- મુખ્યમંત્રી છ વાર રાજકોટની મુલાકાતે આવ્યા: સહકારી, સામાજિક, સેવાકીય કાર્યોને પણ બિરદાવ્યા
વર્ષ 2024 વિદાય લઈ રહ્યું છે અને 2025ના આગમનની તૈયારીઓ થઈ રહી છે. આ સાથે વિદાય થઈ રહેલા વર્ષના સરવૈયા પર નજર ફેરવીએ તો, વર્ષ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના આંગણે પધારી રાજકોટ મહાનગર-જિલ્લાને રૂ. 1100 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે.
વર્ષ 2024માં વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્તની સાથે-સાથે સહકારી, સામાજિક, સેવાકીય કાર્યોને બિરદાવવા મુખ્યમંત્રીશ રાજકોટ જિલ્લાના આંગણે 06 વાર પધાર્યા હતા.
રાજકોટના વિંછિયામાં ગત 16મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 337.06 કરોડના સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ-9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેનાથી જસદણ-વિંછીયા પંથકને કરોડોના વિકાસકામોની ભેટ મળી છે. આ કામોમાં સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામો, અને ભાડલા તથા વિંછીયા ગ્રૂપ સુધારણા – જૂથ પાણી પૂરવઠા યોજનાના 139 કરોડના કામોનો સમાવેશ થાય છે. ઉપરાંત ઘેલો નદી પર રૂ.5.15 કરોડના ખર્ચે બનેલા મેજર બ્રિજ, આટકોટમાં રૂ. 2.11 કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડ, વિંછીયા ખાતે રૂ. 9.01 કરોડના ખર્ચે નિર્મિત નવી આઈ.ટી.આઈ.ના લોકાર્પણથી રાજ્ય સરકારે લોકોને ઘરઆંગણે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 13મી ડિસેમ્બરે રાજકોટ ખાતેથી રૂ. 569.19 કરોડનાં વિવિધ વિકાસકામો લોકાર્પણ તથા રૂ.224.26 કરોડનાં વિકાસ કામોના ખાતમુહૂર્ત મળીને કુલ 793.45 કરોડના કામોની લોકોને ભેટ આપી હતી. આ સાથે મુખ્યમંત્રીના હસ્તે અંદાજે 36.17 કરોડના ખર્ચે બનનારી રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતું. નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમનું ’સ્ટેટ ઓફ ધ આર્ટ’ એવું નવું જિલ્લા પંચાયત ભવન ચાર માળનું બનશે.
સેવા, સખાવત તથા ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક કાર્યોની સુવાસ સમાજમાં વધુ પ્રસરે તે માટે ગુજરાત સરકાર દ્વારા સદ્પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અપાય છે.
મુખ્યમંત્રીએ 13મી ડિસેમ્બરે રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ. 150 કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સાથે રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામ ખાતે 10 એકરમાં નિર્માણ પામનારા ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાવ્યું હતું. આ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ, પથારીવશ માવતરોને અપાતી સુવિધા તથા સંસ્થાની અનન્ય સેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગત 15મી ડિસેમ્બરે રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે યોજાયેલા ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ગાયત્રી આશ્રમ દ્વારા થતી ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિને સમાજ માટે ખૂબ જ ઉપયોગી ગણાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગત 29મી સપ્ટેમ્બરે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક સહિત જિલ્લાકક્ષાની સાત સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા-સમારોહ યોજાયો હતો. જેમાં ‘સહકારથી સમૃદ્ધિ’ માટે કાર્ય કરતી સહકારી સંસ્થાઓની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન 21મી જાન્યુઆરીના રોજ યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને સર્વ સમાજના લાભાર્થે અદ્યતન કેન્સર હોસ્પિટલ નિર્માણના ખોડલધામ ના કાર્યને બિરદાવ્યું હતું.ગત ઓગસ્ટ માસમાં ‘મારો તિરંગો મારી યાત્રા’ અંતર્ગત, 10મી ઓગસ્ટે કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાજી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય જળશક્તિમંત્રી શ્રી સી.આર. પાટીલે રેસકોર્સ ખાતેથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આમ, મુખ્યમંત્રીએ વર્ષ 2024માં રાજકોટ શહેર તથા જિલ્લાની મુલાકાત લઈ અનેક વિકાસ કાર્યો થકી નાગરિકોને વધુ સુવિધા મળે તે સુનિશ્ચિત કર્યું છે.