- ટેગમાં નંબર અને પાંખોમાં અજાણી ભાષામાં લખેલી જણાતા તપાસનો ધમધમાટ
માંગરોળ બંદરેથી ગત રાત્રીના પગમાં નંબરો લખેલું ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં કશુંક લખેલું શંકાસ્પદ કબુતર મળી આવતા ભારે રહસ્ય સર્જાયું હતું. કબુતર મરીન પોલીસને સોંપી દેવાયા બાદ ડીવાયએસપી દિનેશ કોડીયાતરે જણાવ્યું હતું કે નેવી ઇન્ટેલિજન્સ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓના મતે આ રેસિંગવાળા કબુતરો પૈકીનું એક છે. તપાસમાં કશું વાંધાજનક મળ્યું નથી. તેમ છતાં આ બાબતે ઝીણવટભરી તપાસ ચાલુ છે.
જુના બંદર વિસ્તારમાં યુવાનોની નજરે શંકાસ્પદ હાલતમાં કબુતર નજરે પડ્યું હતું. પગમાં ટેગ મારેલું કબુતર થાકેલું હોય, ઉંડી શકતું ન હતું. યુવાનોએ તેને પકડી તપાસતા એક પગમાં પીળા કલરના ટેગમાં આંકડામાં 305115 તેમજ 2024 લખેલું હોવાનું તથા તેના બીજા પગમાં પણ કોઈ વસ્તુ હોવાનું ધ્યાને આવ્યું હતું. કબુતરની પાંખોમાં અજાણી ભાષામાં કશુંક લખેલું હતું. ત્યારબાદ આ અંગે મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી અને કબુતર પોલીસને સોંપી દેવાયું હતું. દરીયાકાંઠે શંકાસ્પદ હાલતમાં કબુતર મળી આવતા મામલાની ગંભીરતા પારખી પોલીસ સતર્ક થઈ હતી. મરીન પીઆઈ જાદવ, ડીવાયએસપી કોડીયાતર, એસઓજી ઉપરાંત કોસ્ટગાર્ડ, નેવી સહિતનાઓ વચ્ચે સંકલન સાથે તપાસનો ધમધમાટ સતત ચાલુ રહ્યો હતો. પોલીસના મતે પ્રાથમિક તબક્કે કોઈ જાસુસી એંગલ કે વાંધાજનક કહી શકાય તેવું જણાતું નથી. જે તે વિસ્તારમાં કબુતરોની યોજાતી હરીફાઈ દરમ્યાન આ કબુતર અહીં આવી ચઢ્યું હોવાની શક્યતા છે.