ગીર સોમનાથ: નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરી, ઇણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના કનેક્ટ ગુજરાત અભિયાન, ITI જિલ્લાના વિદ્યાર્થીઓને સ્કીલ બેઝ્ડ તાલીમ આપવા, એસ.ટી.ના બાકી બિલો, સ્વામિત્વ યોજના, વિશ્વકર્મા યોજના, સૂર્ય ઘર યોજના સહિતની સમીક્ષા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટરે નાગરિક કેન્દ્રિત યોજનાઓને સંતૃપ્તિ સુધી લઇ જવા માટે જિલ્લા દ્વારા કરવાનું આયોજન અને લક્ષ્યાંક સિધ્ધિ કેવી રીતે મેળવી શકાય તે વિશે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
ફરિયાદ સમિતિની બેઠકમાં એસ.ટી.ના અમૂક રૂટ નિયમિત રીતે ચલાવવા, સાંગોન્દ્ર અને સાસણ રેલવે ફાટકની લંબાઇ વધારવા, સૂત્રાપાડા તાલુકાના મટાણા ખાતે રસ્તો પહોંળો કરવા અને સરસ્વતી સાધના યોજનામાં આપવામાં આવેલી સાયકલો સહિતના પ્રશ્નો ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં. જેને લક્ષમાં લઇને આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે માટે નિવાસી અધિક કલેક્ટરએ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા મૂછાર, ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, કે.સી.રાઠોડ, મદદનીશ સંરક્ષક વિકાસ યાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા, પુરવઠા અધિકારી પારસ વાંદા અને નાયબ કલેક્ટર એફ.જે.માકડા, નાયબ ચૂંટણી અધિકારી જૈમિની ગઢિયા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કોટેચા