર્ક, તુલસી એવન્યુ, સહજાનંદ સોસાયટી પાર્ક, તુલસી એવન્યુ સહજાનંદ સોસાયટી ખાતે સાંજે 7 વાગ્યે પૂર્ણ થશે.
આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક મહાનુભાવો પૈકીના કૃષિ મંત્રી રાઘવજી પટેલ વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, નગરના મહેર વિનોદ ખીમસુરીયા ઉપરાંત અન્ય મહાનુભાવો એ ઉપસ્થિત રહીને માતાજીના વધામણા કર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન, કીર્તન અને ગરબાનો સમાવેશ થાય છે. આ શોભાયાત્રા દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારો વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અહેવાલ: સાગર સંઘાણી