- થર્ટી ફર્સ્ટે સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો રઘવાયા
- શરાબની 11,118 બોટલ, ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂ. 49.37 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની ડ્રાયવર-ક્લિનરની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટાપ્રમાણમાં રાજસ્થાન તરફથી ઈંગ્લીશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેમજ આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને સ્ટોક કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે એલસીબી પોલીસે બાતમીના આધારે પાણશીણાથી લીંબડી તરફ આવતા એક ટ્રકમાંથી રૂ. 38 લાખની કિંમતનો દારૂ-બિયરના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
આગામી 31 ડિસેમ્બરની પાર્ટી અને ઉજવણીને ધ્યાને લઈ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ થતું હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમિયાન પાણશીણાથી લીંબડી તરફ આવી રહેલ એક ટ્રકને રોકી તેની તલાસી લેતા ટ્રકમાં ચોરખાનું બનાવી સંતાડેલ ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની અને બીયર ટીન સહિત કુલ 11,118 બોટલ કિંમત રૂ.38.06 લાખ તેમજ ટ્રક કિંમત રૂ.10 લાખ, બે મોબાઈલ કિંમત રૂ.11 હજાર, પ્લાસ્ટીક વેસ્ટ સ્ક્રેપ મટીરીયલ 120 મણ કિંમત રૂ.1,20,000 મળી કુલ રૂા.49.37 લાખના મુદ્દામાલ સાથે સુરેશ પોલારામ રહે.રાજસ્થાન (ડ્રાઈવર) અને પારસરામ ધીરારામ બીસ્નોઈ રહે.રાજસ્થાન (ક્લીનર)ને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય ત્રણ શખ્સો ડુંગરારામ મોહનલાલ મેઘવાલ રહે. રાજસ્થાન, માલ મંગાવનાર સામખીયાળીના અજાણ્યા શખ્સો અને લુધીયાણાથી માલ ભરી આપનાર ચાલક સહિતનાઓની સંડોવણી સામે આવી હતી. આથી પોલીસે ઝડપાયેલ બંને શખ્સો સહિત તમામ વિરૂધ્ધ લીંબડી પોલીસ મથકે ગુનોે નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે 31 ડિસેમ્બર પહેલા મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતા સ્થાનીક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.