- સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અસરકારક રીતે થાય તે પ્રકારે કામગીરી કરવા સાંસદનું લગત અધિકારીઓને સૂચન
જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ જામનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અને સરકારની યોજનાઓ અને તેમના અમલીકરણની માહિતી મેળવી અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સાંસદ પૂનમબેન માડમે આ બેઠકમાં રેલ્વે વિભાગને લગતા પ્રશ્નો, જામનગર મહાનગર પાલીકા હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરાગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પી.એમ.પોષણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વરછ ભારત મિશન(ગ્રામિણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના, મહાત્માગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ, ઈન્ટીગ્રેટેડ વોટરસેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા સમિતિ રહી છે. ત્યારે જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન-સમન્વય સાધીને ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ પ્રયાસો કરવા જોઈએ જેથી જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવી શકે. સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય તે માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યુ છે. સરકારની તમામ યોજનાઓ અને સહાયનો લાભ લાભાર્થીઓ સુધી વહેલી તકે પહોંચે તે દિશામાં કામગીરી કરવા માટે સાંસદએ લગત અધિકારીઓને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેકટર બી. કે. પંડયા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન, ડી.આર.ડી.એ. નિયામક શારદા કાથડ, રેલ્વે વિભાગના ડી.આર. એમ. ભાવનગર અને ડી.આર. એમ. રાજકોટ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો, આગેવાનો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા