- બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપી જયદીપ કોટકના 14 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા સામે મકાન અને દુકાન વેચવાના નામે એક સિનિયર સીટીઝન સાથે 3.33 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. તેમજ પોલીસે જયદીપ કોટકની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બોપલ પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
આરોપી જયદીપ કોટક તપાસમાં સહકાર ન આપતો હોવાની દલીલ
બોપલ પોલીસે ગઈકાલે બપોરે 2.15 વાગ્યે આરોપી જયદીપ કોટકની અટકાયત કરી હતી. તેમજ આરોપી જયદીપ કોટકને બોપલ પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જજ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી જયદીપ કોટક તપાસમાં સહકાર નથી આપી રહ્યો હતો.
ફ્લેટ અને દુકાન વેચવાના નામે 2 કરોડ 23 લાખની છેતરપિંડી
આરોપીઓ જયદીપ કોટક અને હિરેન કારીયાએ સાણંદમાં રહેતા 65 વર્ષીય ભાઈ ભોગીભાઈ રવાણી સાથે ફ્લેટ અને દુકાન વેચવાના નામે 2 કરોડ 23 લાખની છેતરપિંડી કરી છે. તેમજ આરોપીઓએ ઘુમાની નકલી સાઈટ પર ‘રિચમન્ડ બાય પ્રીવીલોન’ નામની 22 માળની નકલી સ્કીમમાં ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાન પેટે 56 લાખ અને એક ફ્લેટ પેટે 1 કરોડ 67 લાખ 86 હજાર એમ કુલ મળી 2 કરોડ 23 લાખ રકમ રોકડ, ચેક અને RTGS મારફતે પડાવી લીધા હતા. તેમજ આરોપીએ આ મિલ્કતોના નકલી દસ્તાવેજો પણ ખરીદનારને આપ્યા હતા.
નાણા પરત માંગતા હ-ત્યાની ધમકી આપી
ફરિયાદીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા તેમણે જયદીપ કોટક અને હિરેન કારીયા પાસે પોતાના નાણા પરત માંગ્યા હતા. ત્યારે આ બંનેએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી નાણા પરત ન કરતા ભોગ બનનારને બંને વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને હત્યાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, બીજી તરફ બચાવ પક્ષના વકીલે પણ રિમાન્ડના ટેકનિકલ ગ્રાઉન્ડનો વિરોધ કરતા ઓછા રિમાન્ડ મળે તે માટે કોર્ટ સમક્ષ રજૂઆતો કરી હતી. જોકે બન્ને પક્ષોની દલીલોને ધ્યાનમાં લેતા ગ્રામ્ય કોર્ટે આરોપી જયદીપ કોટકના આઠ જાન્યુઆરી સુધી એટલે કે 14 દિવસના પૂરા રિમાન્ડ મંજૂર કર્યા હતા.