- જામનગર જિલ્લાના મંડલ પ્રમુખના નામ જાહેર કરવાના બાકી: રાજકોટ, જુનાગઢ અને ભાવનગર મહાનગરના વોર્ડ પ્રમુખના નામ પણ જાહેર કરી દેવાયા: શહેર – જિલ્લા પ્રમુખના નામ આવતા સપ્તાહે કરાશે જાહેર
સ્થાનીક સ્વરાજયની ચુંટણી પૂર્વ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાતમાં સંગઠન માળખાને વધુ મજબૂત કરવા માટે સદસ્યતા અભિયાન હાથ ધરાયા બાદ રાજયના અલગ અલગ જિલ્લા તથા મહાનગરોના મંડળ પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લા પૈકી 10 જિલ્લાના મંડલ પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા નથી. સૌરાષ્ટ્રના ચાર મહાનગરો રાજકોટ, જુનાગઢ, જામનગર અને ભાવનગરના વોર્ડ પ્રમુખના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આવતા સપ્તાહે જિલ્લા અને મહાનગરોના પ્રમુખના નામોની ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. સામાન્ય રીતે ભાજપ દ્વરા સૌ પ્રથમ પ્રદેશ પ્રમુખના નામની ઘોષણા કરવામાં આવતી હોય છે. ત્યારબાદ પ્રદેશનું સંગઠન માળખુ જાહેર કરવામાં આવે છે પછી જિલ્લા અને મહાનગરોના અઘ્યક્ષ ત્યારબાદ મંડળ પ્રમુખ અને સૌથી છેલ્લી બુથ સમિતિની રચના કરવામાં આવતી હોય છે. આ વખતે સંગઠન માળખાની રચના છેલ્લેથી શરુ કરવામાં આવી છે.
બુથ સમિતિની રચના કરાયા બાદ મંડળ પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે હવે જિલ્લા અને મહાનગરના પ્રમુખ જાહેર કરાયા બાદ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે.