- ભારતના પરિવર્તનના શિલ્પકાર તરીકે અટલ બિહારી વાજપેયીના આપણે સદાય આભારી રહીશું: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
- આજે 25 ડિસેમ્બર આપણા સૌ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આપણું રાષ્ટ્ર આપણા પ્રિય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યું છે. તેઓ એક એવા રાજનેતા તરીકે ઓળખાય છે. જેઓ અગણિત લોકોને પ્રેરિત કરતા રહે છે.
આપણો દેશ 21મી સદીમાં ભારતના પરિવર્તનના શિલ્પકાર તરીકે અટલજીનો હંમેશા આભારી રહેશે. જ્યારે તેમણે 1998માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા ત્યારે આપણો દેશ રાજકીય અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો. લગભગ 9 વર્ષમાં આપણે 4 લોકસભા ચૂંટણી જોઈ હતી. ભારતના લોકો અધીરા થઈ રહ્યા હતા અને સરકારની કામ કરવાની ક્ષમતા પર શંકા હતી. આ અટલજી જ હતા જેમણે સ્થિર અને અસરકારક શાસન પ્રદાન કરીને આ સ્થિતિને બદલી નાખી હતી. સાધારણ પૃષ્ઠભૂમિમાંથી આવવાને કારણે, તેમણે સામાન્ય નાગરિકના સંઘર્ષ અને અસરકારક શાસનની પરિવર્તનશીલ શક્તિનો અહેસાસ કર્યો.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી પહેલ દ્વારા સ્થાનિક કનેક્ટિવિટી વધારવાના વાજપેયી સરકારના પ્રયાસો પણ એટલા જ નોંધપાત્ર હતા. તેવી જ રીતે તેમની સરકારે દિલ્હી મેટ્રો માટે વ્યાપક કામ કરીને મેટ્રો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપ્યું. જે એક વિશ્ર્વ-કક્ષાના માળખાકીય પ્રોજેક્ટ તરીકે ઉભરી આવ્યો છે. આમ, વાજપેયી સરકારે માત્ર આર્થિક વિકાસને જ નહીં પરંતુ દૂરના પ્રદેશોને પણ નજીક લાવ્યા. એકતા અને એકીકરણને પ્રોત્સાહન આપ્યું હતું.
જ્યારે સામાજિક ક્ષેત્રની વાત આવે છે. ત્યારે સર્વ શિક્ષા અભિયાન જેવી પહેલ દર્શાવે છે કે કેવી રીતે અટલજીએ એવા ભારતનું નિર્માણ કરવાનું સપનું જોયું હતું. જ્યાં સમગ્ર દેશમાં, ખાસ કરીને ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે આધુનિક શિક્ષણ સુલભ હોય. સાથે જ તેમની સરકારે પણ આર્થિક સુધારાઓની અધ્યક્ષતા કરી હતી. જેણે આર્થિક ઉછાળા માટેનો મંચ તૈયાર કર્યો. એ પૂર્વે ઘણા દાયકાઓ સુધી એવી આર્થિક નીતિઓનું પાલન થયું જેણે ક્રોનિઝમ અને નિષ્ક્રિયતાને પ્રોત્સાહન આપ્યું હતું.
વાજપેયીજીના નેતૃત્વનું એક અદ્ભૂત ઉદાહરણ 1998ના ઉનાળામાં જોઈ શકાય છે. તેમની સરકારે હજુ કાર્યભાર સંભાળ્યો જ હતો અને 11મી મેના રોજ ભારતે પોખરણ પરીક્ષણો હાથ ધર્યા હતા, જેને ઓપરેશન શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ પરીક્ષણો ભારતના વૈજ્ઞાનિક સમુદાયની શક્તિનું ઉદાહરણ આપે છે. વિશ્ર્વ આશ્ર્ચર્યચકિત હતી કે ભારતે પરીક્ષાણો કર્યા અને કોઈ સંદેહ રાખ્યા વગર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કોઈપણ સામાન્ય નેતા હોત તો ઝૂકી જાત. પરંતુ અટલજી અલગ હતા. અને શું થયું? ભારત મક્કમ અને દ્રઢ રહ્યું અને સરકારે બે દિવસ પછી 13 મેનાં રોજ ફરીથી પરીક્ષણ કરવાનું આહવાન કર્યું. જો 11 મેના પરીક્ષણો વૈજ્ઞાનિક કૌશલ દેખાડ્યું. તો 13 મેના પરીક્ષણોએ સાચા નેતૃત્વનો પરિચય આપ્યો. તે વિશ્ર્વને એક સંદેશ હતો કે તે દિવસો ગયા જ્યારે ભારત ધમકીઓ અથવા દબાણ હેઠળ ઝુકી જતું હતું. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરવા છતાં, વાજપેયીજીની તાત્કાલીન એનડીએ સરકાર મક્કમ રહી અને પોતાની સંપ્રભુતાની રક્ષા માટેના ભારતના અધિકારને સ્પષ્ટ કરતાની સાથે સાથે વિશ્ર્વ શાંતિના સૌથી પ્રબળ સમર્થક પણ રહ્યા હતા.
અટલજી ભારતીય લોકશાહીને સમજતા હતા અને તેને મજબૂત બનાવવાની જરૂરિયાત પણ સમજતા હતા. અટલજીએ એનડીએના નિર્માણની અધ્યક્ષતા કરી હતી. જેણે ભારતીય રાજકારણમાં ગઠબંધનને ફરીથી પરિભાષિત કર્યું હતું. તેઓ લોકોને સાથે લાવ્યા અને એનડીએને વિકાસ રાષ્ટ્રીય પ્રગતિ અને પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓ માટે એક બળ બનાવ્યું, તેમની સંસદીય પ્રતિભા તેમના સમગ્ર રાજકીય-સફર દરમિયાન જોવા મળી હતી. તેઓ મુઠ્ઠીભર સાંસદો ધરાવતી પાર્ટીમાંથી હતી. પરંતુ તેમના શબ્દો તે સમયની સર્વશક્તિમાન કોંગ્રેસ પાર્ટીની શક્તિને હચમચાવી નાખવા માટે પુરતા હતા. પ્રધાનમંત્રી તરીકે તેમણે આગવી શૈલી અને સાર્થકતાની સાથે વિપક્ષની નિંદાઓને સણસણતા જવાબ આપ્યા હતા.
તેઓ તકવાદી રીતે સત્તાને વળગી રહેનારાઓમાંથી ન હતા. તેમણે હોર્સ-ટ્રેડિંગ અને ગંદા રાજકારણ માર્ગને અનુસરવાને બદલે 1996માં રાજીનામું આપવાનું પસંદ કર્યું. 1999માં તેમની સરકાર 1 મતથી પરાજય પામી હતી. ઘણા લોકોએ તેમને ત્યારે કહ્યું હતું કે તેઓ તે સમયે ચાલી રહેલા અનૈતિક રાજકારણને પડકારે, પરંતુ તેમણે નિયમોનું પાલન કરવાનું પસંદ કર્યું. અંતે તેઓ લોકો પાસેથી વધુ એક પ્રચંડ જનાદેશ સાથે પરત ફર્યા હતા.
જ્યારે આપણા બંધારણની રક્ષા કરવાની પ્રતિબદ્ધતાની વાત આવે છે, ત્યારે અટલજી સૌથી આગળ ઊભા હોય છે. તેઓ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની શહાદતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. વર્ષો પછી તેઓ કટોકટી વિરોધી ચળવળના આધારસ્તંભ હતા. કટોકટી પછી 1977ની ચૂંટણીમાં, તેઓ જનતા પાર્ટીમાં પોતાની પાર્ટી (જનસંઘ)નું વિલીનીકરણ કરવા સંમત થયા હતા. મને ખાતરી છે કે તે તેમના માટે અને અન્ય લોકો માટે એક દુ:ખદાયક નિર્ણય રહ્યો હશે. પરંતુ બંધારણની રક્ષા કરવી એ તેમના માટે મહત્વનું હતું.
અટલજીનું વ્યક્તિત્વ ચુંબકીય હતું અને તેમનું જીવન સાહિત્ય અને અભિવ્યક્તિ પ્રત્યેના તેમના પ્રેમથી સમૃદ્ધ હતું. એક પ્રસિદ્ધ લેખક અને કવિ તરીકે તેમણે શબ્દોનો ઉપયોગ પ્રેરણા આપવા, વિચારોને બહાર લાવવા અને ત્યાં સુધી કે સાંત્વના આપવા માટે કર્યોં. તેમની કવિતા જે ઘણીવાર તેમના આંતરિક સંઘર્ષ અને રાષ્ટ્ર માટેની આશાઓનું પ્રતિબિંબ પાડે છે. જે તમામ વય જૂથોના લોકો સાથે ગુંજતી રહે છે.
મારા જેવા ઘણા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓનું આ સૌભાગ્ય છે કે અમને અટલજી જેવી વ્યક્તિ પાસેથી શીખવાનું અને તેમની સાથે વાતચીત કરવાની તક મળી. ભાજપમાં તેમનું યોગદાન આધારભૂત હતું. તે દિવસોમાં કોંગ્રેસના વર્ચસ્વને ખતમ કરવા માટે વૈકલ્પિક નેરેટિવનું નેતૃત્વ કરવું તેમની મહાનતાને દર્શાવે છે. લાલકૃષ્ણ અડવાણીજી અને ડો.મુરલી મનોહર જોશીજી જેવા દિગ્ગજની સાથે તેમણે પાર્ટીને તેના શરૂઆતના વર્ષોમાં પોષિત કર્યું. પડકારો, અસફળતાઓ અને જીતના માધ્યમથી તેનું માર્ગદર્શન કર્યું. જ્યારે પણ વિચારધારા અને સત્તા વચ્ચે પસંદગી આવી ત્યારે તેમણે હંમેશા વિચારધારાની પસંદગી કરી હતી. તેઓ રાષ્ટ્રને તે સમજાવવામાં સક્ષમ હતા કે કોંગ્રેસથી અલગ એક વૈકલ્પિક વૈશ્ર્વિક દ્રષ્ટિકોણ શક્ય છે અને આવો વૈશ્ર્વિક દ્રષ્ટિકોણ પરિણામ આપી શકે છે.
તેમની 100મી જયંતિ પર, ચાલો, આપણે તેમના આદર્શોને સાકાર કરવા અને ભારત માટેના તેમના વિઝનને પરિપૂર્ણ કરવા માટે પોતાને ફરીથી સમર્પિત કરીએ. ચાલો આપણે એક એવા ભારતનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ જે તેમના સુશાસન, એકતા અને પ્રગતિના સિદ્ધાંતોને મૂર્તિમંત કરે. આપણા રાષ્ટ્રની ક્ષમતામાં અટલજીની અતૂટ શ્રદ્ધા આપણને ઉચ્ચ લક્ષ્ય રાખવા અને વધુ મહેનત કરવા પ્રેરણા આપે છે.