- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીના કાર્યાલયે 25 ડિસેમ્બર-સુશાસન દિવસથી પ્રજાહિતલક્ષી અને લોકપયોગી વિવિધ નવી પહેલોનો પ્રારંભ કર્યો
- ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ : રાજ્યની નાગરિકલક્ષી યોજનાઓ, સેવાઓ, અસરકારક મોનીટરીંગ માટે મહત્વના પેરામીટર્સ આધારિત સમગ્રતયા મોનિટરીંગ કરી શકાશે
- સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ : તમામ સ્કોલરશીપના મોનિટરીંગ માટે સી.એમ. ડેશબોર્ડમાં ખાસ સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ શરૂ થઈ
- રેવન્યુ મોનીટરીંગ સિસ્ટમ : રેવન્યુ વિભાગના વિવિધ પોર્ટલોનું મોનિટરીંગ કરવા માટે ડેશબોર્ડમાં અલાયદું “રેવન્યુ ડેશબોર્ડ”
- સી.એમ. ફેલો વેબસાઈટ : વધુ યુવાનો ગુડ ગવર્નન્સ સાથે જોડાય તે માટે સી.એમ. ફેલોશીપ વેબસાઇટ
- સ્વર પ્લેટફોર્મ માં સ્પીચ ટુ ટેક્સ્ટ અમલી થતાં હવે લોકો બોલીને પણ પોતાની અરજી સબમિટ કરી શકશે.
- ગુજરાત ઇન્ડિયા વેબ પોર્ટલનું આધુનિકીકરણ: નાગરિકો અને અન્ય હિતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અને સેવાઓની સિંગલ વિન્ડો ઍક્સેસ મળશે
- રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીઓને શક્ય તેટલા વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે :- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સામાન્યમાં સામાન્ય માનવીઓને જેટલા બની શકાય તેટલા વધુને વધુ મદદરૂપ થવાનો ભાવ જ સુશાસનની સાચી દિશા છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દર વર્ષે 25 મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને 2014થી સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીના કાર્યાલયે આ વર્ષના સુશાસન દિવસથી પ્રજાહિત યોજનાઓ અને લોકઉપયોગી સુવિધાઓમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની વિવિધ નવી પહેલોનો પ્રારંભ કર્યો છે. આ પહેલો અંતર્ગત ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ, સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ, રેવન્યુ મોનીટરીંગ સિસ્ટમ, સી.એમ. ફેલો વેબસાઈટ, સ્વર, ગુજરાત ઇન્ડિયા પોર્ટલનું આધુનિકીકરણનો સમાવેશ થાય છે.
ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ
ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ માટે વિવિધ વિભાગો હેઠળ આવતી રાજ્યની નાગરિકલક્ષી યોજનાઓ, સેવાઓ, પ્રોજેક્ટ તેમજ ફરિયાદ નિવારણ જેવી પ્રજાલક્ષી કામગીરીના અમલીકરણને ધ્યાને લઈ તેના અસરકારક મોનીટરીંગ માટે મહત્વના પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે, વિભાગોની કામગીરીનું સમગ્રતયા મુલ્યાંકન કરીને રેન્કિંગ પણ આપવામાં આવશે.
સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ
રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા રાજ્યના યુવાનોને શિક્ષણ માટે વિવિધ સ્કોલરશીપો અપાઈ રહી છે. તમામ સ્કોલરશીપના મોનિટરીંગ માટે સી.એમ. ડેશબોર્ડમાં ખાસ સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.
રેવન્યુ ડેશબોર્ડ
રેવન્યુ વિભાગના આઇ-ઓરા, ખેડૂત ખરાઇ, સુધારા હુકમ, ઇ-ધરા, સિટી સર્વે, આઇ-મોજણી, કલેક્ટર પોર્ટલ અને કેસો બાબતના વિવિધ પોર્ટલોનું મોનિટરીંગ કરવા માટે ડેશબોર્ડમાં અલાયદું “રેવન્યુ ડેશબોર્ડ” તૈયાર કરવામાં આવ્યું છે, તેની શરૂઆત મુખ્યમંત્રીએ કરાવી હતી.
સી.એમ. ફેલોશીપ વેબસાઇટ
સી.એમ. ફેલોશીપ કાર્યક્રમનો વધુ સારી રીતે પ્રચાર-પ્રસાર થાય અને વધુને વધુ યુવાનો ગુડ ગવર્નન્સ સાથે જોડાય તે માટે સી.એમ. ફેલોશીપ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી.
“સ્વર” પ્લેટફોર્મ
ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે ભાષિણી AI આધારિત એપ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆતકર્તાઓ-નાગરિકો પોતાની રજૂઆત કે અરજી હવે બોલીને પણ કરી શકે તેવી પહેલ માટે ભાષિણીના ઉપયોગથી “સ્વર” પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયની વેબસાઇટમાં “રાઇટ ટુ સી.એમ.ઓ.”માં આ ભાષિણીના ઉપયોગથી સ્પીચ ટુ ટેક્સ્ટ આજથી મુખ્યમંત્રીએ શરૂ કરાવ્યું છે.
ગુજરાત ઇન્ડિયા પોર્ટલ
નાગરિકો અને અન્ય હિતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અને સેવાઓની સિંગલ વિન્ડો ઍક્સેસથી રાજ્યની વિવિધ બાબતો અને પાસાઓ વિશે વ્યાપક, સચોટ, ભરોસાપાત્ર અને વન સ્ટોપ માહિતી પ્રદાન કરતા આધુનિક ગુજરાત ઇન્ડિયા પોર્ટલની શરૂઆત મુખ્યમંત્રીએ કરાવી હતી.
મુખ્યમંત્રીએ આ પહેલોની શરૂઆત કરાવવતા કહ્યું કે, લોકોનું ભલું કરવાનું અને સારૂં કરવાની ખેવના સાથે કાર્તવ્યરત રહિને જ સુશાસનની સાચી દિશા પ્રાપ્ત થઈ શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં શરૂ કરેલી આ બધી જ નવીનતમ પહેલો વિશે લોકો તેમના ફીડબેક આપતા રહે તેમ-તેમ આ પહેલોને વધુને વધુ લોકભોગ્ય બનાવવાનું પણ સતત ચિંતન-મંથન થાય તેવી પ્રેરણા મુખ્યમંત્રીએ આપી હતી.
તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી કાર્યાલયમાં લીધેલા આ બધા જ ઈનિશિએટિવ્ઝ સરવાળે તો જનહિતકારી શાસન દાયિત્વ નિભાવવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ, કર્મયોગીઓને પોતાને સોંપાયેલી કામગીરીનું સતત મૂલ્યાંકન-અવલોકન કરતા રહેવા અને ઉત્કૃષ્ટ યોગદાનથી રાજ્ય સરકારનું ગૌરવ વધારતા રહેવા અનુરોધ કર્યો હતો. તેમજ તેમણે આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્રનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે, એક જ વ્યક્તિ દેશમાં કેટલા અને કેવા મોટા બદલાવ લાવી શકે તે વડાપ્રધાનની કાર્યશૈલીમાંથી શીખવાનું છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ગત વર્ષ 2023ના સુશાસન દિવસે વાધવાણી ઇન્સ્ટિટ્યૂટ અને સી.એમ.ઓ. વચ્ચે ડેટા ડ્રિવન ગવર્નન્સ અને ડેટા ક્વોલિટી સુધરે અને ડેશબોર્ડ તથા અન્ય જગ્યાએ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ લાગુ કેવી રીતે કરી શકાય તે માટે બે વર્ષના એમ.ઓ.યુ. થયા હતા. તેના ભાગરૂપે એક વર્ષમાં થયેલી કામગીરીનો અહેવાલ પણ મુખ્યમંત્રીને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે રાજ્ય સરકારના મહત્વના કેન્દ્રબિંદુ એવા મુખ્યમંત્રી કાર્યાલયમાં લોકોની રજૂઆતો તથા તેના નિવારણમાં ટેક્નોલોજીનો વધુને વધુ ઉપયોગ કરીને પારદર્શી અને ત્વરિત ઉકેલનો જે અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી અપનાવવામાં આવ્યો છે તેની ભૂમિકા આપી હતી.
આ વર્ષના સુશાસન દિવસથી શરૂ થયેલી પહેલોથી ટેક્નોલોજી ડ્રીવન ગવર્નન્સ વધુ ગતિશીલ બનાવવામાં મુખ્યમંત્રી કાર્યાલયના સૌ કર્મયોગીઓના સંપુર્ણ યોગદાનની તેમણે ખાત્રી આપી હતી.
આ અવસરે મુખ્યસચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ.રાઠૌર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને એમ.કે.દાસ તથા મુખ્યમંત્રી કાર્યાલયના અન્ય અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.