નર્મદા: સરકારના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે નવી MPACS, ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓની રચના અને તેને મજબૂત કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં મેગા ઇવેન્ટનું આયોજન 25મી ડિસેમ્બરે કરવામાં આવ્યું હતુ. જેને અનુલક્ષીને રાજપીપળાની ખેતી ઉત્પન્ન બજાર સમિતિનાં સભાખંડ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે પણ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. સુશાસન અને લોક કલ્યાણ પ્રત્યે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલજીનું સમર્પણ ભાવિ પેઢીઓ માટે પ્રેરક ગણાવતા મનસુખ વસાવા એ MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના અને મજબૂતીકરણ સંદર્ભે જણાવ્યું કે, આજે સરકાર સહકારી ક્ષેત્રને પણ ખૂબ મહત્વ આપી રહ્યું છે.
જેનાથી રોજગારીની નવી તકોનું નિર્માણ થશે. ખેતીની સાથે પશુપાલનને પણ પ્રાધાન્ય આપવું જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યો અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે સુશાસન વ્યવસ્થા પર વિશેષ ભાર આપ્યો છે. ગુજરાત રાજ્ય તેમજ નર્મદા જિલ્લાના છેવાડાના માનવી સુધી લોક કલ્યાણકારી યોજનાઓ પહોંચી છે. ગરીબ, ખેડૂત મહિલા, યુવાન આદિવાસી સમુદાયના ઉત્થાન માટે સરકારે નક્કર કદમ ઉઠાવ્યા છે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, સહકારથી સમૃદ્ધિ થકી દેશના પ્રત્યેક નાગરિકોને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવાનો આ એક પરિણામલક્ષી પ્રયાસ છે. આદિવાસી સમુદાયના આર્થિક ઉત્થાન માટે સહકારી મંડળીઓ આશીર્વાદરૂપ બનશે. નર્મદા જિલ્લામાં 9 નવી મંડળીઓની રચના કરવામાં આવી છે જે પૈકી આજ રોજ બે મંડળીઓનાં સદસ્યોને મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્ર (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ) એનાયત કરવામાં આવ્યું હતું.
વધુમાં પશુપાલકો-ખેડૂતોને સંકલિત ડેરી વિકાસ પરી યોજના હેઠળ પશુધનનું વિતરણ કરવામાં આવ્યું હતું. એપીએમસી રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો, પશુપાલકો, સહકારી મંડળીના સદસ્યોએ નવી દિલ્હી ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના પ્રેરક માર્ગદર્શન વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રત્યેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓના સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું ગાંધીનગર ખાતેથી સીધું પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, જિલ્લાના અગ્રણી વિક્રમ તડવી, ખરીદ વેચાણ સંઘના અરવિંદ પટેલ, કમલેશ પટેલ, મંડળીના પ્રમુખો, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીનાં અધિકારી પરેશ કણકોટિયાનાં માર્ગદર્શન હેઠળ જે આર તડવી અને ડી. ડી. પટેલ સહિત જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના તમામ કર્મચારીઓ, સહિત ખેડૂત-પશુપાલકો હાજર રહ્યા હતા.