સુરત: જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. જિલ્લા કલેકટરાયમાં યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય મનુ પટેલે ઉધના-ભેસ્તાન પર આવેલી બે હાઇટેન્શન લાઈનોને અંન્ડરગ્રાઉન્ડ કરવા અંગેની રજુઆત કરી હતી. તેમણે ઉધના વિસ્તારમાં લોકોને પ્રોપર્ટી કાર્ડ ઝડપથી મળી રહે તે માટેની રજુઆત સંદર્ભે જિલ્લા કલેકટરએ સર્વેનું કામ કરતી એજન્સી અંગે ડી.એલ.આર. અધિકારીને સરકાર લેવલે રજુઆત કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય અરવિંદ રાણાએ ઈ-શ્રમ કાર્ડ ધારકોને એન.એફ.એસ.એ. હેઠળ નોંધણી કરીને વિનામૂલ્યે અન્ન સહાય યોજનાનો લાભ આપવાની રજુઆત કરી હતી.
આ ઉપરાંત તેમણે હાલમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપર આઈ.ડી. બનાવવા અંગેનું કાર્ય ચાલી રહ્યું છે જેમાં આઈ.ડી.ઓપન કરવા માટે શાળાના રજીસ્ટર દફતરે વિદ્યાર્થીના નામનો ઉપયોગ કરવામાં આવે છે. જયારે આધાર કાર્ડમાં લખવામાં આવેલ વિદ્યાર્થીનું નામ અને અટક તેમજ પિતાનું નામ આગળ પાછળ લખ્યું હોય તો સ્વીકારવામાં આવતુ નથી જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે જિલ્લા કલેકટરએ રાજયકક્ષાએ રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ધારાસભ્ય સંદિપ દેસાઈએ કનકપુર ખાતે પાલિકાનું નવું ભવન બનાવવા માટે જમીનની ફાળવણી કરવાની રજુઆત કરી હતી. જે સંદર્ભે કલેકટરએ સુડાના અધિકારીઓને જમીન આપવા અંગે સંકલન સાધવા જણાવ્યું હતું.
જુની પોસ્ટ ઓફિસનું મકાન જર્જરીત હોય જે પાડવા અંગેની રજુઆત કરી હતી. આ ઉપરાંત બમરોલી વડોદ વિસ્તારમાં જાહેર ટ્રાન્સફોર્મરો તુટી ગયા હોય જેની તાકીદે રીપેરીંગ કરવાની રજુઆત અન્વયે ડીજીવીસીએલના અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવાની સુચના કલેકટરએ આપી હતી. સાઉથ ઈસ્ટ ઝોનમાં આઈકોનિક શાળાના નિર્માણ તથા કવાસ ગામ ખાતે મજુર થયેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઝડપી શરૂ કરવાની રજુઆતો કરી હતી. જિલ્લા કલેકટરએ તાલુકાકક્ષાએ યોજાતા સ્વાગત કાર્યક્રમોમાં આવેલા પ્રશ્નો પેન્ડીંગ ન રહે તથા ઝડપી નિકાલ આવે તે માટે અધિકારીઓને જણાવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, આંગણવાડી કેન્દ્રો, શાળાના કમ્પાઉન્ડમાં રેઈનવોટર હાર્વેસ્ટીંગનું સ્ટ્રકચર ઉભુ કરવા અંગે અધિકારીઓને સુચના આપી હતી. જે તે વિભાગોની સરકારી કચેરીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ એકટીવ કરીને સારી કામગીરીનો પ્રસાર-પ્રચાર થાય તે અંગે દરેક અધિકારીઓને સક્રિય થવા જણાવ્યું હતું. બેઠકમાં સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્યો મનુ પટેલ, સંદિપ દેસાઈ, મોહન ઢોડિયા, અરવિંદ રાણા, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સુડાના મુખ્ય કારોબારી અધિકારી, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તથા જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.