ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિયમિત પ્રયાસોના ભાગરૂપે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)ની નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ત્રિ- દિવસીય અખિલ ભારતીય કાર્યકર્તા સંગોષ્ઠી યોજાઈ રહી છે. જેમાં દેશભરનાં 33 પ્રાંતના શિક્ષણ સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી પ્રો.ડો. કુબેરભાઈ ડીંડોરે ઉપસ્થિત રહી મૂલ્ય આધારિત શિક્ષણનું મહત્વ અને તેના થકી વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનાં આયામો તેમજ ગુજરાતમાં અમલી શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. આ રાષ્ટ્રીય કક્ષાની બેઠક 23મી ડિસેમ્બરથી શરૂ થઈ હતી. રાષ્ટ્ર કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજની ભાવના સાથે નવમું અધિવેશન એકતાનગર ખાતે યોજાયું હતું.
જેમાં સમગ્ર ભારતમાંથી ઓલ ઈન્ડિયા ટીમના સભ્યોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં સંગઠનાત્મક મુદ્દાઓ અને રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેની ભવિષ્યની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેનો લાભ વિદ્યાર્થીઓને થશે અને દેશના યોગદાનમાં મહત્વની ભૂમિકા સાબિત થશે. ત્રિ-દિવસીય શિબિરના બીજા દિવસે ઉપસ્થિત થયેલા મંત્રી કુબેરભાઈ ડીંડોર સહિત અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રજ્લવન બાદ મંત્રીએ તેઓના ઉદબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શિક્ષણમાં ગહન સંશોધન બાદ રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 લાગુ કરી છે. તેનો સમગ્ર દેશમાં સુવ્યવસ્થિત અમલીકરણ માટે અનેક તબક્કે પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવી શિક્ષણ નીતિનું અમલીકરણ થઈ રહ્યું છે. શિક્ષણ મંત્રીએ ગુજરાત સરકારની આ પહેલની પ્રશંસા કરી હતી. જેમાં ભારતના સાચા ઈતિહાસને અભ્યાસક્રમમાં સામેલ કરાયું છે. શિક્ષણ ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ માટે સરકાર અને ABRSM જેવી સંસ્થાઓ વચ્ચે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર પણ મંત્રીશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, નવી પેઢીને નૈતિક રીતે મજબૂત અને સાંસ્કૃતિક રીતે પ્રસ્થાપિત કરવા માટેના મૂલ્ય આધારિત શિક્ષણને અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “શિક્ષણ માત્ર શૈક્ષણિક મુદ્દાઓ પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ તેમાં મૂલ્યો, નૈતિકતા અને વિદ્યાર્થીઓમાં જવાબદારીની સંઘ ભાવનાનો સંચાર થાય તેવું હોવું જોઈએ. ABRSM જેવી સંસ્થાઓ ભારતીય શિક્ષણ પદ્ધતિ અને વારસાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો મને વિશ્વાસ છે. આ વેળાએ ABRSMના મહામંત્રી પ્રો. ગીતા ભટ્ટે બેઠકના ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડતા સંગઠનના લક્ષ્યોને હાંસલ કરવા માટે સભ્યો વચ્ચે સહકાર અને પ્રતિબદ્ધતાની મહત્વતા અંગે જાણકારી આપી હતી.
આ બેઠકમાં ABRSMના અધ્યક્ષ પ્રો. નારાયણલાલ ગુપ્તા, ABRSMના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મહેન્દ્ર કપૂર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહેન્દ્રકુમાર, રાષ્ટ્રીય સંયુક્ત સંગઠન સચિવ જી. લક્ષ્મણજી સહિત દેશભરના 33 પ્રાંતમાંથી હાજર શિક્ષકોએ મુખ્ય શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બાદમાં મંત્રીએ સહકાર ભવન ખાતે જ ખેડા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘના શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમં ઉપસ્થિત થઈને શિક્ષણના સારસ્વતોને પ્રેરક માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ વેળાએ મંત્રીએ જણાવ્યું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપતી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં વધું સારુ કઈ રીતે કરી શકાય તે માટે થઈ રહેલા કાર્યોના ચિંતન માટે એકત્ર થયા છીએ ત્યારે સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યને વધુ મજબૂતાઈથી આગળ ધપાવવા માટે સાચા અર્થમાં દલિત, આદિવાસી અને ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થાઓને પણ આગળ લઈ જવી છે.
તેમાં શાળાના આચાર્યઓની પણ વિશેષ જવાબદારી બને છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કેડરની ભરતી પ્રક્રિયામાં અગ્રેસર થઈને ઉચ્ચ હોદ્દા સુધી જઈ શકે તે માટેના તમામ પ્રયાસો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરેલા વિકસીત ભારત-2047ના સંકલ્પને સિદ્ધ કરવામાં આપણી ભાગીદારી નોંધાવીએ તે માટે બાળકોને સજ્જ બનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે.પી.પટેલ, ખેડા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ રજનીભાઈ, દિનેશભાઈ, રાકેશ પંડ્યા, નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશ વસાવા, નર્મદા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશ પટેલ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર સહિત ખેડા જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારો અને શાળાના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.