- તંત્રએ રૂા.90 કરોડની જમીન પરથી અસામાજીક તત્વોનો કબ્જો હટાવ્યો
ઉપલેટા નગરપાલીકાની માલિકી ધરાવતી પાટણવાવ રોડ ઉપર આવેલ હાડફોડી ગામના સર્વે નં. 18 વાળી 1200 વિઘા જમીનમાં માથાભારે શખ્સો કબજો જમાવી બેઠા હોય આખરે આ ગૌચરની જમીન ઉપર 15 જેટલા બુલડોઝર ફરીવળતા આ ડિમોલેશનને જોવા ટોળે ટોળા ભાદરકાંઠા વિસ્તારમાં ઉમટી પડયા હતા.
ગઈકાલે સવારે પ્રાંત અધિકારી નાગાજણભાઈ તરખાણા, મામલતદાર નિખિલ મહેતા, ચીફ ઓફીસર નિલમ ઘેટીયા, પી.આઈ. બી.આર. પટેલ, જિલ્લા માપણી અધિકારી ધોરાજી-ભાયાવદરનાં ચીફ ઓફીસરો પાટણવાવ, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર પોલીસ 50 વાહનો કાફલા સાથે 200 જેટલા અધિકારીઓ કર્મચારીઓ વહેલી સવારે ભાદરકાંઠા પાસે આવેલ એનીમલ હોસ્ટેલમાં પાછળ આવેલ જમીન ઉપર 15 જેટલા બુલ ડોઝરો 5 જેટલા રોટાવેટરો ફરી વળતા જમીનનો કબજો લઈ બેઠેલા શખ્સો ભાગી છુટયા હતા.
ગઈકાલે શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત 90 કરોડની કિમંત ધરાવતી 1200 વિઘા જમીન ગૌચર માટે ખાલી કરાવતા તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલેશન જાળવી રાખ્યું છે. નગરપાલિકા હસ્તકની ગૌચરની જમીન ઉપર ગૌ માતાને ચરવાને બદલે જમીનના માફીયા આ જમીનનો ચરી જતા પ્રથમ દિવસે એનીમલ હોસ્ટેલથી હાડફોડીથી સમઢીયાળા રોડ સુધી સતત આખો દિવસ બુલડોઝર ચાલુ રહ્યા હતા બે દિવસ બાદ ભાદરકાંઠાના ચીખલીયાવાળા રસ્તા ઉપર પણ ગેરકાયદે દબાણ હટાવવામાં આવશે તેવું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.
લગભગ એકાદ મહિના પહેલા જમીન ઉપર કબજો જમાવી બેઠેલા અસામીઓને 10 દિવસમાં કબજો છોડી દેવા જાહેર નોટીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. પણ આ નોટીસને આ જમીન માફીયાઓ ઘોળીને પી જતા આખરે તંત્ર દ્વારા કાયદાનું ભાન કરાવતા ગઈકાલે ઉભા પાકનો સંપૂર્ણ સફાયો કરી નાખવામાં આવ્યો હતો. ઉપલેટાના ઈતિહાસમાં આવું પ્રથમ ઓપરેશન થતા ભારે હલચલ મચી જવા પામી હતી.
ધારાસભ્ય પાડલીયાએ રજૂઆત કરતા બુલડોઝરો ધણધણ્યા
ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા ગૌચરની જમીન ખાલી કરાવવા અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી આખરે ગઈકાલે1200 વિઘા જમીન ખાલી થતા હવે આ જમીન ગૌચર માટે ઉપયોગમાં આવશે તેવું ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યુંં હતુ.
ડિમોલીશનમાં સાથે રહેતા મામલતદાર મહેતા
નવનિયુકત મામલતદાર નિખિલ મહેતા ચાર્જ સંભાળતા જ કબજા વાળી જમીનના અભ્યાસ કરી ઈન ચીફ ઓફીસર મોઢવાણીયાને સાથે રાખી તમામ કાગળોનો અભ્યાસ કરી કોઈપણ જાતનો વાંધા વચકા વગર જમીન શાંતીથી ખાલી થાય તે માટે આખો પ્લાન બનાવી ગઈકાલે અમલમાં મૂકતા શાંતૂપર્ણ રીતે ડિમોલેશન કરવામાં આવ્યું હતુ.
2010મા ભાડે ગામે 500 વિઘા જમીન ગૌચર ડિમોલીશન થયું
ધોરાજી ઉપલેટાના તાત્કાલીન ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાએ પણ 2010માં તાત્કાલીક ગૃહમંત્રી અમીતભાઈ શાહ સંપર્કમાં રાખી ભાડેર ગામે કરોડો રૂપીયાની 500 વિઘા જમીન ઉપર સ્થાનીક દલીત લોકોએ દબાણ કર્યું હતુ. તે 100 વાહનોના કાફલા સાથે 500 અધિકારીઓ સાથે લઈ જઈ આ જમીન ખાલી કરાવી હતી ત્યારબાદ ગઈકાલે જે ડીમોલેશન થયું તે ઉપલેટાના ઈતિહાસમાં પ્રથમ વખત 90 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે.