પ્રથમ યાદી જાહેર કર્યાની બીજી મિનિટે સ્થગિત કરાયા બાદ સોમવારે મોડી રાત્રે શહેરના 18 વોર્ડ પૈકી 17 વોર્ડના પ્રમુખના નામ ભાજપે કર્યા જાહેર: બે મહિના પહેલા રાજીનામું આપી દીધા બાદ ઇન્દુભા જાડેજાએ ફરી વોર્ડ નં.17ના પ્રમુખપદ માટે ફોર્મ ભરતા મામલો ગરમાયો: વોર્ડ પ્રમુખમાં રઘુવંશીઓને ફરી અન્યાય: પાટીદાર, બ્રાહ્મણો, ઓબીસી અને ક્ષત્રિય સમાજને સ્થાન
ભાજપ દ્વારા હાલ સંગઠન પર્વ અંતર્ગત મંડલ રચનાની કામગીરી ચાલી રહી છે. ગઇકાલે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા કેટલાક જિલ્લા અને મહાનગરોના મંડલોના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરના 18 વોર્ડ માટે પ્રથમ યાદી જાહેર કરાયા બાદ બીજી જ મિનિટે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. બે કલાક બાદ મોડી રાત્રે 18 પૈકી 17 વોર્ડના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.17ના પ્રમુખનું નામ જાહેર કરાયું નથી. જે હવે ગમે ત્યારે જાહેર કરાશે. વોર્ડ નં.4, 5, 6 અને 15ના પ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે. રઘુવંશી સમાજને વધુ એક વખત અન્યાય થયો છે. એકપણ વોર્ડનું પ્રમુખ પદ રઘુવંશીઓને આપવામાં આવ્યું નથી. પાટીદાર, બ્રાહ્મણ, ઓબીસી અને ક્ષત્રિય સમાજને પ્રમુખ પદ મળ્યું છે.
વોર્ડ નં.4ના પ્રમુખ પદે કાનજીભાઇ માનસિંગભાઇ ડડૈયા, વોર્ડ નં.5ના પ્રમુખ પદે પરેશભાઇ લીંબાસિયા, વોર્ડ નં.6ના પ્રમુખ પદે અંકિત બાબુભાઇ દુધાત્રા અને વોર્ડ નં.15ના પ્રમુખ પદે મયુર પાંચાભાઇ વજકાણીને ભાજપે ફરી રિપીટ કર્યા છે. આ તમામ 40 વર્ષથી વધુની વય ધરાવે છે. તેઓને ખાસ કિસ્સામાં તેઓની કામગીરીને ધ્યાનમાં રાખીને રિપીટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોર્ડ નં.17ના પ્રમુખનું નામ હાલ જાહેર કરવામાં આવ્યું નથી. આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન વોર્ડ નં.17માં કોરમ મુજબ ત્રણથી ઓછા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ ઉપરાંત અગાઉ બે મહિના પૂર્વે ઇન્દુભા જાડેજાએ વોર્ડના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. દરમિયાન તેઓનું રાજીનામું નામંજૂર કરી તેઓને પ્રમુખ પદે ચાલુ રાખવામાં આવ્યા હતા. તેઓએ ફરી પ્રમુખ પદ માટે દાવેદારી કરી હતી. વોર્ડમાં કોરમ પુરૂં ન થવા સહિતના કારણોને ધ્યાનમાં રાખી પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જેના માટે હવે નવેસરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્દુભા જાડેજાએ રાજીનામું આપી દીધા બાદ ફરી પ્રમુખ બનવા માટે દાવેદારી કરતા વોર્ડમાં થોડો અસંતોષ જોવા મળતો હતો અને તેઓનું ફોર્મ માન્ય રાખવું ન જોઇએ તેવી પણ માંગણી અને લાગણી ઉઠી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં વોર્ડ મેમ્બર-17ના પ્રમુખનું નામ જાહેર ન કરવામાં આવ્યું હોવાનું મનાઇ રહ્યું છે.
વોર્ડ નં.1ના પ્રમુખ તરીકે જયરાજસિંહ ગજુભા જાડેજા, વોર્ડ નં.2ના પ્રમુખ તરીકે ભાવેશભાઇ ટોયટા, વોર્ડ નં.3ના પ્રમુખ તરીકે રણધીરભાઇ ઉકરડાભાઇ સોનારા, વોર્ડ નં.4ના પ્રમુખ તરીકે કાનજીભાઇ માનસિંગભાઇ ડડૈયા, વોર્ડ નં.5ના પ્રમુખ તરીકે પરેશભાઇ ખોડાભાઇ લીંબાસિયા, વોર્ડ નં.6ના પ્રમુખ તરીકે અંકિતભાઇ બાબુભાઇ દુધાત્રા, વોર્ડ નં.7ના પ્રમુખ તરીકે વિશાલભાઇ પ્રબોધચંદ્ર માંડલીયા, વોર્ડ નં.8ના પ્રમુખ તરીકે દેવકરણ ગંગાદાસ જોગરાણા, વોર્ડ નં.9ના પ્રમુખ તરીકે હિરેન મનસુખભાઇ સાપરીયા, વોર્ડ નં.10ના પ્રમુખ તરીકે જયેશભાઇ મનસુખભાઇ ચોવટીયા, વોર્ડ નં.11ના પ્રમુખ તરીકે હિરેન ભીખુભાઇ મુંગપરા, વોર્ડ નં.12ના પ્રમુખ તરીકે જયેશકુમાર જગદીશભાઇ પંડ્યા, વોર્ડ નં.13ના પ્રમુખ તરીકે સંદીપ વ્રજલાલ અંબાસાણા, વોર્ડ નં.14ના પ્રમુખ તરીકે પવનકુમાર દિનેશભાઇ સુતરીયા, વોર્ડ નં.15ના પ્રમુખ તરીકે મયુરભાઇ પાંચાભાઇ વજકાણી, વોર્ડ નં.16ના પ્રમુખ તરીકે ખોડાભાઇ (હસુભાઇ) ગોકળભાઇ કાચા અને વોર્ડ નં.18ના પ્રમુખ તરીકે અનિલભાઇ જશમતભાઇ દોંગાની નિયુક્તી કરવામાં આવી છે. એકમાત્ર વોર્ડ નં.17ના પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જે હવે નવેસરથી ચુંટણી પ્રક્રિયા હાથ ધર્યા બાદ કરવામાં આવે તેવી સંભાવના દેખાઇ રહી છે.