- ડેન્ગ્યૂના ચાર, ટાઇફોઇડના પાંચ અને મેલેરિયા તથા ચીકન ગુનિયાના એક-એક કેસ નોંધાયા: મચ્છરની ઉત્પતિ સબબ 381 આસામીઓને નોટિસ
- શિયાળાની કાતિલ ઠંડીમાં પણ રોગચાળો અડીખમ છે. ગત સપ્તાહે શહેરમાં તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 2061 કેસ નોંધાયા હતા. જ્યારે ડેન્ગ્યૂના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવાનું માલૂમ પડ્યું છે. મચ્છરોની ઉત્પતિ સબબ 381 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરની અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 1032 કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે. ચાલુ સાલ શરદી-ઉધરસના કેસનો આંક 50,000ને પાર થઇ ગયો છે. કુલ કેસ 50857 નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 838 કેસો અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી મળી આવ્યા છે. ઝાડા-ઉલ્ટીના માત્ર 186 કેસ નોંધાયા છે. ટાઇફોઇડ તાવે પણ સદી ફટકારી દીધી છે. ગત સપ્તાહે નવા પાંચ કેસ નોંધાતા ચાલુ સાલ ટાઇફોઇડના કેસનો આંક 101એ પહોંચી ગયો છે. ડેન્ગ્યૂના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ડેન્ગ્યૂના નવા ચાર કેસ મળી આવ્યા હતા. જ્યારે મેલેરિયા અને ચીકન ગુનિયાના એક-એક કેસ નોંધાયા છે. કમળો, મરડો કે કોલેરોનો નવો એકપણ કેસ મળ્યો નથી.
રોગચાળાના નાથવા માટે છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમો દ્વારા 32870 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ફિલ્ડવર્કરો દ્વારા 749 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય તેવા વિસ્તારો, મંદિરો, બગીચા, ખૂલ્લા પ્લોટ, સરકારી શાળાઓમાં માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરાયું હતું. મચ્છરોના ઉપદ્રવ સંદર્ભે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોસ્ટેલ, ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત કુલ 449 બિન રહેણાંક હેતુના સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 131 સ્થળોએ મચ્છરોના લારવા મળી આવ્યા હતા. તેઓને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત રહેણાંક હેતુના 250 સ્થળોએ મચ્છરોની ઉત્પતિ જણાતા તમામને નોટિસ આપવામાં આવી છે. શિયાળાની કાતિલ ઠંડીમાં પણ શરદી-ઉધરસ, સામાન્ય તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.