- મોબાઈલ મેમોગ્રાફી યુનિટ- સ્તન કેન્સરની પ્રારંભિક તપાસ તરફનું એક પગલું
ભરૂચ- સોમવાર- આજરોજ આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી હળપતીના હસ્તે હોટલ હયાત ખાતે સીએસઆર પ્રોજેક્ટ અંર્તગત દીપક ફેનોલિક્સ લીમીટેડના અનુદાનમાંથી મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે, મંત્રી પ્રસંગને અનુરૂપ પ્રેરણાસભર વાત કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી દેશની તમામ મહિલાઓના આરોગ્યની ચિંતા કરી અનેક જનકલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરી છે. આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બની રહે તે માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. વંચિતો સહિત છેવાડાના જન સુધી આયુષ્યમાન કાર્ડ યોજના રામબાણ સાબિત થઈ રહી છે. લોકોને કેન્સર સામે આયુષ્યમાન યોજના આરોગ્યનું કવચ બની છે.
વધુમાં, તેમણે કહ્યું કે, આજના સમયે કેન્સરનું પ્રમાણ કેમ આટલું વધી રહ્યું છે તે પણ વિચારવું જેવું છે ત્યારે આજની આધુનિક જીવનશૈલી અને ખોરાક પણ તેના મહત્વના પરિબળો છે. ત્યારે પ્રાકૃતિક ખેતી અને તેની ઉપજોનો આહારમાં વધુને વધુ ઉપયોગ તંદુરસ્ત જીવન સહિત કેન્સર સામે રક્ષણ પુરૂ પાડશે. અંતમાં મંત્રીશ્રીએ, મોબાઈલ મેમોગ્રાફી યુનિટની આ પહેલ માટે દીપક ફાઉન્ડેશના તમામ સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચના અંતરિયાળ વિસ્તારની મહિલાઓ માટે સ્તન કેન્સરની શોધ અને નિદાનની અસકકારક સારવાર માટે પ્રારંભિક તપાસ ખૂબ મહત્વપૂર્ણ છે. અને આ પહેલ સ્તન કેન્સર તેના પ્રારંભિક તબક્કામાં ઓળખીને જીવન બચાવવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ ધારાસભ્ય સર્વે રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, અને અરૂણસિંહ રણાએ પણ પ્રાસંગોચિત ઉદબોધનમાં આરોગ્યની ચિંતા કરતા દીપક ફાઉન્ડેશની સરાહનિય પ્રવૃતિઓને બિરદાવી હતી. કાર્યક્રમના પ્રારંભે દીપક ફાઉન્ડેશનના નાયબ નિયામકશ્રી ડૉ. આકાશકુમાર લાલે ફાઉન્ડેશની વિવિધ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
અંતમાં, ઉપસ્થિત તમામ મહાનુભાવોએ મોબાઈલ મેમોગ્રાફી યુનિટનું નિરિક્ષણ કર્યું હતું અને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, મોબાઈલ મેમોગ્રાફી યુનિટ સીએસઆર પ્રોજેક્ટને દીપક ફેનોલિક્સ લીમીટેડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું અને દીપક ફાઉન્ડેશન દ્વારા તેને અમલમાં મૂકવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાના વંચિત સમુદાયોમાં પ્રારંભિક સ્તન કેન્સરની શોધ અને નિદાનને સુધારવાના હેતુથી એક મહત્વપૂર્ણ આરોગ્ય સંભાળની પહેલ છે. આ મોબાઇલ યુનિટ અંતરિયાળ વિસ્તારોમાં આવશ્યક નિદાન સેવાઓ પૂરી પાડશે. આમ મોબાઈલ મેમોગ્રાફી યુનિટ મહિલાઓને તેના પ્રારંભિક તબક્કામાં સ્તન કેન્સરને શોધી કાઢવાની ક્ષમતા સાથે સશક્તિકરણ પણ કરશે. આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય સર્વેઓ અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, દીપક ફાઉન્ડેશના ટ્રસ્ટી, ડૉ. જાઈ પવાર, દીપક ફાઉન્ડેશનના નિયામક ડૉ. આકાશકુમાર લાલ, નાયબ નિયામક, દીપક ફાઉન્ડેશન, નિર્મલસિંહ, સીએસઆર નોડલ ઓફિસર, દીપક ગ્રુપ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.