- ભચાઉ ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના પ્રમુખ ડીસીપી જગદીશ બંગરવા સહીતની હાજરીમાં કાર્યવાહી
શહેરના અલગ અલગ પોલીસ મથકમાં દાખલ થયેલા એનડીપીએસના કુલ 71 કેસોમાં કબ્જે લેવાયેલા રૂ. 83 લાખના માદક પદાર્થોનો ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમા નાશ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ એન.ડી.પી.એસ.ના કેસોના મુદ્દામાલનો નિકાલ કરવા માટે ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ તરીકે ડીસીપી જગદીશ બાંગરવા, સભ્ય તરીકે એસીપી બી.બી. બસીયા, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની નિમણુંક કરવામાં આવી છે.
ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીની રચના કરી નાર્કોટીક્સના મુદ્દામાલનો નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને ગઈ તા. તા.22/12/2024ના રોજ સોરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લી., જુના કટારીયા ગામ તા. ભચાઉ જી. કચ્છ (ભુજ)ખાતે રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના કુલ 71 ગુન્હાઓનો કુલ માદક પદાર્થોનો ભઠ્ઠીમાં નાખી નાશ કરવામા આવેલ છે.
પોલીસે 559.467 કિલો ગાંજો, 1.106 કિલો ગાંજાના લીલા છોડ, 267.57 ગ્રામ મેફેડ્રોન, 470 ગ્રામ ચરસ, 17.490 કિલો અફીણના લીલા છોડ, 183.37 ગ્રામ મોરફીન, 17.812 કિલો પોશડોડા, 26.340 કિલો કેનાબીઝ ઘટકવાળી પડીકીઓનો એમ કુલ રૂ. 84,00,891ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.