- વ્યાજખોરે રૂપિયા નહિ આપનારની પુત્રીને ત્રણ લાખમાં વેચી દેતા ચકચાર
- વ્યાજ આપવા છતાં 4 લાખ બાકી છે કહી 7 વર્ષની બાળકીને ઉપાડી ગયા
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે વ્યાજખોરોને જાણે ખાખીનો કોઈ ખૌફ ન હોય તેમ આંતક મચાવી રહ્યાં છે વ્યાજખોરો નાણા વસુલી માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થઈ જાય છે આવી જ એક ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાં સામે આવી છે વ્યાજખોરોએ તેમના નાણાની વસૂલાત માટે નાણા વ્યાજે લેનારની દીકરીનું જ અપહરણ કરી લીધું અને તેને ત્રણ લાખમાં વેચી દીધી હતી
હિંમતનગર-અમદાવાદ રોડ પર રહેતા છાપરામાંથી ત્રણ જણા સાત વર્ષની બાળકીને પૈસાના બદલામાં ઉઠાવી જઈ આ ત્રણેય જણાએ આ બાળકીને રૂપિયા ત્રણ લાખમાં વેચી દીધી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી જેને લઈને પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા
આ અંગે એ-ડિવિઝનના એ.બી.શાહ તથા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, એક મહિના અગાઉ સાબરડેરી નજીક છાપરામાં રહેતા બાળકીના પિતાએ મોડાસાના અર્જુનભાઈ વિજયભાઈ નટ, શરીફાબેન જોઈતાભાઈ નટ તથા બાલાસિનોર તાલુકાના દેવા ગામના લખપતિ નટ પાસેથી અંદાજે રૂ.૬૦ હજાર વ્યાજે લીધા હતા જોકે તે પૈકી વ્યાજની સમયસર ચૂકવણી પણ કરાઈ હતી, તેમ છતાં અર્જુનભાઈ નટ અને શરીફાબેન નટ દ્વારા અવારનવાર ઘરે આવી ઝઘડા કરવામાં આવતા હતા
એટલુ જ નહીં પણ આ બંને જણાએ પોતાની રીતે હિસાબ કરીને રૂપિયા ત્રણ થી ચાર લાખ લેવાના નિકળતા હોવાનું જણાવ્યું હતું તેમજ કોરા કાગળમાં બાળકીના પિતાના અંગુઠાનું નિશાન લઈ લીધું હતું ત્યારબાદ લખપતિ નટ સહિત ત્રણેય જણાએ વ્યાજે પૈસા લેનાર પિતાની સાત વર્ષની દીકરીને બળજબરીપૂર્વક પૈસાના બદલામાં ઉઠાવીને લઈ ગયા હતા ત્યારબાદ આ ત્રણેય જણાએ ભેગા મળીને અન્ય સ્થળે સાત વર્ષની દીકરીને વાલીવારસાની જાણ બહાર રૂપિયા ત્રણ લાખમાં વેચી દીધી હતી
જે અંગે હિંમતનગર એ.ડિવિઝન પોલીસને જાણ થતાં એક મહિના અગાઉ બનેલી ઘટના બાદ પોલીસે ત્રણેય જણા વિરૂદ્ધ બાળ તસ્કરી કરી હોવાના આક્ષેપ સાથે હિંમતનગર એ-ડિવિઝન પોલીસે બીએનએસ કલમ ૧૩૭(૨),૧૪૩(૪),૧૧૫(૨), ૩૫૧(૩),૫૪ તથા ગુજરાત મનીલેન્ડસ એક્ટ ક.૪૦,૪૨ મુજબ બાળ તસ્કરી કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ પોલીસે પૈસાના બદલામાં બાળકીને ઉઠાવી જનાર એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લઈને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં ૨૭/૧૨/૦૨૪ સુધીના ૭ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે
- પકડાયેલા આરોપીઓ :-
(1)અર્જુન નટ (રહે.હજીરા પેટ્રોલ પમ્પની પાછળ, ઝૂંપડપટ્ટી,મોડાસા,જિ.અરવલ્લી)
(2)શરીફા નટ (રહે.હજીરા પેટ્રોલ પમ્પની પાછળ, ઝૂંપડપટ્ટી, મોડાસા જિ.અરવલ્લી)
(3)લખપતિ નટ (રહે.દેવાગામ, તા.બાલાસિનોર જિ.મહીસાગર)
અહેવાલ : સંજય દીક્ષિત