- ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરવો ભારે પડી ગયો
- એસએમસીએ તપાસ કરી અલગ અલગ ચાર આઈડીના ધારકો વિરુદ્ધ બનાસકાંઠામાં ફરિયાદ નોંધાવી
દારૂબંદી ધરાવતા ગુજરાતમાં ખુલ્લેઆમ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડીએ છીએ તેવો ઇન્સ્ટાગ્રામમાં કેટલાક લોકોએ રિલ બનાવીને ગુજરાત પોલીસને પડકાર ફેક્યો હતો. જે મામલે સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપવામાં આવ્યા બાદ એસએમસીએ વિડીયોની તપાસ કરી બુટલેગર, ડ્રાયવર સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.
આમ તો રાજ્યભરમાં દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી અને સૌથી મોટી વાત એ છે કે, શરાબના સોદાગરોની ચેલેન્જ મુદ્દે પોલીસે એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઈન્સ્ટાગ્રામ આઈડીથી દારૂ ઘૂસાડવાના વીડિયો અપલોડ કરનારા સામે બનાસકાંઠાના ધાનેરા અને આગથળા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પોલીસે બુટલેગર અને ગાડીના ડ્રાઈવર સહિતનાઓ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. હકીકત એવી પણ સામે આવી કે બે ઈન્સ્ટાગ્રામ આઈડી તો સગીર ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં જે લોકોએ વિદેશી દારૂનો જથ્થો તથા કારની અંદર દારૂનો જથ્થો ભરેલ ક્ધટેન્ટવાળા વાંધાજનક અલગ-અલગ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા હતાં. જેમાં ચાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધ્યાને આવતા સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપવામાં આવી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલને દ્વારા તપાસ કરવામાં આવતા એક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી બાળ કિશોર ચલાવતો હતો જયારે એક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી બુટલેગર દશરથ આલાભાઈ ઠાકોર, રહે.લવાણા ગામ, ડ્રાઈવર ભુદરભાઈ મોતીભાઈ માજીરાણા, રહે.લવાણા ગામ, ઈન્દીરાનગરી, તા.લાખણી, જિ.બનાસકાંઠા અને તેમની સાથે સંકળાયેલ ઈસમો તેમજ તપાસ દરમિયાન મળી આવી હતી. આ તમામ વિરૂધ્ધ બનાસકાંઠા જિલ્લાના આગથળા ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000 ની કલમ-66(સી) તથા પ્રોહી.એક્ટ કલમ-75 તથા ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ- 57 મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
વધુમાં ત્રીજું ઇન્સ્ટાગ્રામ આઇડી પણ સગીર ચલાવતો હતો જયારે અન્ય એક આઇડી સ્વરૂપસિંહ માધવસિંહ દેવીસિંહ લવારા (રહે.લવારા ગામ, તા.ધાનેરા, જિ.બનાસકાંઠા) સાથે સંકળાયેલ ઈસમો સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000 ની કલમ-66(સી) તથા પ્રોહી.એક્ટ કલમ-75 તથા ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-57 મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી 30 હજારની કિંમતના 3 નંગ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યાં છે.