- પખવાડિયામાં લાખો ભાવિકો મુલાકાત લેશે
ગત વીકેન્ડથી અનઓફીશીયલી શરૂ થઈ ગયેલા ક્રિસમસના વેકેશનમાં યાત્રાધામ દ્વારકા સહેલાણીઓની પ્રથમ પસંદ બની રહ્યુ છે. ખાસ કરીને ગુજરાતીઓ માનીતા પ્રવાસન સ્થળ તરીકે દ્વારકાધીશના દર્શનની સાથોસાથ શીવરાજપુર બીચ, સુદર્શન સેતુનો લુત્ફ ઉઠાવવા દ્વારકા પ્રવાસને પ્રાધાન્ય આપી રહયા છે. આમ તો હવે વર્ષ દરમ્યાન દ્વારકામાં યાત્રાળુઓનો પ્રવાહ જોવા મળતો હોય છે પરન્તુ જન્માષ્ટમી, દિપાવલી, ફુલડોલ ઉત્સવ તથા ક્રિસમસના વેકેશનમાં દર્શનાર્થીઓ સાથે સહેલાણીઓનું ઘોડાપુર ઉમટતું હોય દ્વારકા બેટ દ્વારકા સહિતના યાત્રાધામ તેમજ પર્યટન સ્થળોમાં આગામી પખવાડિયામાં લાખો દર્શનાર્થીઓ તથા સહેલાણીઓએ યાત્રાધામમાં દર્શન તથા પ્રવાસનનો લાભ લેનાર હોય હોટલ ગેસ્ટહાઉસમાં હાઉસ ફુલના બોર્ડ જોવા મળી રહયા છે તો બજારોમાં પ્રવાસીઓની ભીડ જોતા રોનક છવાઈ હોય વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.
હોટેલ – ટ્રાવેલ્સ – રેસ્ટોરન્ટના ધંધામાં તેજી
ડિસેમ્બર માસના ઉત્તરાર્ધથી જ યાત્રાધામ દ્વારકામાં ટુરીસ્ટની ચહલ પહલ જોવા મળી રહી છે અને મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહયો છે.સ્ટાર કેટેગરીની હોટલોમાં એકાદ સપ્તાહથી બુકીંગ કુલ છે ત્યારે અન્ય હોટેલ, ગેસ્ટહાઉસ, ભવન, હોમ-સ્ટે વિગેરેમાં પણ જબરદસ્ત બુકીંગ નોંધાયા છે જેના કારણે યાત્રાળુઓની વ્યાપક ભીડભાડને લીધે ટ્રાવેલ્સના ધંધાર્થીઓ માટે પણ તેજીની સીઝન ખૂલી હોય તેમ હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા
નાતાલના ટ્રાફીકમાં દર વર્ષે લાખો ભાવિકો તથા સહેલાણીઓ યાત્રાધામ દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, રૂકિમણી મંદિર, ગોપી તળાવ જેવા ધાર્મિક સ્થળો તેમજ શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ સહિતના સહેલાણીઓને મનોરંજન આપતા સ્થળોની મુલાકાતે આવનાર હોય તેમજ આ વખતે ગુજરાતી ઉપરાંત હિન્દી બેલ્ટના રાજયોના ભાવિકો તથા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવી રહયા છે ત્યારે જન્માષ્ટમી – દિપાવલીના તહેવારોમાં વિશેષ ભીડ માટે જે રીતે વ્યવસ્થા ગોઠવાય છે તે જ રીતે નાતાલના તહેવારોમાં પણ યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તેવી અલાયદી વ્યવસ્થા પ્રશાસન દ્વારા ગોઠવવામાં આવી રહી છે
સહેલાણીઓમાં બીચ સર્કિટ હોટ ફેવરીટ
નાતાલના મીની વેકેશનમાં આ વર્ષે દ્વારકા યાત્રાધામમાં 80 થી 100 જેટલી વિદ્યાર્થી ટુર આવી રહી છે ત્યારે યાત્રાધામ દ્વારકાના ભડકેશ્વર બીચ, સનસેટ પોઈન્ટ, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, સંગમનારાયણ બીચ તેમજ દ્વારકાથી બેટ દ્વારકા સુધીના શિવરાપુર બીચ, મોમાઈ બીચ, બેટ દ્વારકાના વિવિધ બીચ વગેરે ટુરીસ્ટ સ્થળો વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લઈ દરીયાઈ જીવસૃષ્ટિના અભ્યાસ સાથે પ્રવાસન સ્થળોનો લુત્ફ ઉઠાવનાર છે.
દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીને વિશેષ મનોરથ દર્શન
નાતાલની તહેવારની સીઝનમાં દ્વારકાધીશ જગતમંદિરમાં દરરોજ ચઢાવવામાં આવતી છ ધ્વજાજીમાં પણ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને સમાજશ્રેષ્ઠીઓની ધ્વજાજી ચઢાવવામાં આવનાર હોય તેમજ આ તહેવારોમાં ઠાકોરજીને કુંડલા ભોગ, છપ્પન ભોગ, કુનવારા ભોગ, સુકા મેવા મનોરથ વિગેરે મનોરથો પણ યોજાનાર હોય જગતમંદિરમાં હજારો દર્શનાર્થીઓને વિવિધ મનોરથોનો વિશેષ માહોલ જોવા મળશે.
સનાતન સમાજમાં વ્યસનમુકિત માટે રાજસ્થાનના ભાવિક દ્વારા 1351 કીમીની દ્વારકા યાત્રાધામની દંડવત યાત્રા
રાજસ્થાનના બિકાનેરથી સાહીરામ નામના સનાતનધર્મીએ 11 માસ સુધી સતત યાત્રાધામ દ્વારકાની 1351 કિમીની યાત્રા પૂર્ણ કરી આજે દ્વારકા યાત્રાધામ ખાતે પધાર્યા છે. સનાતન સમાજમાં સુખશાંતિ સાથે વ્યસનમુકિત આવે તે માટે તેમણે કઠિન દંડવત યાત્રા કરી છે. યાત્રાધામ દ્વારકા એ હિન્દુ સનાતનધર્મીઓનું પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર હોય દર વર્ષે લાખો શ્રધ્ધાળુંઓ યાત્રાધામમાં ઠાકોરજીના દર્શનાર્થે રેલ – રોડ ઈત્યાદિ માર્ગે પધારતા હોય છે તો દર વર્ષે હજારો પગપાળા યાત્રાળુંઓ પણ ઠાકોરજીના દર્શને દેશના વિવિધ ક્ષેત્રોથી પધારતા હોય છે. રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લાલેરા ધામના સાહીરામ નામના ભાવિક દ્વારા 19મી ફેબ્રુઆરી, 2024 ના રોજ દ્વારકા યાત્રાધામની દંડવત યાત્રા શરૂ કરી આશરે 1300 કિમી જેટલો પ્રવાસ દંડવત યાત્રા કર્યા બાદ છેલ્લાં 51 કિમીનો પ્રવાસ વધુ કઠિન બનાવી પેટે પલાણ કરી એટલે કે પેટથી ઘસડાઈને પૂર્ણ કરી આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચ્યા છે. આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચી ઠાકોરજીના દર્શન કરી હિન્દુ સનાતન ધર્મમાં દારૂ નામના વ્યાપેલા દુષણથી મુકિત મળે અને સમાજ સનાતન ધર્મના રીત-ભાત સમજી તેનું ચુસ્તતાપૂર્વક પાલન કરે તેમજ દરેક સમાજના ઘરોમાં સુખ-શાંતિ રહે તે માટે ઠાકોરજીને પ્રાર્થના કરી છે.
સુદર્શન સેતુના ઓખાના છેડેથી દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
નાતાલના તહેવાર દરમ્યાન દ્વારકા શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તેમને મળેલ સત્તાની રૂએ તા.31-12 સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી દ્વારકાધીશ મંદીર બેટ સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.કલેકટર કચેરી અથવા પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને તેમજ ઇમરજન્સી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં.
દરીયાઈ પટ્ટીમાં વીન્ટર કેમ્પનું આયોજન
નાતાલના તહેવારોમાં યાત્રાધામ દ્વારકા ઉપરાંત કરીયાઈ પટ્ટીના શિવરાજપુર બીચ, બેટ દ્વારકા સહિતના સ્થળો પર દર વર્ષની જેમ ટુરીસ્ટ કેમ્પ પણ યોજાઈ રહયા હોય દરીયાઈ જીવસૃષ્ટિ નિહાળનારા સહેલાણીઓ સહિત યાત્રીકોનો માનવ મહેરામણ ઉમટતો જોવા મળી રહ્યો છે જે સ્થિતિ લગભગ 10 જાન્યુઆરી સુધી જોવા મળે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.