- મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે લોધિકા અને કોટડા સાંગાણી તાલુકામાં રૂ. 14.50 કરોડથી વધુના રસ્તાઓના ખાતમુહૂર્ત
- સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ જિલ્લાના લોધિકા અને કોટડા સાંગાણી તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવાની નેમને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ ધપાવી રહી છે. ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ વિકસે તે માટે સતત દરકાર લેવામાં આવી રહી છે. રસ્તા, વીજળી, રાંધણગેસ, પીવાના પાણી સહિતની સુવિધાઓ તમામ નાગરિકોને પ્રાપ્ત થાય અને સર્વે નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર પ્રતિબધ્ધ છે. આ સાથે મંત્રીએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ગુણવત્તા સભર કામ થાય તેની તકેદારી રાખવા માટે તાકીદ કરી હતી.
મંત્રીફએ જણાવ્યું હતું કે, લોધિકા તાલુકા ખાતે અંદાજે રૂ. પાંચ કરોડના ખર્ચે કાંગશીયાળી-ઢોલરા-વીરવા-ખાંભા-માખાવડ રોડ, અંદાજે રૂ. 2.30 કરોડના ખર્ચે સ્ટેટ હાઈવેથી પીપળિયા પાળથી શાપર સુધીના રોડ અને કોટડા સાંગાણી તાલુકામાં અંદાજે રૂ. 7.42 કરોડના ખર્ચે નવીમેંગણી-થોરડી-ચાપાબેડા-કાલંભડી-નૌઘણચોરા-અનીડા સુધીના રોડના વિકાસ કાર્યથી ગ્રામ્ય જનોની મુશ્કેલીઓનો અંત આવશે તેમજ આવાગમન માટે સુવિધામાં ઉમેરો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોધિકા તાલુકા ખાતે અંદાજે રૂ.પાંચ કરોડના ખર્ચે કાંગશીયાળી-ઢોલરા-વીરવા-ખાંભા-માખાવડ રોડ (ઓ.ડી.આર.) 10.99 કી.મી. લંબાઈ તેમજ 3.75 મીટર પહોળાઇનો રોડ બનાવવામાં આવશે. આ કામગીરીમાં માઇનોર બ્રિજ, નાળા, ડામર કામ, સીસી રોડ સહિતના કામ કરવામાં આવશે. આ સાથે અંદાજે રૂ. 2.30 કરોડના ખર્ચે સ્ટેટ હાઈવેથી પીપળિયા પાળથી શાપર સુધીનો 4.50 કીમી લંબાઈ અને 3.75 મીટર પહોળાઇનો રોડ નિર્માણ કરવામાં આવશે. જેમાં મેટલકામ, ડામરકામ, નાળાની કામગીરી 475.00 મીટર સી.સી રોડના કામ હાથ ધરવામાં આવશે.
આ અન્વયે કોટડા સાંગાણી તાલુકામાં અંદાજે રૂ. 7 કોરડ 42 લાખ 11 હજાર 800 ના ખર્ચે નવી મેંગણી-થોરડી-ચાંપાબેડા-કાલંભડી-નોંધણચોરા – અનીડા(વાછરા) સુધીના 14.900 કી.મી. લંબાઈ અને 3.75 મીટર પહોળાઈના રોડ પર રિ-સર્ફેસીંગનુ કામ હાથ ધરાશે.
આ પ્રસંગે વિરવા ગામ ખાતે જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ દાફડા, સરપંચ સુખદેવજી જાડેજા, અગ્રણી મનહરભાઈ બાબરીયા અને મનોજભાઈ કાછડીયા, નોંધણચોરા ખાતે જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ ટીલાળા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન બાબુભાઈ સભાયા, તાલુકા પંચાયત સભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, અનિડા વાછરા, થોરડી સહિતના સરપંચ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.