- સુશાસન સપ્તાહની ઉજવણી
- જિલ્લાના મહતમ વિકાસ માટે દરેક વિભાગનો સહકાર જરૂરી બની રહેશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીના જન્મદિવસને સુસાશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા તારીખ 19 થી 25 ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય એ છે કે નાગરિકોના પ્રશ્નો કે જેનું નિરાકરણ બાકી હોય એનો જલ્દીથી સ્થાનિક કક્ષાએ નિકાલ આવે. તેમજ નાગરિકોને વડી કચેરી સુધી ધક્કો ખાવો ના પડે.
મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે જીલ્લા કક્ષાનો વર્કશોપ મોરબી જીલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2047 ને ધ્યાનમાં રાખીને આપણા જીલ્લાનો મહત્તમ વિકાસ થાય તે રીતે આપણું આયોજન થવું જોઈએ. જેમાં દરેક વિભાગનો સહકાર આવકાર્ય છે. ગુડ ગવર્નન્સ, ગુડ ગ્રિવાન્સિસ, ગુડ સર્વિસ ડિલીવરી સિસ્ટમ વિકસાવવી, ભાવિ વિકાસ સંદર્ભે નાગરિકોના પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને વિવિધ પગલાઓ હાથ ધરી વિકસિત મોરબી2047 નો સંકલ્પ સાકાર કરવાનો હેતુ છે.
આ ઉપરાંત જીલ્લા કલેકટરે આગળ જણાવ્યું હતું કે, શિક્ષણ શાખાના અધિકારી અઠવાડિયામાં 2 વાર તમામ શાળાઓમાં વારાફરતી સરપ્રાઈઝ ચેકિંગ કરે અને મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં તપાસ કરીને તેનું નિયમિત રિપોર્ટિંગ કરાવે. તેમજ શાળામાં તમામ સ્ટાફ સમયસર હાજર રહે તેવી વ્યવસ્થાનું પાલન થાય. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ વર્ગ- 1 ના અધિકારીઓ દ્વારા રાત્રીસભાનું આયોજન થાય તેવી કામગીરી ગોઠવવામાં આવશે. જેથી ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે ગ્રામજનોને દૂર સુધી જવું ના પડે.
જીલ્લા કલેકટરે બેઠકમાં સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે સિરામિકની ફેક્ટરીવાળા વિસ્તારોમાં તાડપત્રી બંધાવવી, રો- મટિરિયલ શેડમાં જ રાખવું અને વોટર સ્પ્રિકલિંગ કરાવવું જેથી વાતાવરણમાં ધૂળ અને રજકણ ઓછા ઊડે અને લોકોના આરોગ્ય પર ગંભીર અસર ના થાય.
છેલ્લા 3 વર્ષમાં મોરબી જીલ્લામાં એસ.એસ.સી. માં રાજ્ય કક્ષાએ દ્વિતીય કક્ષાએ, એચ.એસ.સી. જનરલ સ્ટ્રીમમાં તૃતીય કક્ષાએ, અને એચ.એસ.સી. સાયન્સ સ્ટ્રીમમાં રાજ્ય કક્ષાએ પ્રથમ કક્ષાએ સ્થાન મેળવ્યું છે. જે મોરબી જીલ્લા માટે ગૌરવની વાત છે.
જીલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ પર 3500 જેટલી ટ્રેકટર સહાયની અરજીઓ મળી છે. તેમજ 3500 જેટલી વિવિધ અન્ય સહાય માટે અરજીઓ આવી છે. કૃષિ રાહત પેકેજ અંતર્ગત રૂ.234 કરોડની સહાય મોરબી જીલ્લાના ખેડૂતોને આપવામાં આવી છે.
ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં રેડ ઝોનમાં 1329, ગ્રીન ઝોનમાં 879 અને ગ્રીન ઝોનમાં 1117 ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ તમામ ઇન્ડસ્ટ્રીઝનું નિયમિતપણે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જેનાથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણનું પ્રમાણ ઘટી શકે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત, કાર્યક્રમની રૂપરેખા અને કાર્યક્રમના અંતે આભાર વિધિ અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચરે કરી હતી. આ જીલ્લા કક્ષાના વર્કશોપમાં જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જીલ્લા વિકાસ અધિકારી(ઇન્ચાર્જ) અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, પ્રાંત અધિકારીઓ, નાયબ જીલ્લા વિકાસ અધિકારીઓ, આયોજન, મહેસૂલ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ સહિતની વિવિધ કચેરીઓ અને શાખાના ઉચ્ચ અધિકારીઓ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.