- ડુંગળીના એકાદ લાખ કટ્ટાની આવક: 800થી વધુ વાહનોને સબ યાર્ડમાં ક્રમશ: પ્રવેશ અપાયો
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ફરી એકવાર ડુંગળીની સોડમ પ્રસરી હતી. યાર્ડની બહાર ડુંગળી ભરેલા 800થી વધુ વાહનોની આઠ કી.મી. લાંબી લાઇનો લાગી હતી. ઉતરાયની વ્યવસ્થામાં ખૂદ યાર્ડના યૂવા ચેરમેન જયેશભાઇ બોઘરા જોડાયા હતા.
છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડમાં ખાસ કરીને રાજકોટ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ચિક્કાર આવક થઇ રહી છે. નોંધપાત્ર આવકના કારણે ડુંગળીના ભાવો તળીયે બેસી ગયા છે. ડુંગળી પકવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આજે રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પોપટભાઇ સોરઠીયા સબ યાર્ડમાં ડુંગળી ભરેલા 800થી વધુ વાહનો આવ્યા હતા. યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની આઠ કીલો મીટરની લાંબી લાઇનો લાગી જવા પામી હતી. અંદાજે 90 હજારથી એક લાખ કટ્ટા ડુંગળીની આવક થવા પામી હતી. યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોઘરા ઉપરાંત તમામ ડિરેક્ટરો અને યાર્ડનો સ્ટાફ ઉતરાય વ્યવસ્થામાં લાગી ગયો હતો. ક્રમવાર એક પછી એક વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દરમિયાન હવે જ્યાં સુધી માલનો નિકાલ થઇ જાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં આવશે નહીં.
મગફળીની 75 હજાર ગુણીની આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભરેલા વાહનોની અંદાજે 600 થી વધુ વાહનો આવ્યા હતા. માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી મગફળીની ઉતરાઈ કરાવવામાં આવી હતી.મગફળીની અંદાજે આવક 65000 થી 75000 ગુણીની આવક થઇ હતી.