- વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સ્વ.અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને સ્માર્ટ ગવર્નન્સ, ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સના આયામોથી ટેક્નોલોજી ડ્રિવન ગુડ ગવર્નન્સની દિશા આપી છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- રાજ્ય સરકારની નાગરિકલક્ષી સેવાઓ-યોજનાઓના પ્રકલ્પો-આયામોના પ્રારંભથી સુશાસન દિવસ-2024ની ઉજવણી
સુશાસન દિવસે શરૂ કરાયેલા વિવિધ પ્રકલ્પો
- મારી યોજના: નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ.
- ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ: ફરિયાદોની ગંભીરતાના આધારે નિકાલ માટે ચોક્કસ સમયમર્યાદા નિયત કરાશે.
- સ્વાગત મોબાઇલ એપ: નાગરિકો ઓનલાઇન રજૂઆત કરી શકશે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે.
- Bharat Net Phase-2: 40,000 ગ્રામ્ય સરકારી સંસ્થાઓના પાટનગર ‘ગાંધીનગર’ સાથે જોડાણ સાથે કનેક્ટિવિટી સુદ્રઢ થશે.
- i-GOT પોર્ટલમાં સ્ટેટ પેજ: રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યૂલ મળી રહેશે.
- જનસેવા કેન્દ્ર: રાજ્યની 34 નગરપાલિકાઓમાં નવા સીટીઝન સિવિક સેન્ટર કાર્યરત.
- ડ્રોન પાયલોટ ટ્રેનિંગ: 100 ડ્રોન રાજ્યની 19 ITI માં ટ્રેનિંગ માટે અપાયા
- Connect Gujar@t: રાજ્યકક્ષાથી ગ્રામ્યકક્ષા સુધીનું રાજ્ય વ્યાપી સોશિયલ મીડિયા નેટવર્ક ઊભું થશે.
મુખ્યમંત્રી :
- વડાપ્રધાન દ્વારા ગવર્નન્સના ડિજીટાઈઝેશનથી સમાજના છેવાડાના માનવીને હક્કો સરળતાએ પહોંચતા 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં
- નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકો માટે શરુ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમથી અનેક લોકોના પ્રાણપ્રશ્નોનું નિવારણ આવ્યું
- સૌને સુશાસનના લાભ પહોંચાડવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસથી કર્તવ્યરત રહીએ
- મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યની વિવિધ સંસ્થાઓ વચ્ચે એમ.ઓ.યુ. થયાં
- “સ્વચ્છ ભારત મિશન-2024” અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા વિભાગો અને વડી કચેરીઓનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું
- વન-પર્યાવરણ અને સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી વાજપેયીનાં જન્મદિવસ 25મી ડિસેમ્બરને, દેશમાં 2014થી સુશાસન દિવસ તરીકે ઉજવવાની પરંપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી છે. આ પરંપરાને 2024ના સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ગતિ આપતા સ્વ.અટલજીની “ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ” પંક્તિઓ સુશાસન દિવસે સાકાર કરીને મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની વિવિધ નવી પહેલોની શરૂઆત કરાવી હતી.
મારી યોજના
આ પ્રસંગે માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી નાગરિકોને “મારી યોજના” એક જ ડિજિટલ પ્લેટફોર્મ ખુલ્લું મૂક્યું હતું. આ પોર્ટલને કારણે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર, સમય અને અંતરના બાધ વિના ઘરેબેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે, જેથી સરકાર અને નાગરિકો વચ્ચેનો સેતુ મજબૂત થશે.
‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપ
‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપના લોન્ચિંગથી રજૂઆત કર્તાની રજૂઆતો/ફરિયાદોની ગંભીરતા અથવા જટિલતાના આધારે GREEN, YELLOW અને RED ચેનલમાં વર્ગીકૃત કરીને ફરિયાદના નિકાલ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
જો સંબંધિત અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં જવાબ ન થાય અથવા તો તે સમયમર્યાદા પૂર્ણ થાય તો રજૂઆત એક લેવલ ઉપરના અધિકારીના એકાઉન્ટમાં ઓટો એસ્કેલેટ થશે અને ત્યાર બાદ ઉપરના અધિકારી કાર્યવાહી કરશે.
એટલું જ નહિ, રજૂઆતકર્તા જો કાર્યવાહિથી અસંતુષ્ટ હશે તો ફીડબેક આપીને તેનો ઓટો એસ્કેલેટ કરી ઉપરના લેવલ સુધી જઈ શકશે. આ ઉપરાંત સ્વાગત મોબાઇલ એપ દ્વારા નાગરિકો ઓનલાઇન રજૂઆત કરી શકશે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે.
સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્ર
સાયન્સ અને ટેક્નોલોજી વિભાગની વિવિધ નવી પહેલો શરૂઆત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. જેમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગર ખાતે ગુજરાત સેમીકન્ડક્ટર પોલિસી હેઠળ સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્ર શરૂ કરાયું હતું. આ તાલીમ કેન્દ્ર ATMP (Assembly, Testing, Marketing, Packaging, Training Centre) આવનારા 5 વર્ષમાં 1 હજાર યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપશે.
Bharat Net Phase-2 અંતર્ગત કનેક્ટિવિટી
આ ઉપરાંત સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાત ફાઈબર ગ્રિડ નેટવર્ક લિ. (GFGNL) મારફતની Bharat Net Phase-2 અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી દ્વારા 40,000 ગ્રામ્ય સરકારી સંસ્થાઓને પાટનગર ‘ગાંધીનગર’ સાથે જોડવા, હર ઘર કનેક્ટિવિટી હેઠળ 25,000 ફાઈબર-ટુ-હોમ(FTTH) જોડાણ આપવા અને ‘ફાઈબર-ટુ-ફાર ફલંગ ટાવર્સ’ પહેલ અંતર્ગત 30,000 કિમી ઓપ્ટિકલ ફાઈબર કેબલ લીઝ કરી 1,000થી વધુ ગ્રામીણ ટાવર્સને જોડી રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ કવરેજ અને કનેક્ટિવિટીની ગુણવત્તામાં વધારો કરવામાં આવશે.
રિજીયોનલ સાયન્સ સેન્ટર, ભુજ
રિજીયોનલ સાયન્સ સેન્ટર, ભુજ ખાતે અમેરિકાની પ્રતિષ્ઠિત કમ્પની “પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ” દ્વારા નિર્મિત દેશની પહેલી સ્પેસ ઓબ્ઝર્વેટરી કાર્યરત કરવામાં આવી છે. તેમાં દેશમાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું CDK24 ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યુ છે.
i-GOT – ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ
આ ઉપરાંત ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ i-GOT કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યૂલ મળી રહે તે માટે ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ i GOT કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ કાર્યરત થયું છે.
સિટીઝન સિવિક સેન્ટર
આ પ્રસંગે રાજ્યની 34 નગરપાલિકાઓમાં નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહે તે માટે સિટીઝન સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે.
ડ્રોન વિતરણ
આ અવસરે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્ય સરકારની કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સીટી દ્વારા 100 ડ્રોન રાજ્યની 19 ITI માં ડ્રોન પાયલોટ ટ્રેનિંગ માટે આપવામાં આવ્યાં છે.
કનેક્ટ ગુજરાત
સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા થતી પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે કનેક્ટ ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. કનેક્ટ ગુજરાતથી લોકોને સરકારની કામગીરીનો, વિવિધ કાર્યક્રમોની જાણ થશે અને સરકારને પણ ક્યાંક ક્ષતિ રહેતી હોય તેનો સાચો ફિડબેક મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની સુરાજ્ય ક્રાંતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ગવર્નન્સ, એમ-ગવર્નન્સ અને ઈ-ગવર્નન્સના આયામોથી ટેકનોલોજી ડ્રિવન ગુડ ગવર્નન્સ બનાવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન દ્વારા ગવર્નન્સના ડિજીટાઈઝેશનથી સમાજના છેવાડાના માનવી સુધી હક્કો પહોંચાડવા સરળ થયા છે અને તેના પરિણામે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે.
મુખ્યમંત્રીએ આ વર્ષના સુશાસન દિવસને સરદાર પટેલની જન્મ જયંતિની 150માં વર્ષની ઉજવણી, બંધારણની 75મી વર્ષગાંઠ તેમજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિના સુભગ સમન્વયનો સુશાસન દિવસ ગણાવ્યો હતો. વડાપ્રધાનએ અમૃતકાળને મોટા સંકલ્પો લઇને આગળ વધવાનો કર્તવ્યકાળ ગણાવ્યો હતો અને રાજ્ય માટે આ કાળને મોટા સંકલ્પો સાથે આગળ વધવાનો સુભગ સમન્વય છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકો માટે શરૂ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમથી અનેક લોકોના પ્રાણપ્રશ્નોનું નિવારણ આવ્યું છે. હવે “સ્વાગત 2.0” મોબાઇલ એપ ફરિયાદ નિવારણ અને ફિડબેક મિકેનિઝમ માટે ખૂબ ઉપયોગી નિવડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુડ ગવર્નન્સ માટે નાગરિક અને સરકાર સૌ પોતાના કર્તવ્યનું પાલન કરીને “સૌનો સાથ, સૌનો વિકાસ”નો ધ્યેય સાકાર કરવા કર્તવ્યરત રહે તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતે અનેક પરિવર્તનકારી સફળતાઓ પ્રાપ્ત કરવા માટે વહીવટી માળખામાં સુશાસનના સિદ્ધાંતોને આત્મસાત કર્યા છે, જેના પરિણામે જ આજે ગુજરાત સુશાસનની કર્મભૂમિ બની છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં “સીટીઝન ફર્સ્ટ”ના અભિગમથી શરુ કરેલી સુશાસનિક પહેલના પરિણામે આજે ગુજરાત દેશભરમાં સુશાસનનું મોડલ બન્યું છે. આ જ કાર્યપ્રણાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર મક્કમતાથી આગળ ધપાવી રહી છે.
આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ(ARTD)ના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ સૌનું શાબ્દિક સ્વાગત કરતા સુશાસન દિવસની ઉજવણી પાછળના ઈતિહાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત સરકારની કેટલીક વિશેષ પહેલો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાન (SPIPA) દ્વારા નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (NCGG), અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી (CEPT) તેમજ આર્ટ ઓફ લીવીંગ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વર્ષ 2024માં “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્ય સરકારના વિભાગો અને વડી કચેરીઓને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી સહિત રાજ્ય સરકારના ઉચ્ચ સનદી અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.