- મહેસૂલ-પંચાયત-ગ્રામ વિકાસ-શહેરી વિકાસ-પ્રવાસન-શિક્ષણ સહિતના વિભાગોની યોજનાઓની
- જિલ્લા સ્તરીય સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી
- જનતા-પબ્લીકને સારી સેવા-સુવિધા અને યોજનાકીય લાભો પહોંચાડવાના માધ્યમ સરકાર-અમલીકરણ અધિકારીઓ અને જિલ્લા વહિવટી વડાઓએ બનવાનું છે.: CM ભૂપેન્દ્ર પટેલ
- મુખ્યમંત્રી: જાહેર સેવક તરીકે જનતાની સેવા કરીને તેની સમસ્યાનું નિવારણ લાવવું એ આપણી ફરજ અને દાયિત્વ છે
- લોકોની રજુઆતો જાણવા માટે ફિલ્ડ વિઝીટ-લોકસંપર્ક સુદ્રઢ બનાવવા હિમાયત
- ‘સ્વાગત’માં રજુઆત જ ન આવે તેવી સ્થિતી ઉભી કરીએ
- ‘ઝિરો ટોલરેન્સ અગેઈન્સ્ટ કરપ્શન’ 100 ટકા સાકાર કરવું છે
- પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ-અલગ અર્થઘટન ન થાય તેની તાકિદ વ્યવસ્થાઓ સ્થાયી છે વ્યક્તિ નહિ એ ભાવ સાથે પારદર્શિતા અને પ્રમાણિક્તાથી લોકહિત કામો દ્વારા પદનું સ્ટેટસ વધારો
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ યોજાઈ હતી. CM ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સરકાર અને અમલીકરણ અધિકારીઓ તથા જિલ્લાના વહીવટી વડાઓએ જનતા-પબ્લિકને સારી સેવા-સુવિધાઓ અને કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડવાના માધ્યમ બનવાનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ જવાબદારી અને કર્તવ્યના ભાવ સાથે કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ પોતાની ભૂમિકા નિભાવે તે અપેક્ષિત છે.
CM રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ, પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, CMના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયા આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.
CM ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, જાહેર સેવક તરીકે જનતાની સેવા કરવી, તેની સમસ્યા-મુશ્કેલીઓ દૂર કરવી તે આપણું દાયિત્વ અને ફરજ બેય છે. આ માટે લોકસંપર્ક વધુ સુદ્રઢ બનાવવાની હિમાયત કરતાં CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા અધિકારીઓને ફિલ્ડ વિઝીટ માટે તાકીદ કરી હતી.
તેમણે જણાવ્યું કે, ફિલ્ડ વિઝીટમાં લોકોની રજૂઆતો- ફરિયાદો ધ્યાને આવે તેના નિવારણ માટેના ઉપાયો યોજવા સાથોસાથ જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓના વ્યવહાર વર્તનનો ફીડબેક મેળવી સુશાસનની દિશામાં વધુ સક્રિય થઈએ.
CM એ લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણની તથા ઉચ્ચ કક્ષાથી લઈને સામાન્ય માનવીની રજૂઆતોના યોગ્ય જવાબ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા જિલ્લા સ્તરે જ ઊભી થાય અને ‘સ્વાગત’માં આવવું જ ન પડે તેવી સ્થિતીનું નિર્માણ કરવા પણ કલેકટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલે “ઝિરો ટોલરન્સ અગેઈન્સ્ટ કરપ્શન”નો નિર્ધાર દોહરાવતા કહ્યું કે, વિકાસના રોલ મોડલ એવા આપણા ગુજરાતના વધુ ઉન્નત અને વૈશ્વિક વિકાસમાં આડે આવતું આ કરપ્શન 100 ટકા દૂર કરવું જ પડે, નિંદામણ કરી નાખવું પડે એમ તેમણે માર્મિક ટકોર કરતા ઉમેર્યું હતું.
CMએ સ્પષ્ટ કહ્યું કે, સરકારના પરિપત્રો નિયમોનું અલગ અલગ અર્થઘટન જિલ્લાઓમાં થવું ન જોઈએ જો કોઈ કામ નિયમાનુસાર ન થાય તેવું હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, વ્યવસ્થા સ્થાયી છે કોઈ વ્યક્તિ કે તેનું પદ સ્થાયી નથી, એટલે સેવાકાળ દરમિયાન જનહિતના કામો પારદર્શિતા અને 100 ટકા પ્રમાણિકતાથી કરીને પદની ગરિમા-સ્ટેટસ ઊંચું લાવવાનો વિચાર જ પ્રાથમિકતા હોવો જોઈએ.
ગુજરાત આજે વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં જિલ્લાના વડા તરીકે કલેકટર-ડી.ડી.ઓ. અને તેમની ટીમનો મહત્વપૂર્ણ ફાળો છે તેમ CM એ સૌને એ માટે બિરદાવતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડ મેપ તૈયાર થયેલો છે તેનાં સુચારુ અમલથી ૨૦૪૭ સુધીમાં વિકસિત ગુજરાત બને તેવી સંકલ્પના અને કાર્યદક્ષતા જિલ્લાની ટીમના વડાઓએ દાખવવાની છે.
CM ભૂપેન્દ્ર પટેલે આવી કલેકટર-ડી.ડી.ઓ. કોન્ફરન્સ જિલ્લાઓમાં કરવાનું પ્રેરક સૂચન કરતા કહ્યું કે, આના પરિણામે જિલ્લાના સમગ્રતયા વિકાસથી રાજ્ય સરકાર અને અન્ય જિલ્લા અધિકારીઓ ભલિ ભાંતિ પરિચિત પણ થશે. આ એક દિવસીય પરિષદમાં મહેસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની લોકોને સીધી સ્પર્શતી યોજનાઓમાં જિલ્લાઓની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત નિર્મળ ગુજરાત 2.O, નલ સે જલ, પી.એમ.વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સૂર્યઘર મૂફ્ત બીજલી યોજના, પી.એમ.જે.એ.વાય. અને પી.એમ. પોષણ યોજનાની જિલ્લા સ્તરે થયેલી કામગીરી પર પ્રેઝન્ટેશન સહિત સમૂહ ચિંતન થયા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમારે પરિષદનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, નાગરિકોના હિતમાં સરકારે અમલમાં મૂકેલી કોઇપણ યોજનાની આંકડાકીય સિદ્ધિ કરતા એ યોજનાનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય તે વધુ મહત્વપૂર્ણ છે. જિલ્લાના વહીવટી વડા તરીકે કલેકટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સુખાકારી જ હોવો જોઈએ. નાગરિક હિતલક્ષી કોઇપણ કામ ગુણવત્તાયુક્ત થશે, તો જ નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને સરકાર પ્રત્યે તેમનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે.
મુખ્ય સચિવએ ઉમેર્યું હતું કે, સરકારની કોઇપણ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ‘ફીડબેક મેકેનીઝમ’ ઉભું કરવું ખૂબ જ જરૂરી છે. જિલ્લા કક્ષાએ કામ કરતા અધિકારીઓ નાગરીકો સાથે સૌથી નજીકથી કામ કરતા હોવાથી ફીડબેક મેકેનીઝમ વધુ મજબૂત બની શકે છે. એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
આ સંયુક્ત પરિષદમાં CMના અધિક મુખ્ય સચિવઓ પંકજ જોષી અને એમ. કે. દાસ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્રસચિવો અને CM ના સચિવ અવંતિકા સિંઘ સહિત સચિવો પણ જોડાયા હતા.