- વેરાવળના ગુણવંતપુર ગામે
- પાંજરાપોળના ટ્રસ્ટી નવીનભાઈ શાહની અરજી બાદ કલેકટરે ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા આદેશ આપ્યા
વેરાવળ તાલુકાના ગુણવંતપુર ગામે વેરાવળ પ્રભાસ પાટણ મહાજન હસ્તકની પાંજરાપોળની માલિકીની સો વીઘા જમીનમાં બે સગા ભાઈ સહિત ત્રણ શખ્સોએ પોતાની માલિકી કે દસ્તાવેજ ન હોવા છતાં કબજો જમાવી ખાલી ન કરતા આખરે આ મામલામાં ગીર સોમનાથ કલેકટરે ગૌશાળાની જમીન હડપ કરી જનારાઓને જેલભેગા કરવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવા આદેશ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
વેરાવળ પાટણ મહાજન હસ્તકના પાંજરાપોળના ટ્રસ્ટી નવીનભાઈ હીરજીભાઈ શાહે વેરાવળ પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદ મુજબ પાંજરાપોળ હસ્તક સો વીઘા જમીન આવેલી છે અને એને સાથીપણાથી ભાગમાં વાવવા માટે તાલાલા તાલુકાના ઘુસિયા ગીર ગામના હમીરભાઈ પરબતભાઈ વાળા, પુંજાભાઈ વાળા અને વીરાભાઈ પરબતભાઈ વાળાને આપી હતી. શરૃઆતમાં આ શખ્સોએ પાંજરાપોળના હિસ્સે આવતો ભાગ આપ્યો હતો એ પછી આ હિસ્સો આપવાનું બંધ કરી દીધું હતુ. અને ન તો હિસ્સો આપતા હતા,ન તો જમીન ખાલી કરતા હતા. આ અંગે જમીન ખાલી કરવા વારંવાર કહેવા છતાં તમે થાય તે કરી લો અમારે જમીન ખાલી કરવી નથી કહીને પોતાના નામનો દસ્તાવેજ ન હોવા છતાં કે માલિકી ન હોવા છતાં દાદાગીરી કરીને જમીન પચાવી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, વેરાવળ પ્રભાસ પાટણ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી તરીકે સેવા આપતાં નવીનભાઈ હીરજીભાઈ શાહે પશુઓના ઘાસ ચારા માટે તા. 30/03/1985થી પાંચ વર્ષ એટલે કે 30/03/1991 સુધી કરારથી જમીન વાવવા આપી હતી. જે મુદ્દત પૂર્ણ થતાં 30/03/1991થી એક વર્ષ માટે પરબત વાળાને ખેતી કામના સુપરવાઈઝર બનાવવામાં આવ્યા હતા. જે બાદ બે ભાઈઓ સહીત ત્રણ શખ્સોએ પાંજરાપોળને ભાગ આપવાનું પણ બંધ કરી દીધું હતું અને જમીન પર કબ્જો જમાવી લીધો હતો.
જે બાદ આ બાબતે કલેકટરમાં રજુઆત કરતા કલેકટરે આ શખ્સો સામે તાજેતરમાં ઘડાયેલા જમીન સબંધિત આકરા કાયદા અનુસાર લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરવા આદેશ કરતા આખરે આ મામલામાં ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોધાવાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકારે નવો લેન્ડગ્રેબિંગ એક્ટ અમલમાં મૂક્યો છે.જેમાં જમીન કે મકાનનો ભોગવટો કરનારો કદી યે માલિક બની શકતો નથી અને જો જમીનમાં કબજો જમાવે તો એની સામે નવા કડકમાં કડક કાયદા મુજબ સજા થાય છે. સીધો સાદો અર્થ એ થાય કે જે જમીન કે મકાનમાં પોતાના નામનો દસ્તાવેજ ન હોય એ મિલકતમાં બર્ળજબરીથી પગદંડો જમાવે તો ભારે ગુનો બને છે.
હાલ આ મામલે પ્રભાસ પાટણ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. આ મામલાંની તપાસ ડીવાયએસપી ખેંગાર ચલાવી રહ્યા છે.