રાજ્યના 96 ટકા ગામોમાં ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવા માટે દિવસે વીજળી અપાઈ, બાકીના ગામોમાં પણ ટૂંક સમયમાં દિવસે વીજળી મળશે
સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વિજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના 96 ટકા ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતના કુલ 18,225 ગામ પૈકી 17,193 ગામમાં 20,51,145 જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. જે પૈકી 16,561 ગામના 18,95,744 જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, બાકીના 632 ગામોના ખેડૂતોને પણ દિવસ દરમિયાન વીજળી મળી રહે તે માટે કામ ચાલી રહ્યું છે.
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 96 ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા 4 ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા 632 જેટલા ગામના 1,55,401 જેટલા ખેડૂતોને એટલે કે 4 ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઊર્જામંત્રી દેસાઈએ જણાવ્યું કે દિવસે વીજળી મેળવી રહેલા 16,561 ગામના ખેડૂતો પૈકી 11,927 ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8 થી સાંજના 4 અને સવારે 9 થી સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા 4,634 ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે 5 થી બપોરના 1 અને બપોરના 1 થી સાંજે 9 વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે.
સુશાસનના ભાગ રૂપે ગાંધીનગર જિલ્લામાં નાના ચીલોડા અને સરગાસણ, બનાસકાંઠાના થરાદ, અમદાવાદના ઘુમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગ ખાતે એમ કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં અંદાજે 251 જેટલા અધિકારી – કર્મચારીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે. વધુમાં છેલ્લા ત્રણ વર્ષમાં 30 નવી પેટા વિભાગીય અને 3 વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે સતત ખેડૂતોના હિતની ચિંતા કરી છે. છેલ્લા દાયકામાં ખેડૂતોને 10 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. એટલે કે વર્ષે સરેરાશ 1 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો 3-4 મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે.